વિકાસગાથા
એ એના
ખેતર સામે તાકી રહ્યો હતો,
સવાર સવારમાં. એની લાચાર નજરોમાં વંચાતું હતું કે જો પાકને પાણી નહિ
મળે થોડા દિવસોમાં, તો સમજો કે બધો પાક નિષ્ફળ. ગામ તો એના ઘર
અને ખેતરથી કંઇક ૨-૩ કિલોમીટર જેવું દૂર હતું , અને એનો કૂવો
પણ મરમ્મતના અભાવે બંધ પડ્યો હતો . ૧૫-૨૦ હજાર સહેજે જોઈએ ચાલુ કરવા માટે. આ વખતે વરસાદ
પણ જોઈએ એવો પડ્યો નહિ.
આ વિચારીને
એ એના નસીબને કોસતો હતો ,
ત્યાં જ ધૂળ ઊડાડતો ત્રણ-ચાર ગાડીઓનો કાફલો આવીને ઊભો રહ્યો. સરકારી
સાહેબો જેવા લાગતા ચાર-પાંચ લોકો, ને ૧૦-૧૫ કારીગરો. એકના હાથમાં
કંઇક કાગળો હતા, સીધો લઇને એના પાસે જ આવીને નામ-ઠામ પૂછીને પાછો
એક ઊપરી જેવા લાગતા સાહેબ પાસે જઈને- " હા, આ જ છે. અહિં
જ બનાવવાનો છે." એવું બોલ્યો.
થોડી
જ વારમાં બધા કારીગરો મેજરટેપ અને બીજાં સાધનો લઇને મંડી પડ્યા, એક માણસ નકશો લઈને આવી
ગયો. એમની વાતો પરથી ખબર પડી કે એના ઘરને ગામના મુખ્ય રસ્તા સાથે જોડતો રોડ બની રહ્યો
હતો. "આદિજાતિ કલ્યાણ યોજના" હેઠળ સરકારે રોડ બનાવવા કરોડોની ગ્રાન્ટ મંજૂર
કરેલી, એમાં ટાર્ગેટ પૂરો ના થતાં એકાદ કરોડ રૂપિયા આ રોડ માટે
પણ ફાળવી દીધા. જિલ્લામાં સારી એવી વસ્તી અને નહિવત વિકાસ ધરાવતી આદિવાસીઓની એક કોમ
હતી,જેમાંથી આ ગામમાં તો એનું એકલાનું જ ઘર હતું.
અચાનક
એના મનમાં ઝબકારો થયો. રોડ બનાવવાની શું જરૂર હતી ? કાચો રસ્તો તો છે જ. સરકાર ખોટા પૈસા બગાડે
છે. એના કરતાં કૂવો ઠીક કરી આપે તો કેવું ? પહોંચી ગ્યો પેલા
સાહેબ પાસે . બે હાથ જોડીને કાકલૂદીના સ્વરે બોલ્યો- " માઈ-બાપ. મારઅ આ રોડની
કૉય જરૂર નહિ. ઈના કરતોં મારા આ સેતરમોં ટેપુંય પૉણી નહિ . તાણઅ સાયેબ , સરકારમોં અરજી કરીન જો આ રોડની બદલઅ થોરા પૈસા મલી જોય, તો મોટી મેરબૉની તમારી. મું મારો કૂવો હમો કરાય લે. મારો પાચ બચી જહે,
અનઅ થોરું દેવું ઓસું થહે. મારઅ ઈની વધાર જરૂર સ , હમજો... "
પેલા
સાહેબ કંઈક બોલ્યા અંગ્રેજીમાં . એક કારીગર આગળ આવ્યો, અને એને હડસેલો માર્યો
- " તારે શેની જરૂર છે અને શેની નથી એ બધું અમારા સાહેબને ખબર છે. એક ચોપડી તો
ભણ્યો નથી, અને તું અમારા લંડનમાં ભણેલા સાહેબને સમજાવીશ
? પાડ માન સાહેબનો કે તને રોડ બનાવી આપે છે. "
એ કંઇ
ના બોલ્યો. એક બાજુ ઊભો રહી ગયો. આંખોમાં ઝળઝળિયાં સાથે કારીગરોની ધમાલ જોતો રહ્યો.
કંઇક સૂચના આપીને પેલા સાહેબ જતા રહ્યા. બીજા દિવસથી કામ પણ ચાલુ. દસ દિવસમાં તો રોડ
બની ગયો. ચકચકાટ. એન્જીનિયરો અને કારીગરોએ રોડ આગળ ઊભા રહીને ફોટા ય પડાવ્યા.પણ કોઇ
પૂછવા ય ના આવ્યું કે એને રોડ કેવો લાગ્યો. કામ પતાવીને બધી પલટન રવાના થઈ ગઈ.
બીજા
વર્ષનો જાન્યુઆરી આવી ગયો. ગયા વર્ષે સરકારે કરેલાં વિકાસનાં કામોની " વિકાસગાથા
" પ્રગટ થઈ. મફતમાં બધે વહેંચાઇ,
ખૂબ પબ્લિસિટી થઈ. એમાં ચાર પાનાં ભરીને કેવી રીતે સરકારે છેક છેવાડાનાં
એક આદિવાસીના વિકાસ માટે રોડ બનાવી આપ્યો એનો રિપોર્ટ હતો. સાથે એમની ટીમના ફોટો પણ
હતા. હા, રિપોર્ટમાં ક્યાંય ઊલ્લેખ નહોતો કે - એ દરેક સાહેબનાં
ઘરે સરસ મજાનું ફર્નિચર આવી ગયું કે કારીગરોના ઘરોને ચકાચક પ્લાસ્ટિક પેઇન્ટ થઈ ગયું. એ બધું પણ એ રોડની જ દેન હતી.પણ રિપોર્ટમાં તો આવું
ના જ લખાયને ?
બીજો
પણ એક ઊલ્લેખ નહોતો રિપોર્ટમાં--- કે એ રોડ હવે કોઈ ઊપયોગમાં નથી લેતું . કેમ કે બે
જ મહિના પછી પાક નિષ્ફળ જતાં દેવામાં ડૂબેલા એ ગમાર આદિવાસીએ આત્મહત્યા કરી લીધેલી.
અને લેણદારોના ત્રાસથી એની પત્ની અને બે બાળકોએ પણ કૂવામાં ઝંપલાવી દીધું . હા, એ જ પેલા કૂવામાં,
જેની મરમ્મત કરાવવા માટે એમની પાસે પૈસા ન્હોતા.
જે
હોય એ, સરકારને
તો બહુ પ્રશંસા મળી . એણે તો છેક છેવાડાનાં માણસનું પણ કેટલું બધું ધ્યાન રાખ્યું હતું
! માણસને વધારે શાની જરૂર છે એની ખબર તો સરકાર અને અમલદારોને જ પડે ને ! પણ આ બધું
પેલા એક્કેય ચોપડી ના ભણેલાં ગમારને કોણ સમજાવે !

"જ્યાં જરુર છે ત્યાં કામ થવુ જોઇએ".... બરાબર છે, પણ આપણા સરકારી નિયમોની જડતા એ છે કે "જેને માટે છે તે કામ થવુ જોઇએ" (જોકે કટકી બાદ જ). સરકારી નિયમો એવા છેકે જે સ્કિમ માટે મંજુરી મળી હોય તેને માટે જ કામ થાય, નહિતર ઓડિટ સમયે વાંધો આવે. (વધારે કટકી થાય!!!). એક રીતે આ નિયમો સારા છે..પણ તેના અમલ માં ભલીવાર નથી. ખરેખરતો જે કાંઇ પ્લાન -યોજના શરુ થવાની હોય તે પહેલા તેની દરખાસ્ત નીચલા સ્તરેથી મંગાવવામાં આવે છે, જે માટે ખુબ અભ્યાસની અને વ્યવહારુ સમજની જરુર રહે છે, જે માટે ઘણા પરિબળો જોવાના હોય છે. જો એ પ્રમાણે બધુ થાય તો દેશ હરિયાળો બની જાય.....
ReplyDeleteઆ વાર્તામાં જે વાત છે, તે માટે જરુર હતી યોગ્ય પ્રચાર અને સમજ ની. તેને જે માટે જરુર હતી(કુવા માટે) તે માટે પણ પેલો અધિકારી સમજાવી શક્યો હોત અથવા પોતાના જ્ઞાન-સમજથી જે તે વિભાગને તે કુવા માટે દરખાસ્ત કરી શક્યો હોત. પણ ના, તેને કાગળો પર જ આદિવાસીઓનો વિકાસ કરવો હતો.
સરકારી નિયમો માં વ્યવહારીકતા પણ જરુરી તો છેજ.
Thank you sir for your valuable inputs. As you have served for years in this system, you know better about the loopholes of this system .
ReplyDelete