Tuesday, 25 February 2014

NO TO RESERVATION , YES TO EQUALITY

અનામતની અકળામણ




અનામત ... ના હોવી જોઇએ ... 1001 % ના જ હોવી જોઇએ . આ દેશનાં જો ટુકડા કરવા માટે સૌથી મોટું કોઇ કારણ હોય તો એ આ અનામત જ છે . સમ્પૂર્ણ સહમત . પણ અનામતને નાબૂદ કરતાં પહેલાં બીજું પણ કેટ્લુંક નાબૂદ કરવું પડશે આપણે.

1 - શાળામાં તો આપણે બધાં ભણ્યા જ છીએ. એના રજિસ્ટરમાં જ્ઞાતિ પછી પેટાજ્ઞાતિ એવી કોલમ હોય છે , એને કેન્સલ કરો પહેલાં . મારો અંગત અભિપ્રાય છે કે ઘણાંબધા ભેદભાવયુક્ત વ્યવહારો આ રજિસ્ટર્સથી શરૂ થાય છે. સરકારને એની ઘણી યોજનાઓનો લાભ વંચિતોને મળે એટલે આ બધું જાણવું જરૂરી છે - એવી બધી દલીલો સાથે સંમત, પણ એનાં ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે . બોલો , આપણે કરશું આ કૅન્સલ ?

૨ - કોઇ અજાણ્યું માણસ ઘરે આવે ( આપણા કોઇ મિત્રનો દોસ્ત, આપણા પુત્ર કે પુત્રીનો/ની મિત્ર કે કોઇપણ ) , ત્યારે એને બીજો જ પ્રશ્ન કરીએ કે - " તમે નાતે કેવા ?? " ચાલો, આજથી જ આ બંધ કરી દો . અલ્યા એ ABCD કે XYZ કોઇપણ નાતનો હોય, શું ફરક પડે છે ? અને પેલો/પેલી જવાબ આપે એટલે મનમાં ને મનમાં આપણે ઊંચનીચની સરખામણી કરી જ લેતાં હોઇએ છીએ . આ સડો છે , માનસિક સડો. જો અનામત એ દેશને લાગેલું કૅન્સર હોય , તો આ આપણું માનસિક કૅન્સર છે, જેને સમાનતાની મોટી મોટી ગુલબાંગો હાંક્યા પછી ય આપણે મિટાવી નથી જ શક્યા . બોલો , કરશું આ બંધ ??

૩ - અમુકવાર અમુક લોકોને નામ પૂછીને સંતોષ ના થાય , એટલે પૂછી લે - " અને આપની સરનેમ શું ? " જ્યારે કોઇ ડોક્યુમેન્ટેશન કે એવાં કોઇ જરૂરી કામ માટે પૂછાય તો તરત જવાબ આપી દઇએ. પણ જ્યારે પૂછનારનો આશય ખબર હોય ત્યારે ઈચ્છા થાય કે મિડલ ફિંગર બતાવું... એટલે જ નિમ્ન વર્ગનાં ગણાતાં લોકોને મારી વિનંતી છે કે તમારા સંતાનોની અટક ઊચ્ચ વર્ગનાં ગણાતાં લોકોની હોય એવી જ રાખો. હા, એનાથી તમે આપોઆપ ઊચ્ચ વર્ગમાં નહિ જ આવી જાઓ . કેમ કે એ માટે તો તનતોડ મહેનત જ કરવાની હોય, સફેદો મારી દેવાથી કાગડો હંસ ના થાય . પણ આવું કરવાથી જે લોકો હજુ ય માનસિક કૅન્સરથી વધુ પડતાં પીડિત છે એવાં લોકોની કનડગતથી બચીને રહેશો .

તો હા, શું આપણે જરૂર વગર સરનેમ પૂછવાની બંધ કરશું ?

૪ - ભારતીય સમાજો હવે સુધર્યાં છે, લવમેરેજ પ્રત્યે મા-બાપની સૂગ ઘટી છે . ક્યારેક તો મા-બાપ સામેથી જ સંતાનને છૂટ આપતાં હોય કે તને ગમે એ લાવજે ઘેર. BUT WAIT... સાથે એક શરત પણ હોય કે - " આપણી જ નાતનું હોવું જોઈએ . ઊંચી નાતનું હોય, તો વાંધો નથી હજુ. પણ નીચી નાતનું તો નહિ જ નહિ ! " વાહ રે વાહ ... કારણ શું ? એક તો પોતાનો માનસિક સડો. અને અમુક કેસમાં સમાજ અને લોકો શું કહેશે એનો ડર !

તો બોલો, ABCD પછાત/દલિત/આદિવાસી કોમની કોઈ છોકરીને તમારી પુત્રવધુ/પત્ની બનાવવા અથવા તમારી લાડકવાયી પુત્રીને XYZ નીચી કોમના કોઈ સંસ્કારી છોકરા સાથે પરણાવવાની તમારી પોતાની માનસિક તૈયારી છે ખરી ?? અને એવું કરનાર કોઈને મ્હેણાંટોણાં નહિ મારવા જેટલો સમાનતાનો ભાવ તમારા સમાજમાં છે ?? જો હોય, તો અનામત કાલથી જ કૅન્સલ !

૫ - જો તમે કહેવાતાં ઊચ્ચ વર્ણનાં છો , અને તમારી પડોશમાં નીચી કહેવાતી કોમનો કોઈ પરમેનન્ટ રહેવા આવે તો તમને અણગમો થશે ? દિલ પર હાથ રાખીને પોતાની જાતને જ જવાબ દેજો . જાણવું જરૂરી છે , કેમ કે અમારા ઈડરમાં ઊચ્ચ વર્ગનાં લોકોની કોઈ સોસાયટીમાં એકાદ પણ જો નિમ્ન વર્ગનો કોઈ વ્યક્તિ ઘર ખરીદીને રહેવા આવે , તો અભડાઈ જતાં મહાશયો માર્કેટ પ્રાઈસ કરતાં અડધી કિંમતે ઘર વેચીને જતાં રહે એવાં કિસ્સા ઘણી બધી સોસાયટીમાં બને છે ! શું આ છે આપણી સમાનતા ??

ઈડરમાં જ એક નવું બિલ્ડીંગ કોમ્પ્લેક્ષ બને છે , જેને ફ્લૅટ બૂક કરાવવો હોય એ કરાવી શકે. પણ એમાં ઈડરનાં જ કોઈ સુખી હોય એવાં SC ( Scheduled Caste ) વ્યક્તિને ફ્લૅટ બૂક નથી કરી આપતાં . કારણ કંઈક એવું આપે છે કે - " એમને જો બૂક કરી આપીએ , તો બાકીના લોકો ફ્લૅટ લેવા જલ્દી તૈયાર નથી થતા, અને ફ્લૅટનાં ભાવ ડાઉન થઈ જાય છે ! " લો બોલો !
તમારી આજુબાજુ પણ નજર કરી લેવી , સમાનતાની વાતો કરતાં આપણાં લોકોની અસલિયત દેખાઈ આવશે . હિંદુઓ સંગઠિત કેમ નથી એનાં કારણો આમ જ ક્યાંક આવા ભેદભાવોમાં રસ્તે રઝળતાં મળી આવશે ઢગલાબંધ !

ના, આ અનામતની કોઈ વકીલાત નથી. હું સમજું છું કે અનામત એ ખૂણીએ વળગાડેલો ગોળ છે . દેશને હજારો ટુકડાઓમાં વહેંચી દેનાર કરવત છે એ . અનામત ના જ હોવી જોઈએ . પણ એ માટે નાગરિકોમાં માનસિક સજ્જતા જોઇએ . સમાનતા એ મોઢેથી ફક્ત બોલવાની જ નહિ, છેક હ્રદયનાં છેવાડા સુધી પહોંચેલી એક ભાવના હોવી જોઈએ . અત્યારે આપણે એ માટે તૈયાર હોય એવું મને તો નથી લાગતું  .


પણ... ... ઊંડે ઊંડે મને એવી આશા છે કે એવો દિવસ પણ આવશે ... ચોક્કસ આવશે ! માનસિક અસ્પૃશ્યતાની દિવાલો ઠેકીને ખભેખભા મિલાવીને કામ કરતી આ નવી પેઢી લાવશે એ દિવસ ! બસ, એ દિવસથી અનામત કૅન્સલ ..

No comments:

Post a Comment