કદાચ રવિવાર હતો. ઘણાં વર્ષો થઇ ગયા એટલે બરાબર યાદ નથી. આનંદ કબાટ અને ટેબલ સાફ કરતો હતો. રવિવાર જ હશે, આવાં સાફસફાઈનાં કામો એને રવિવારે જ યાદ આવતાં. હું માંડ બ્રશ કરીને ચા પીવા જાઉં કે સીધો હવે જમવા જ જાઉં એ વિચારમાં હતો, ને એણે ઊઠીને રૂમની સફાઈ કરવાનું ચાલુ કરેલું.
અમને બી.વી.એમ. કોલેજની વિંધ્ય હોસ્ટેલમાં આવ્યે હજુ કદાચ પંદરેક દિવસ જ થયા હતા. અને એ કહે કે આજે રૂમ સાફ કરવો પડશે, બહુ જાળાં અને ધૂળ જામી ગઈ છે. હું બેડ પર પલાંઠી વાળીને બેઠા-બેઠા ક્યાં ધૂળ જામી ગઈ છે એ શોધતો હતો; મને તો નહોતી દેખાતી. એના ચશમાંના નંબર મારા કરતાં વધારે છે એટલે કદાચ એને જલ્દી દેખાઈ જતી હશે. એક તો આનો આ ત્રાસ. એને બધું જ વ્યવસ્થિત જોઈએ, પોતપોતાની જગ્યા પર; ને મને બધું રમણ-ભમણ ના હોય તો કોઈ શોપિંગ મોલમાં આવી ગયો હોય એવું લાગે. મારું ચાલે તો અમારા રૂમ નંબર 10ની બહાર પાટિયું લગાવું : " Order is temporary; Chaos is permanent. " જો કે રૂમનું તાળું ખરીદવામાં ય મારું કંઈ ચાલ્યું નહોતું, એટલે પાટિયું તો એ મને લગાવવા જ કેવી રીતે દે !
હું ચૂપચાપ બેઠો-બેઠો એને સફાઈ કરતાં જોઈ રહ્યો હતો. હમણાં એ કહેશે કે આ બેડ પકડાવ, આ ખુરશી ઊંચી કર, ગાદલા ઊંચકીને બહાર મૂકી આવ, રજાઈના કવર કાઢવામાં મદદ કર... અસાઇન્મેન્ટ લખવાનાં બાકી છે, 'ને આ આજે ખોટી કસરત કરાવશે. ચોપડાઓની થપ્પી ગોઠવતાં-ગોઠવતાં એ અચાનક પાછળ ફર્યો, મારી સામે જોઈને બોલ્યો : "ઓહો, સાહેબ તો પલાંઠી વાળીને બેઠા છે ને ! મોકલું હોં સાહેબ, ચા-નાસ્તો મોકલું તમારા માટે. અને જુઓ તો ખરા, સફાઈ હું કરું છું ને પોતે મોઢા પર રૂમાલ બાંધીને બેઠા છે. એવી કોઈ વસ્તુ શોધી છે વૈજ્ઞાનિકોએ જેની તને એલર્જી ના હોય ?"
એને ખબર હતી કે મને ધૂળની એલર્જી છે. પણ એને એ એકલો જ સફાઈ કરે છે એવું ના લાગે એટલે હું બેઠો હતો. અત્યારે મારુ સમગ્ર અસ્તિત્વ ચા-ચાની પોકારો કરતું હતું. પણ એ 'હાલ ચા પીશ નહીં, પીવા દઈશ નહીં'નો દ્રઢ નિશ્ચય કરીને ખૂણે-ખૂણે સાવરણી ઠોકયે જ જતો હતો. મોદીની ટીકા કરનારા બધા ય છેલ્લે ક્યાંક ને ક્યાંક તો મોદીના ગુણો અપનાવી જ લે છે. ગરમી લાગતી હતી ને એણે પંખો બંધ કર્યો હતો. એટલે મેં માથા પરના પંખા પર નજર કરી. છેલ્લે આ પંખો 1947માં સાફ થયો હશે. એનો ઓરીજીનલ કલર કયો હશે એ વિષે અમારે ઘણી વાર શરત લાગતી. જો આનંદ આજે આ પંખો ય સાફ કરવાનું કહે તો બપોરે તો ઠીક, સાંજે ય જમવા ભેગા નહિ થવાય.
અચાનક દરવાજે ટકોરા પડ્યા. એક છોકરો આવીને ઊભો હતો, હસીને એણે અંદર આવવા માટે પૂછ્યું. બરમુડો-બનિયાન પહેરીને સફાઈ કરતા આનંદને જોઈને હુંય કંટાળ્યો હતો, મેં એને 'આવ ને ભાઈ' કહીને અંદર બોલાવ્યો. એ આવીને મારી સામે પડેલી ખુરશીમાં બેઠો, અને આનંદને સફાઈ કરતાં જોવા લાગ્યો.
એક ખૂણો સાફ થયો એટલે કોણ આવ્યું એ જોવા આનંદ પાછળ ફર્યો. પહેલાં તો હું એકલો હતો, હવે અમે બે લોકો આનંદને સફાઈ કરતા જોવાનો આનંદ લઇ રહ્યા હતા. એ જોઈને એ ગિન્નાયો, 'ને સાવરણી ફેંકીને એ ય ટેબલની બાજુમાં પડેલી ખુરશીમાં બેસી ગયો.
હવે હું થોડો નવરો થયો, એટલે પેલા નવા આવેલા છોકરા બાજુ ધ્યાન ગયું. પહેલી જ વાર રૂમમાં આવ્યો હતો, તો પણ જાણે રોજ ટોળટપ્પાં કરવા આવતો હોય એટલી સહજતાથી એ કંઈ જ બોલ્યા વગર બેઠો હતો. એ કોણ છે 'ને કેમ આવ્યો છે એવું પણ મેં નહોતું પૂછ્યું. હવે ટગર-ટગર તાકી રહેવાનો વારો મારો અને આનંદનો હતો. અમે થોડીક નવાઈભરી નજરે એને જોવા લાગ્યાં. અમારા બંનેનું ધ્યાન એની બાજુ ગયું એટલે એણે પણ બોલવાનું ચાલુ કર્યું:
" હાઈ. હું પૂજન. પૂજન ખાનપરા. "
"પૂજા ખાન ? આ તે વળી કેવું નામ છે ?" ચમકીને મેં પૂછ્યું.
"પૂજા નહિ, પૂજન. પૂ જ ન . અને ખાન નહિ, ખાનપરા. " ચોખવટ કરીને એ હસ્યો.
મેં આનંદ સામે જોયું. એ મારી સામે જોઈને હસતો હતો, કદાચ એને પહેલી વારમાં જ નામ સમજાઈ ગયું હશે; કે પછી એને એમ લાગ્યું કે મેં જાણીજોઈને નામમાં ભૂલ કરી.
મેં અમારી ઓળખાણ આપી : "હું વૈભવ અમીન. મિકેનિકલ ડિવિઝન 6. આ આનંદ મકવાણા. સિવિલ."
પેલાએ ફરી ચાલુ કર્યું :
"રિશફલિંગમાં આ કોલેજમાં ટ્રાન્સફર થઇ છે. કોમ્પ્યુટર બ્રાન્ચમાં. "
ઓહ. એટલે આ નવો હતો.
"તો તું પહેલાં કઈ કૉલેજમાં હતો ?"
"વિશ્વકર્મા કૉલેજ. ચાંદખેડા. બે અઠવાડિયા ત્યાં ભરીને આવ્યો, આજે જ. "
"તો અચાનક આ બાજુ કેમ?" આનંદે પૂછી લીધું.
"થયું કે હોસ્ટેલ જોતો જાઉં. પણ એક્કેય રૂમ ખુલ્લી નહોતી. બધાં ઊંઘતા લાગે છે. આ જ રૂમ ખુલ્લી જોઈ, એટલે જોવા માટે અંદર આવ્યો. "
'આ આનંદના પ્રતાપે. આખું ગામ રવિવારની નીંદર કાઢે ત્યારે એને કચરો કાઢવો હોય. બાકી આ રૂમ પણ ખુલ્લી ના હોત.'- આવું હું મનમાં જ બોલ્યો. મોટેથી બોલું તો હજુ સાફ કરવાની હતી એ બારીમાંથી આનંદ મને બહાર ફેંકી દે.
"અચ્છા. પણ આ હોસ્ટેલમાં તો એડમિશન ફુલ થઇ ગયું. એકપણ રૂમ ખાલી નથી."
"અરે ના, મારુ રહેવાનું તો સેટિંગ થઇ ગયું છે. આ તો ચા પીવા જવું હતું, એટલે કોઈ હોય તો લઇ જાઉં એમ વિચારીને આવ્યો. "
ચાનું નામ સાંભળીને જ એ છોકરો મને ગમી ગયો. હું ઊભો થઈને એનો હાથ પકડીને ચા પીવા લઇ જવાનું જ વિચારતો હતો કે આનંદ ફરી બોલ્યો :
"અહીં નજીકમાં જ ચા મળે છે. રોડની સામે જ. શક્તિ ટી-સ્ટૉલ. વૈભવ, તું બેસ, આપણે આ પતાવીને ચા પીવા જઈશું." એક જ મિનિટમાં મારાં બધાં અરમાનો પર એણે ઠંડુ પાણી રેડી દીધું. આને ઊંચકીને બારીની બહાર ફેંકી દઉં તો કેવી મજા આવે ! જો એક જણને બારીની બહાર ફેંકી દેવાની છૂટ મળે તો હોસ્ટેલમાં રહેતા બધા લોકો પોતાના રૂમ-પાર્ટનરને જ પસંદ કરે.
ફરી પેલો છોકરો બોલ્યો : "અરે ના, વાંધો નહિ. આ તો કોઈ આવતાં હોય તો. સરસ કડક ચા પીવી હતી. "
"તો શક્તિમાં જાય એના કરતા મોહિની કોર્નંર જજે. ત્યાં મસ્ત ચા મળે છે. અહીંથી સીધાં-સીધાં જાઓ 'ને જે ચોકડી આવે એ મોહિની કોર્નંર. ત્યાં નાસ્તો પણ સારો મળી રહેશે." મેં હવે પંદર દિવસોમાં મેળવેલું જ્ઞાન વહેંચવાનું ચાલુ કર્યું.
"બરાબર. એ તો જઈ આવીશ. મારે રૂમ માટે થોડોક સામાન પણ લેવો હતો. "
હવે આનંદનો વારો આવ્યો : "એ માટે એક કામ કરજે. અહીંથી ડાબી બાજુ જઈશ તો ઇસ્કોન મંદિર આવશે. ત્યાંથી લેફ્ટ લઇ સીધો જઈશ એટલે ભાઈકાકા સર્કલ આવશે. ત્યાં નજીક જ એક મોલ છે. બધું અલગ અલગ લાવે એના કરતાં ત્યાંથી જ બધું મળી રહેશે. "
"હા, એ તો એવું જ કંઈક કરીશ." પેલો એટલું જ બોલ્યો.
અચાનક મને યાદ આવ્યું: " ઓ આનંદ, તું એને ગોળ-ગોળ ફેરવીને ક્યાં મોલ બાજુ મોકલે ? કેટલું દૂર પડશે ! એના કરતાં અહીંથી સીધો નાના બજાર જાય તો ત્યાંથી રાઈટ સાઈડ એકદમ નજીક જ આવે સર્કલ. ત્યાંથી થોડે આગળ જાય એટલે મોલ, "
" ના, ઇસ્કોનવાળો રસ્તો જ નજીક પડે. અહીંથી જલ્દી પહોંચાય છે. "
" અરે ભ'ઈ, નાના બજારથી જલ્દી પહોંચાય. "
આનંદ ઉકળ્યો: "તને ઇડરના બસ સ્ટેન્ડથી તારે ઘેર જવું હોય તો કયા રસ્તે જવું એ યાદ છે ? તને વળી ક્યારથી રસ્તા યાદ રહેવા લાગ્યા ? " હવે હું ચૂપ થઇ ગયો. કદાચ ઇસ્કોનવાળો રસ્તો જ નજીક હશે. પેલો પણ સમજી ગયો કે આનંદ કહે એટલે ફાઇનલ. એ ખાલી હસ્યો.
"પછી જમવાનું કે એવું કંઈ ગોઠવ્યું છે કે નહીં?" આનંદ હવે આને છોડશે નહીં.
"ના. એ તો હવે ધીરે ધીરે કરશું બધું."
"નાના બજાર તો જોયું ને તેં ? એની બાજુમાં ગુજરાત ડાઇનિંગ હોલ છે. ત્યાં બહુ સરસ જમવાનું મળે છે. "
"બરાબર."
એ એકલો જ બધી માહિતી આપી દે તો હું શું કરીશ? મેં ય જ્ઞાનસરિતા ચાલુ કરી: "એની પાછળ જ બીજો નારાયણ ડાઇનિંગ હોલ છે. ત્યાં પણ જમવાનું સારું મળે. વળી ત્યાં રવિવારે ફિસ્ટ પણ હોય છે. એક ઇસ્કોનની બાજુમાં પણ છે. એ આપણે નજીક પડે. "
"બરાબર."
"અને સવારે કે બપોરે નાસ્તો કરવો હોય તો અહીં સામે જ રુદ્રાક્ષ કોર્નંર પર મળી જશે. 'ને ન્યુ હોસ્ટેલમાં પણ કેન્ટીનમાં મળે જ છે. બીજો નાસ્તો કરવો હોય તો યુનિવર્સીટી બાજુથી મોહિની કોર્નંર જતા રહેવાનું. ત્યાં બધું મળી રહે. "
"તું પાછો રસ્તો બોલ્યો ? મોહિની કોર્નંર રુદ્રાક્ષવાળા રસ્તે નજીક પડે. તને ચાલવાનો શોખ હોય એટલે કંઈ બધાને લાંબો રસ્તો ના ગમતો હોય. પૂજન, વૈભવ કહે એ રસ્તે જવાનું જ નહીં. "
આજે આ મને નહીં બોલવા દે. મને પંદર દિવસ થયા તો એને ય એટલા જ થયા. પણ તો ય એ કહે એ જ રસ્તો સાચો. ભલે. મેં વાત બદલી.
"તારું વતન કયું?"
"હું આમ તો જૂનાગઢનો. પણ વર્ષોથી કલોલ રહીએ છીએ. તમે? "
"અમે બંને ઇડરના." હું બોલ્યો.
"ના, વૈભવ ઇડરનો. હું ઇડરની બાજુમાં રેવાસ નામનું ગામ છે, ત્યાંનો." આ હવે મને સુધારવાની એક પણ તક નહીં છોડે.
"ઓકે." એટલું બોલીને એ છોકરો હસ્યો. "બાય ધ વે, મોલ ઇસ્કોન અને નાના બજાર બંને બાજુથી સરખો જ થાય. એવી જ રીતે, મોહિની કોર્નંર પણ બંને રસ્તે સરખું જ થાય. વિદ્યાનગરના બધા રસ્તા સર્કલ આકારે છે. તમે એક જગ્યાએથી સીધું ચાલ્યા કરો તો પાછા એ જ જગ્યાએ આવી જાઓ." એટલું બોલીને એ મરક્યો.
હું ને આનંદ બબૂચકની જેમ એકબીજાની સામે જોઈ રહ્યા હતા. આ આજે આવેલો છોકરો અમને બંનેને શીખવાડતો હતો. જો કે આ એક જ જગ્યાએ પાછા આવી જાઓ- વાળી વાતનો અમને અનુભવ થઇ ગયેલો, એટલે એ સાચું જ બોલતો હતો. પણ એને કેમની ખબર?
અમારા બંનેના ચહેરાના ભાવ એ વાંચી ગયો હોવો જોઈએ. એ ફરી હસ્યો, ધીરે રહીને બોલ્યો, "અહીંયા પાછળ આરપીટીપી સ્કૂલ છે એ જોઈ છે?"
અમે બંનેએ ડોકું હલાવીને હા પાડી.
" એ મારી સ્કૂલ હતી. હું બારમા સુધી ત્યાં જ ભણ્યો છું. એટલે જ રિશફલિંગ કરાવીને વિદ્યાનગરમાં પાછો આવ્યો છું."
મેં આનંદ સામે જોયું, આનંદે મારી સામે. અમે ક્યારના આને વિદ્યાનગરમાં ક્યાં જવું, શું ખાવું ને શું કરવું એ સમજાવતા હતા. અને એ નાલાયક બરાબર-બરાબર કર્યે જતો હતો, પણ મ્હોંમાંથી ફાટતો નહોતો કે એને બધું જ ખબર છે. હવે એક નહીં, મારે બે લોકોને ઊંચકીને બારીમાંથી બહાર ફેંકી દેવા છે!