જયવદનનો ફોન આવ્યો કે- "કૉલેજમાં છું અને બાઈકની ચાવી ખોવાઈ ગઈ છે, ઘેરથી બીજી ચાવી લઈને હાલ જ કૉલેજમાં આવ!"
બીજી ચાવી તો મેં લઈ લીધી. પણ કૉલેજ 2 કિલોમિટર દૂર. એક જ બાઇક અને એ પણ એની જોડે. ત્યાં જવું કેમનું! બીજો કોઈ સમય હોય તો કાનમાં ભૂંગળા નાખીને ચાલતો-ચાલતો પહોંચી ય જાત. પણ આ તો બપોરનો સમય, ઇડરની ગરમી અને રૂઠેલા વર્ષા-રાણીની કૃપાથી થતો બફારો! આજુ-બાજુના ઘરોમાંય જોઈ જોયું. કોઇની ગાડી ઘેર નહીં. એટલે પછી દુકાનેથી મોટા ભાઈની એક્ટિવા લીધી, અને નીકળ્યો. એક ભાઈ બીજા ભાઈને ખેતરમાં ભાતું આપવા જતો હોય એવી વાર્તાઓ તો બહુ વાંચી, બાઈકની ચાવી આપવા જતો હોય એવું ક્યાંય વાંચ્યું નથી . જો કે બંને કામ અલગ અલગ હોય તો ય એક સમાનતા છે - બંનેમાં કંટાળો એકસરખો આવે!
કૉલેજ પહોંચ્યો. એ ગેટ આગળ જ ઊભો હતો. ચાવી આપી એટલે એ બાઇક સ્ટાર્ટ કરીને નીકળ્યો. હું પણ પાછો વળ્યો. બસ-સ્ટેન્ડ આગળ પહોંચ્યો 'ને યાદ આવ્યું કે એક મિત્રને ફોન માટે મળવાનું હતું. એની દુકાન આગળ એક્ટિવા ઊભી રાખી, પણ પાર્કિંગ માટે બિલકુલ જગ્યા જ નહોતી. અને ઇડરમાં ટોઇંગ-વાળાનો ત્રાસ બહુ! ગાડી સફેદ પાટાની અડધો ઇંચ પણ બહાર હોય તોય ટ્રોલીમાં નાખીને ઉઠાવી જાય, સીધી બસ્સોની ચોંટે. ગજવામાં પૈસા ના હોય એટલે આપણે એક તો સાચવી-સાચવીને મોબાઇલનું નેટ વાપરતા હોય, ને સીધા બસ્સોની ઊઠે તો કેવો જીવ બળે! દુકાનથી થોડેક દૂર એક ખાલી સ્પોટ દેખાયું. બીજો કોઈ આવીને ઘૂસી જાય એ પહેલા આપણે ગાડી રમરમાવી. મૂકી જ દીધી . એમ વળી પાછા આપણે એકદમ કંપીટીટિવ, એકવાર મનમાં ધારી લઈએ તો બીજા કોઈને ફાવવા ના દઈએ.
એક્ટિવા પાર્ક કરીને સીધો દુકાનમાં ગયો. પેલો એના બીજા ગ્રાહકને 'પતાવતો' હતો, એટલો ટાઈમ મેં નવા આવેલા મોડેલ્સ જોયા . કાશ મેં 2-3 મહિના રાહ જોઈ લીધી હોત તો એવો અફસોસ ય થયો. હવે લગન કરવામાં તો રાહ જોવી જ છે ! મિત્ર ફ્રી પડ્યો એટલે મેં પણ મારુ કામ પતાવી દીધું. તરત બહાર નીકળ્યો.
સામે જ એક્ટિવા પડેલી હતી. કેટલી બધી ધૂળ જામી ગઈ પંદર મિનિટમાં તો! ઇડરનો ટ્રાફિક એટલે જવા દો ને, ભાઈસાબ ! ધૂળ-ધૂળ કરી મૂકી ગાડીને. હું દુકાનમાં ગયો ત્યારે બહાર ધૂળની ડમરી ચડી હશે, કે પછી ટેમ્પા પસાર થયા હશે. બાકી નવી-નકોર ગાડી હું બહાર આવું એટલામાં જૂની લાગવા માંડે એટલી તો ધૂળ હોય?
એક્ટિવા પર બેસીને સાઈડ-સ્ટેન્ડ ઊંચું કર્યું, 'ને સામે જ એક સુંદર આકૃતિ નજરે ચડી. ઉંમરમાં થોડીક મોટી હશે. પણ સુંદરતા તો આખરે સુંદરતા જ છે ને! અને આપણને પાછો એવો ભેદ-ભાવ બિલકુલ નહીં. એક તો આંગળીના વેઢે ગણાય એટલી જ સુંદર છોકરીઓ હોય ઇડરમાં, અને એમાંય આપણે આવા ભેદભાવ કરવા જઈએ તો પછી જોવા જેવા ખાલી ઇડરના ડુંગરા જ વધે! ગાડીમાં ચાવી ભરાવવાનું પડતું મૂક્યું, ને નજરો ભરાવવાની ચાલુ. એ એકદમ નજીક હતી, 'ને થોડીક નવાઈથી મને જ જોઈ રહી હતી. આજ પહેલાં આની સામે કોઈ છોકરાએ તાકીને જોયું જ નહીં હોય કે શું? જે રીતે એ ઊભી હતી એ જોઈને તો એમ જ લાગતું હતું કે એને મારી બાજુ જ આવવું છે, પણ કોઈ ગડમથલમાં છે. કદાચ એને ટાવર સુધી લિફ્ટ લેવી હોય, પણ બોલી નહીં શકતી હોય. એમ બીજે ક્યાંક આપણે લિફ્ટ આપીય દઈએ, પણ ઇડરમાં એવું રિસ્ક ના લેવાય, બાપા. આમેય આપણે લોકોની નજરે ચડેલા હોઈએ, એમાં પાછળ એક છોકરીને બેસેલી કોઈ જોઈ લે તો આપણે ઘેર પહોંચીયે એના પહેલાં તો એ ન્યૂઝ ઘેર પહોંચી ગયા હોય!
એ વિચાર આવતાં જ નજરો હટાવી, મનમાં જ એને સોરી કહી દીધું. ( આમ તો રોજ જો કે આપણે 'આઈ લવ યુ' જ મનમાં બોલતા હોય, સોરી-વાળો આ પહેલો પ્રસંગ હતો! ) તરત કી-નોબમાં ચાવી ભરાવી અને વિચાર્યું કે હવે અધ્ધર જોયા વગર જ નીકળી જાઉં. પણ આ શું? ચાવી ભરાઈ તો ખરી, પણ ચક્કર ફર્યું નહીં. ફરી પ્રયત્ન કરી જોયો, પણ ચાવી અટકી જ ગઈ હતી. હવે હું અકળાયો. એક તો છટકવું હોય ત્યારે જ આવું થાય. ચાવી કાઢીને ફરી નાખી. પરિણામ એ જ. અનાયાસે ઉપર જોવાઈ ગયું. હજુ એ મને જ જોઈ રહી હતી. " જુઓને, આ ગાડી ચાલુ જ નથી થતી" એવા મનમાં હાવભાવ સાથે મેં લાચારીભરી સ્માઇલ આપી દીધી. જવાબમાં એણે થોડું વધારે પહોળું સ્મિત કર્યું, જમણો હાથ ઊંચો કર્યો 'ને ડોલ્ફિન-વાળા કી-ચેનમાં ભરાવેલી ચાવી બતાવીને બોલી- " તમે કહેતા હો તો હવે હું આ ચાવી ટ્રાય કરી જોવું ! "
પહેલી એક સેકન્ડ મને સમજાયું નહીં, બીજી સેકન્ડ વીજળીની જેમ ઝબકારો થયો, ત્રીજી સેકંડે મારી નજર થોડેક દૂરની લાઇનમાં ઊભેલી નવી લાગતી એક એક્ટિવા પર પડી, ચોથી સેકંડે એ સમજાયું કે પંદર મિનીટમાં આ ગાડી ધૂળ-ધૂળ કેમ થઈ ગઈ હતી. પાંચ, છ, સાત, આઠ, નવ... અને દશમી સેકંડે તો હું પોતે લઈને આવ્યો હતો એ એક્ટિવાને સેલ મારીને નીકળી ગયો હતો... રમરમાટ !



