Tuesday, 5 January 2016

કેવી કેવી જગ્યાઓએથી રિપ્લાઇ કર્યો છે તને...

કેવી-કેવી જગ્યાઓએથી રિપ્લાય કર્યો છે તને !! સવારે ઉઠીને પહેલો મેસેજ તને, ઊંઘતા પહેલાનું છેલ્લું ગૂડ નાઇટ તને . હાલતાં-ચાલતાં રોડ પર સામેથી આવતી રિક્ષા જોડે ટકરાઈને ય રિપ્લાય કર્યો છે તને ! વરસતા વરસાદમાં પ્લાસ્ટીકની થેલીમાંથી મોબાઈલ કાઢીને , શિયાળાની કડકડતી ઠંડીમાં રજાઇમાંથી થરથરતો હાથ બહાર કાઢીને ય તારા "હાઈઈઈ " નો રિપ્લાય કર્યો છે ! ટ્રેઈનની ગિરદીમાં પિસાતા-પિસાતા , ગાંડા થયેલા આખલાની માફક દોડતી AMTSમાં દરવાજાની બહાર અડધા લબડતા ય રિપ્લાય કર્યો છે તને ! ચાલુ લેક્ચરમાં બેગમાં ફોન સંતાડીને , ભર ઊંઘમાં ડોળા ફાડી-ફાડીને ય રિપ્લાય કર્યો છે તને ! ચાની ચૂસ્કી લેતાં-લેતાં , રાત્રે ૩ વાગ્યે તીનપત્તી રમતાં-રમતાં ય રિપ્લાય કર્યો છે તને ! હજામની દુકાને વાળ કપાવવા બેઠા-બેઠા , ટોવેલ પહેરીને બાથરૂમમાં જતાં-જતાં ય રિપ્લાય કર્યો છે તને !

અને તું ? તું મને " ttul " કહી ગઈ ? સાલું મને તો એનો મતલબ ય નહોતી ખબર ! 17 એમ.બી. જ ડેટા પેક બાકી હતું , તો ય મેરિયમ વેબસ્ટર ઈંગ્લીશ ડીક્ષનરી ઇન્સ્ટોલ કરી . એમાં ના મળ્યું તો ભાઈની ઓક્સફર્ડ કંસાઇઝ ડીક્ષનરી ય ઉથલાવી જોઈ . મારું બેટું તારું આ ttul તો એમાં ય નહિ . કૈંક ઇમ્પોર્ટન્ટ હશે એવું વિચારીને કેવો ઘાંઘો થઇ ગયેલો હું !! આ તો સારું થયું કે થોડું ઘણું ઈંગ્લીશ આવડતું હોય એવા ફ્રેન્ડસ પણ છે મારે , તે મેં શરમાતાં શરમાતાં એમને ય પૂછી જોયું ! એમાં જ મારું મગજ ગયું પછી , ભાઈબંધે તો મોઢા પર જ કહી દીધું કે "એલા આ તો તને 'હેરાન ના કર' એવા મતલબનું કહી ગઈ . ttul એટલે talk to u later !! હમણાં તારા માટે ટાઈમ નથી, પછી વાત કરું છું ! "
કેવી-કેવી જગ્યાઓએથી રિપ્લાય કર્યો છે તને !! અને તું ?

#તારી_મારી_વાતો : મને રસોઈ કરતાં આવડી ગઈ !

ફોનની રિંગ વાગી. ડિસ્પ્લે પર જોયું. સહેજ વાર જોઈ રહ્યો. એનો ફોન હતો. ત્રણ-ચાર મહિના પછી. વિચાર આવ્યો કે આનું ઠંડું યુદ્ધ ખતમ થઇ ગયું કે સીધો હુમલો કરવા ફોન કર્યો હશે? વધારે વિચાર્યું નહિ, એનો અચાનક મૂડ બદલાય અને એ અડધી રિંગે જ ફોન કાપી નાખે એ પહેલાં ઉઠાવી લીધો. જે હશે એ જોયું જશે.
*** ***
"હલો..."
"ઓયે... સાંભળ. એક મસ્ત વાત કહું."
"બોલ ને."
"પણ પહેલાં પ્રોમિસ કર કે તું હસીશ નહિ મારા પર."
"હા બાબા. નહિ હસું. બોલ તું."
"મને રસોઈ કરતાં આવડી ગયું."
"હાહાહાહા..."
"જો. નાલાયક તેં પ્રોમિસ કરેલું કે તું નહિ હસે."
"અરે પણ તું વાત જ એવી કરે તો હસવું આવી જ જાય ને!"
"હુંહ. આખા ઘરનું જમવાનું રોજ હું જ બનાવું છું. ને બધાં ખાય પણ છે. વખાણી-વખાણીને. મમ્મી તો રોજ કહે કે તું તો મારા કરતાં ય સરસ જમવાનું બનાવે છે. "
"મારા ઘરે પણ રોજ હું જ પોતું મારુ છું, બોલ."
"જા ને, જુઠ્ઠો! એક નંબરનો જુઠ્ઠો. તું પાણી પીને ગ્લાસ પણ જાતે હેઠો મૂકે એવો નથી. આવ્યો મોટું પોતું કરવાવાળો!"
"અરે સાચે. હું જ પોતું કરું છું. અને બહુ જ સરસ પોતું કરું છું. પૂછી જો ઘરે કોઈપણને."
" વ્હોટેવર. એ જવા દે. કાલે કેવું થયું ખબર છે, મેં પહેલી વાર દાલફ્રાય જીરા-રાઈસ બનાવ્યા. પપ્પાએ તો એટલા બધાં વખાણ કર્યાં ને. મમ્મીએ પણ કહ્યું કે બહુ જ સરસ બનાવ્યા છે. તો હું ખુશ ખુશ. પછી હું જમવા બેઠી. થૂઉઉઉઉ. સાવ જ થર્ડ-ક્લાસ. સ્વાદનાં કોઈ ઠેકાણાં જ નહીં. હું જાતે જ ખાઈ ના શકી."
"હાહાહાહા."
"તું હસવાનું બંધ કર. ઘેર આવીને ઝૂડી નાખીશ. હા તો, પછી મને બહુ ખોટું લાગ્યું. હું જેવું બનાવું એવું એ લોકો ચૂપચાપ ખાઈ લે. એવું થોડી ચાલે? મેં કીધું મમ્મીને. તો મમ્મી કહે કે 'ખરાબ બનાવ્યું છે એમ કહીએ તો તું કાલથી બનાવવાનું જ બંધ કરી દે. વળી બનાવ્યું એ નથી દેખાતું, 'ને વાંધા-વચકા શેના કાઢો છો એમ કહીને ભડકીને તપેલું ય ઊંચું કરીને પછાડે તો ? એના કરતાં જેવું હોય એવું ખાઈ લેવું સારું.' બોલ, આવું કરે એ લોકો મારી જોડે.
"હાહાહા.. પણ તું સાચે એવું કરે એવી છે. એટલે બિચારા ડરે જ ને."
"જા ને. તું દર વખતે મારા સિવાય બીજા બધાની જ સાઈડ લીધા કર. મેં શું કામ ફોન કર્યો તને? હુંહ. ચલ ફોન મૂક. વાત જ નથી કરવી તારી જોડે. બાય."
*** ***
ફોન કટ. ફરી બુઝાઈ ગયેલી ડિસ્પ્લે સામે જોયું . ચહેરા પર આછી-સી સ્માઈલ હતી. વિચારતો હતો કે કેવી લાગતી હશે એ રસોઈ કરતી વખતે! કેવી ધમાધમ થતી હશે રસોડામાં! ગ્લાસ-થાળી-ચમચા જે હાથમાં આવે એ પછાડતી હતી એ જ છોકરી હવે એ બધું જ સાચવી-સાચવીને મૂકતી હશે. રોટલી બનાવતી વખતે એની પેલી લટ આંખો આગળ આવી જતી હશે, 'ને એ ધીરેક રહીને....
"વૈભવ...."
"હા, મમ્મી..."
"બેટા, પોતું મારી દે ને. તું તો મારા કરતાં ય સારું પોતું મારે છે..."
'ને અચાનક મને ટ્યુબલાઇટ થઇ. એની મમ્મી ય એને એવું કહેતી હતી કે એ એમના કરતાં ય સરસ જમવાનું બનાવે છે, જેથી એ રસોઈ કરવાનું બંધ ના કરી દે.
થોડી વાર જોઈ રહ્યો મમ્મી સામે. પછી હસતાં-હસતાં એટલું જ પૂછ્યું :
" મમ્મી... સાચે?"

મેં એક અજનબી સાથે લગ્ન કર્યા

હું પથારીમાં હતી, થથરતી હતી. મેં મારી ડાયરી ખોલીને એમાં લખ્યું : " મેં એક અજનબી સાથે લગ્ન કર્યાં. " અને તરત એ ડાયરી પથારી નીચે સંતાડી દીધી. મારું આખું શરીર ધ્રૂજતું હતું.

"હું શું કરું ?" મેં ખુદને જ પ્રશ્ન કર્યો : " શું હું વર્જિન હોવાનો ઢોંગ કરું ?"
"પણ એને ખબર પડી ગઈ તો શું થશે ? શું હું એને થોડા દિવસ રાહ જોવાનું કહું ? પણ એ ગુસ્સે થશે તો ?"

દરવાજો ખૂલ્યો. મારો જીવ તાળવે આવીને ચોંટી ગયો. મારો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. એના પગલાંનો અવાજ મારા પેટમાં આંટીઓ પાડવા લાગ્યો. હું નીચે જોઈ ગઈ અને શાંત રહેવા પ્રયત્ન કર્યો. હું એની સામે નહોતી જોઈ રહી, તો પણ એ દરવાજે જ અટક્યો એ મને દેખાયું.

"ગૌરી !" એણે એકદમ શાંત અવાજે કહ્યું. મને એની બાજુ જોવાની હિંમત જ નહોતી.
"ગૌરી, હું બીજા રૂમમાં સૂવા જઈ રહ્યો છું. " એ બોલ્યો.
' જો તારો પતિ તારી સાથે ઊંઘતો નથી, તો પત્ની તરીકે તું નિષ્ફળ ગઈ એમ સમજજે !' મારી માંનો અવાજ કાનમાં પડઘાયો. પણ મેં અધ્ધર ના જોયું. હું ચૂપ જ રહી.
" તારે મને એવું કેમ કરો છો એટલું ય નથી પૂછવું ?" એણે એના અવાજમાં થોડીક હળવાશ લાવીને કહ્યું. દેખીતી રીતે જ એ મને ખુશ કરવા માંગતો હતો.
મેં થોડીક સેકન્ડ માટે એની સામે જોયું, ને પછી તરત નીચે જોઈ ગઈ.
"તું મારી પત્ની છે," એ બોલતાં અટક્યો, અને ફરી બોલ્યો , " કોઈ બજારુ ઔરત નહીં."
મારું દિમાગ ચાલતું નહોતું, એટલે એ શું કહેવા માંગતો હતો એ જ મને ના સમજાયું. 'જયારે તારે તારા પતિને શું કહેવું એ ના સમજાતું હોય, તો ચૂપ જ રહેજે '- મારા પિતાની સલાહ યાદ આવી. અને મેં એ જ કર્યું.
"આપણે એકબીજાને સરખી રીતે જાણતાં જ નથી, ને તો પણ સાથે સુઈ જઈશું તો તારામાં અને બજારુ ઔરતમાં ફર્ક શું રહેશે ? આપણે એ દિવસે સાથે ઊંઘશું જે દિવસે આપણા બન્નેની મરજી હશે. એ દિવસે હું મારી પત્ની સાથે પ્રેમ કરીશ. મારે કોઈ અજનબી સાથે સેક્સ નથી કરવું. "
એણે લાઈટ બંધ કરી દીધી. થોડી જ સેકન્ડમાં એણે ફરીથી લાઈટ ચાલુ કરી,ને બોલ્યો : " જો કે હું "ગે" નથી. એની હું તને ખાતરી આપું છું. '
હું સખત ડરેલી હતી, તો પણ હસી ગઈ. એણે સ્મિત કર્યું અને બીજા રૂમમાં જતો રહ્યો. હું હજુ હસતી હતી. હું મારો મેઇકઅપ કે કંઈ જ કાઢ્યા વગર પથારીમાં ઊંઘતી રહી, ને મારી આંખોના ખૂણામાંથી આંસુ ટપકતાં રહ્યાં.

લોકો કહે છે કે કોઈ ખુશ હોય ત્યારે આંસુ ટપકે તો એમને નવાઈ લાગે છે. એ કહે છે કે એ સમજાતું નથી એમને. પણ હાલ મને એ બરોબર સમજાય છે. આપણને એવું લાગવા લાગે કે આપણો કોઈ હિસ્સો વધારે સમય હવે અંદર રહી નહિ શકે, મને તો એવું જ લાગતું હતું. મારા માટે હસતા હસતા આંખો ભીની કરવી એ એકદમ સમજાય એવી વાત હતી.

બીજા દિવસે સવારે હું ઉઠી અને નાસ્તો બનાવવા તૈયાર થઇ. હું રસોડામાં ગઈ, એ ત્યાં જ હતો, નાસ્તો બનાવતો હતો. ખબર નહીં હું કેવી લાગતી હોઈશ, પણ મને જોઈને એ જાણે ડરી ગયો હતો. એ મારી તરફ દોડી આવ્યો ને બોલ્યો :" ગૌરી, તું ઠીક તો છે ને ?"
"તમે કેમ નાસ્તો બનાવો છો ?" મેં ધીમા અવાજે પૂછ્યું.
એને સમજાયું નહીં. થોડીવાર રહીને એને સમજાયું કે હું શું કહેવા માંગતી હતી. "ગૌરી, મારી સામે જો. મને રસોઈ કરવી ગમે છે, ઠીક છે ? જયારે તને ગમે ત્યારે તું રસોઈ કરજે, મને ગમે ત્યારે હું. "
" ગૌરી, તું મારી નોકર નથી, પત્ની છે મારી. " આ વખતે એના અવાજમાં સત્તાનો રણકો હતો.
' જો તું તારા પતિને રસોડામાં પગ મુકવા દઈશ તો પત્ની તરીકે તું નિષ્ફળ ગઈ એમ સમજજે ' - રસોડામાંથી બહાર નીકળતી હતી ત્યારે મમ્મીના શબ્દો કાને અથડાયા.

ધીરે ધીરે હું એની સાથે ખુલવા લાગી. મેં એને મારા ગૂઢ રહસ્યો ના કીધા, કે ના તો મારા જૂના સંબંધો વિષે વાત કરી, પણ મેં એની સાથે વાતો કરવાની ચાલુ કરી. એકવાર એણે એની ઓફિસના કામ વિષે મારી સલાહ માંગી, ને હું જોતી જ રહી ગઈ.
મને યાદ આવ્યું કે પપ્પાએ પણ એકવાર મમ્મી સાથે એવું જ કરેલું. મમ્મીએ જવાબ આપ્યો અને પપ્પા એટલા ગુસ્સે થઇ ગયા કે મારી સામે જ એના ગાલ પર તમાચો મારી દીધો. એમણે મારી સામે જોઈને કહ્યું : " જયારે તમારો પતિ એના કામ વિષે તમને પૂછતો હોય,ત્યારે ખરેખર એ પૂછતો નથી હોતો, એટલે મોઢું બંધ રાખવું. "
પણ હું અહીં આવી ત્યારથી એ લોકો ખોટા જ પડતા રહ્યા છે. મેં મારા સુઝાવ આપ્યા ને એ સાંભળતો રહ્યો. હું ઘરે પણ બહુ આંસુ વહાવ્યા કરતી, ને અહીં પણ એ ચાલુ જ રહ્યું. પણ બન્નેના કારણો અલગ હતા.

મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. મેં વિચાર્યું ન્હોતું કે હું એને ક્યારેય મારા મિત્રો જોડે ટ્રેકિંગ પર જવા માટે પૂછીશ. પણ મેં પૂછ્યું. મેં એની સામે જોઈને પૂછ્યું, " હું મારા મિત્રો જોડે ટ્રેકિંગ પર જાઉં ? ફક્ત 2 જ દિવસ માટે. હું કંઈ આડું-અવળું નહિ કરું અને બને એટલી જલ્દી પાછી આવી જઈશ. અને તમને જો મારી જરૂર લાગે તો ફોન કરી દેજો, હું તરત પાછી આવી જઈશ. "
મારી માએ એકવાર કોઈ ધાર્મિક પ્રસંગમાં જવા માટે પપ્પાની મંજૂરી માગેલી, અને મને હજુ સુધી પપ્પાના ચહેરાના ભાવ યાદ છે. મારા પતિએ પણ એવા જ ભાવ બનાવ્યા.
એ નારાજગીથી મારી સામે જોઈ રહ્યો. એ ચોખ્ખો ગુસ્સે જ હતો. મને પહેલી વાર એની સામે નગ્ન થઇ હોય એવું લાગતું હતું. પણ મને ખબર નહોતી કે એ મને નગ્ન થઇ જવાય ત્યારે પણ નહિ શરમાવાનો પાઠ ભણાવવાનો હતો.
"ગૌરી ", એણે અકળાઈને કહ્યું, " કેટલી વાર કહેવાનું કે તું મારી પત્ની છે ? તું મારી મંજૂરી કેમ માંગે છે ? તું કોઈ કેદી છે ? તું પૂછે જ છે કેમ ? મને કહે અને જા.. જવાની ભીખ ના માંગ. " એટલું બોલીને એ જતો જ રહ્યો.
મારા માબાપે મને જન્મ આપ્યો ને ઉછેર કર્યો, પણ જીવવાનું તો મેં ખરેખર હવે જ ચાલુ કર્યું હતું. મારો પતિ મને જીવતાં શિખવાડતો હતો.
હું એની પાછળ ગઈ. એ બાલ્કનીથી નીચે જોઈ રહ્યો હતો. હું એની પાછળ ઉભી રહી અને હું પણ નીચે જોવા લાગી.
" હું શીખી રહી છું. મહેરબાની કરીને મને બધું શાંતિથી શિખવાડો. " નીચે જોતાં જોતાં જ મેં કહ્યું. મારો આ હિસ્સો હું પહેલી જ વાર એની સામે ખોલી રહી હતી, " મારી માએ મને પત્ની તરીકે નિષ્ફળ જવાના હજાર કારણોનું લિસ્ટ આપ્યું છે, ને મારા પપ્પાએ પણ પતિ સામે ક્યારે ચૂપ રહેવું એના હજાર મુદ્દા શિખવાડયા છે. તો, હું હજુ શીખું છું. "
મેં કંઈ હસવા જેવી વાત નહોતી કહી, પણ એ હસ્યો. " હસવા માટે અને પહેલાં મેં જે કહ્યું ગુસ્સામાં એ માટે સોરી. હું આ વાત ધ્યાન રાખીશ, જો તું વચન આપે કે તું હવે તારા ઘરમાં નથી એ વાત યાદ રાખે. ગૌરી, ભૂતકાળને ભૂતકાળમાં જ છોડીને આવ. "
એણે મને શાંત કરવા એકાદ સેકન્ડ માટે મારી પીઠ પર હાથ મૂક્યો. એના ઘરમાં હું આવી એ પછી આ એનો પહેલો સ્પર્શ. એ સ્પર્શ એકદમ ખાસ હતો મારા માટે. જેટલી વાર એ મારુ નામ બોલતો, એ વધારે ને વધારે ખાસ લાગતું.

મેં મારા મિત્રોને ડિનર પર ઘરે બોલાવવાનું ચાલુ કર્યું. અમે ક્યારેક મારા પતિ અમારા માટે લાવતા એ વાઈન પણ પીતાં. હું જીવી રહી હતી. મારાં માતા-પિતાએ મને આપેલી સૌથી કિંમતી ગિફ્ટ એમણે મને જન્મ આપ્યો એ નથી, પણ મને આ એક અજનબી સાથે પરણાવી એ છે.
એક રાતે, હું ને મારા પતિ પીતા હતા. એણે મને પૂછ્યું કે હું શું બનવા માંગુ છું.
હું માંડ બોલી શકી " મારે છે ને લેખક બનવું છે. "
એના ચહેરા પરના ભાવો અત્યારે વર્ણવી શકાય એમ નથી. હું એ ક્યારેય નહિ ભૂલું. મેં એને આટલો ખુશ ક્યારેય નથી જોયો, ને હું શરત મારવા તૈયાર છું કે એની આંખમાં આંસુ હતાં. મને ક્યારેય વિચાર નહોતો આવ્યો, પણ એમને ય લેખક બનવું હતું.
" બહુ વ્યસ્ત થઇ ગયો. તું આપણા બન્ને માટે લેખક બનીશ ?" ઉદાસી અને ખુશીના ભાવથી મિશ્રિત સ્મિત સાથે એણે પૂછ્યું.
હું બસ હકારમાં ડોકું ધૂણાવી શકી.

એ રાત્રે હું ક્યારેય નહોતી રડી એટલું રડી. મારાં ડૂસકાંનો અવાજ બહાર ના જાય એટલે મ્હોં પર ઓશીકું દબાવી દીધું. મને સમજાતું નહોતું કે હું કેમ રડું છું, પણ મારે જોરથી ચીસો પાડીને રડવું હતું. મને દરવાજાની નજીક એક પડછાયો દેખાયો. એ ત્યાં જ ઉભો હતો, મને જોઈ રહ્યો હતો.
હું ઉભી થઇ, એની પાસે ગઈ અને એને કિસ કરી. હું એને ભેટી પડી, ફરીથી કિસ કરી. હું એને ખેંચીને પથારીમાં લઇ ગઈ.
" સાચે આ દારૂની અસર તો નથી ને ?" એ પૂછતો રહ્યો.
મેં પણ આંખો નચાવીને કહ્યું " તું "ગે" નથી એની ખાતરી છે ને ?"
એ હસ્યો. " હવે તો તને ખબર પડશે જ. " એટલું બોલીને એણે મને બેડમાં ધકેલી, અને કપડાં કાઢતાં કિસ કરી.
મને વિચિત્ર લાગતું હતું, પણ મારે એને કહેવું હતું. મને લાગ્યું કે એ તો એને જણાવવું જ જોઈએ. મેં એને અટકાવ્યો અને કહ્યું , " આપણે કંઈ કરીએ એ પહેલાં મારે તને એક વાત કહેવી છે. હું વર્જિન નથી. "
એણે એના હાથ હવામાં અધ્ધર કર્યા ને બોલ્યો, " હું તો ડરી ગયો હતો કે તું એમ કહીશ કે તને એઇડ્સ છે. "
હું હસી ગઈ, એને એકદમ નજીક ખેંચ્યો અને કિસ કરી.
અને પછી જે થવાનું હતું એ થયું. લગ્નનાં સાડા ત્રણ મહિના પછી મેં એની સાથે પહેલીવાર સેક્સ કર્યું. એક મિનિટ, મને આ ભૂંસવા દો. લગ્નનાં સાડા ત્રણ મહિના પછી હું અને મારા પતિ એક થઇ ગયા. અને હા, એ ગે નહોતા.

હું બીજા દિવસે સવારે ઉઠી અને મારી બાજુમાં શાંતિથી ઘોરતાં એને જોઈ રહી. હું એક વાત વિષે પહેલા ક્યારેય નહોતી એવી ચોક્કસ હતી.

મેં મારી ડાયરી બહાર કાઢી. એ પત્તુ કાઢ્યું જેમાં એવું લખ્યું હતું કે : " મેં એક અજનબી સાથે લગ્ન કર્યાં. " બાજુમાં પડેલી પેન ઉઠાવી, અને એમાં જ આગળ લખ્યું : "... અને હું એના પ્રેમમાં પડી ગઈ !" કેમ કે હું ખરેખર ઉંધેકાંધ એના પ્રેમમાં પડી ગઈ હતી. હું હસી અને એને આપેલું વચન પૂરું કરવાનો નિશ્ચય કર્યો. હું લખીશ, હું હંમેશા એ વિષે મક્કમ હતી, પણ મને એ ખબર નહોતી કે હું શું લખીશ. પણ હવે મને ખબર છે. હું અમારા વિષે લખીશ.
Credit : Tenzin Cheda 
ભાવાનુવાદક : Vaibhav Amin ( બીજું તો કોણ હોય ! ) tong

2015ના પાઠ...શીખો તો ય..સમજો તો ય !

Lessons from 2015
આમ તો નાનો હતો ત્યારથી જ ઘટનાઓથી ભરપૂર અને કાંડ-પ્રચૂર જીવન જીવ્યો હોવાથી કહેવા જેવું તો મારી જોડે બહુ બધું હોય છે. પણ આજે ફક્ત 2015માં હું જાતે અથડાઇ-કૂટાઈને શું શીખ્યો એટલી જ વાતોથી તમારું માથું ખાઈશ.
1. જીવન અણધાર્યું છે. તમે તમારા પ્લાન્સ બનાવ્યા હશે, તો જિંદગીએ પણ એના અલગ પ્લાન્સ બનાવ્યા હશે. ને તમે દર વખતે એ જ માથું ખંજવાળતા રહી જશો કે આના પ્લાન દર વખતે મારા પ્લાનથી ઉંધા જ કેમ હોય છે ? એટલે હે પાર્થ, હંમેશા તૈયાર રહે. બધુ જ ટકાટક ચાલતું હોય ને અચાનક એકે-એક વસ્તુ તમારી વિરુદ્ધમાં જવા લાગે ને તમે એમ વિચારતા રહી જશો કે "સાલું આ વખતે કોણ મંતરી ગયું !" આવું થવાનું જ. સરપ્રાઈઝની આદત પાડી દો.
2. તમે હંમેશા દરેકનું સારું નહીં જ કરી શકો. જો તમે કૈંક કરો છો, તો ક્યારેક ને ક્યારેક, કોઈકને કોઇકનું તો કૈંક બગાડવાના જ. " હું તો ક્યારેય કોઈને હર્ટ ના જ કરું " એવાં ફાંકા રાખવા હોય તો શાંતિથી ઘરમાં જ ગોદડી ઓઢીને સૂઈ રહેવું. અરે તમે કઈ જ નહીં કરતાં હો ત્યારે ય મફતમાં હર્ટ થતાં રહેનારા મળી જશે તમને. એટલે ઈરાદાપૂર્વક કોઈને દૂભવીશ નહીં એવું રાખવાનું, પણ અજાણતા કોઈનું કૈંક બગડી જાય તો માફી માગી લેવી, ને ફરી આ ભૂલ નહીં કરું એવાં નિશ્ચય સાથે આગળ વધી જવું. ખાલીખોટું ગિલ્ટનું પોટલું ગળે વળગાડીને ફરવું નહીં.
3. કોની વાતોથી તમારે ફર્ક પાડવો છે ને કોના તમારા વિશેના મંતવ્યોનો ડૂચો વાળીને કચરા-ટોપલીમાં ફેંકી દેવો છે એ વિષે બિલકુલ સ્પષ્ટ રહેવું. કોઈ પણ આવીને તમારા વિષે ગમે તે બોલી જાય એટલે સીધું આત્મ-ચિંતન કરવા બેસી નહીં જવાનું. "એ ડફોળને મારી જિંદગી વિષે ખબર નથી તો એની વાત તેલ પીવા સાંભળું ?" એટલું જાતને પૂછી લેવું. કોઈક આવીને આપણને જરાક ઠોંસો મારી જાય એટલે રસ્તો બદલી ના નાખવો. આ આપણી જિંદગી છે, પાવર-સ્ટિયરિંગવાળી ગાડી નથી તે ગમે ત્યાં વાળી દેવાય. Do not let anyone else drive your life.
4. ભૂલો કરવી. કરતાં રહેવી. પણ એકવાર ખબર પડી ગઈ ક સાલું આ તો ભૂલ થઈ ગઈ છે એટલે તરત જ ત્યાં જ અટકી જવું. એ ભૂલ પર ઘૂંટ-ઘૂંટ ના કરવું. અને ભૂલ થઈ ગઈ છે એવું સ્વીકારવાની હિંમત રાખવી. " હવે કશું ના થાય, હું ભૂલ સ્વીકારીશ તો તો આભ તૂટી પડશે, આ બગડશે, પેલાની નજરોમાંથી ઉતરી જઈશ, લોકો મારી કેવી વાતો કરશે " આવું બધું બે જ મિનિટ માટે વિચારવાનું બંધ કરીને ગાંડાની જેમ હિંમત જૂટાવીને એકવાર ભૂલ થઈ ગઈ એવું સ્વીકારી લેવું. કદાચ આમાંથી કશું જ ના થાય, કદાચ આનાથી ખરાબ પણ થાય. પણ કોઈ તમારી સામે ય નહીં જોતું હોય ત્યારે ય તમે એટ-લિસ્ટ અરિસામાં જોઈને ખુદની નજરોમાં તો નજર મિલાવી જ શકશો. અને છેલ્લે, મહત્વનુ તો એ જ છે.
5. જ્યારે કોઈ વાતમાં કંફ્યૂઝ હો ત્યારે હા નહિ, ના પાડવી. " થઈ જશે, જોયું જશે, ફાવી જશે " એવું બિલકુલ ના વિચારવું. જેમાં તમે તમારું 100 % આપી શકો એમ ના હોય કે આપવા ના માગતા હોય એમાં ઇન્વોલ્વ થવું જ નહિ. નહિતર તમે ય ભરાઈ જશો ને બીજા કોઈને ય ખોટા ભેરવી દેશો. એક વખત કરેલું સમાધાન આખી જિંદગી બીજા હજારો સમાધાન કરાવશે. સમાધાન કરવાનું સ્વભાવમાં ના હોય તો એવી આદત પાડવી જ નહિ.
6. તળેટીના તળિયે ફેંકાઓ તો ય પાછા ઊભા થઈને હિમાલય ચડવાનું ઝૂઝારુપન રાખવું જ. હિંમત હારીને શસ્ત્રો હેઠાં ના મૂકી દેવા. ચાલે એટલું ચલાવી લેવું, ને ના ચાલે એવું હોય એમાં ખાઈ-ખપૂચીને લડી લેવું. કોઈ સાથ આપે તો પણ, ના આપે તો પણ.
7. પ્રેમ. થયો તો ઠાર. ના થયો તો ય ઠાર. કરો તો ઠાર. ના કરો તો ય ઠાર. આમાં મારુ-તમારું કે તમારી સોસાયટીવાળાનું કશું જ ચાલવાનું નથી. એટલે જે છે એ ચૂપચાપ સ્વીકારી લેવું. આપણા કે બીજાના પ્રેમ સામે મોરચો માંડવાની ભૂલ કરવી નહિ. ને એને અવગણવાની ભૂલ તો ભૂલમાં ય ના કરવી. તમારા બાપા તોપ હોય કે ના હોય, પ્રેમ સૌથી મોટી તોપ છે. ગમે ત્યારે ફૂટે, ગમે ત્યાં ફૂટે, ગમે તેની બાજુ ફૂટે. થઈ જ ગયો હોય, તો થવા જ દેવો. આમ પણ એના ફોર્સ સામે ટકી શકવાની મારી કે તમારી (કે સોસાયટીવાળાની) ઔકાત નથી.
8. જાતે જીવવું. સતત જીવવું. સખત જીવવું. Life is a hell of a ride. So, enjoy it. મુઠ્ઠીઓ ભીંસીને, બાંહો ફેલાવીને, રગ-રગ ફૂલાવીને.
બસ તો.. હવે અહી શું કરો છો ? 31st ની પાર્ટીનો થાક નથી લાગ્યો ? શું કીધું ? આજે ફરી પાર્ટી ? જબરા છો તમે તો યાર !
અલવિદા 2015. આભાર. જે બધું તેં આપ્યું, ને જે બધું તેં લઈ લીધું એ દરેક માટે. સ્વાગત 2016. તું આવી જ ગયું છે તો હવે શાંતિથી બેસજે, ભાગ-ભાગ ના કરીશ. વાતો કરીએ થોડીક સુખ-દુઃખની ! grin emoticon