મનગમતી દુનિયા બનાવી છે મેં મારી ,
તારાથી ય ખુદાને ના છેતરાય તો આવ ;
છું ખુલ્લો ખુદા સામે , તો લોકની શું શરમ ,
ઘમંડને કદ પ્રમાણે વેતરાય તો આવ .
ધૂણી અલખની ધખાવી છે મેં તો ,
ફકીરીમાં મન તારું ય જોતરાય તો આવ ;
આ બુલંદ ઇમારત મેં જાતે ચણી છે ,
એમાં સપનાનું વન તારું ય કોતરાય તો આવ .
બેફિકરીનો કસુંબો એવો ઘોળ્યો છે મેં તો ,
ખુદની ધૂનમાં જ મગન રહેવાય તો આવ ;
જાતના ખોવાયાની શોધ મેં છે આદરી ,
રૂંવે રૂંવે લાગશે અગન, સહેવાય તો આવ .
વર્ષોથી જગાડું છું , તો ય હજુ લથડે છે ,
તારો ય અંતરાત્મા હવે જાગે તો આવ ;
અરીસાની સામે જ તાકયાં છે તીર મેં ,
આરપાર વીંધાઈને તને વાગે તો આવ .
- વૈભવ અમીન

No comments:
Post a Comment