Monday, 17 March 2014

ભીંજવીને નીકળી એક છોકરી સાવ કોરીકટ

ભીંજવીને નીકળી એક છોકરી સાવ કોરીકટ , ને છોકરો એક થઈ ગ્યો લથબથ-લથબથ  !




ના ના ... સાવ એવું નહોતું કે મને ભીંજાવું નહોતું ગમતું. મેં ય વર્ષો સુધી મન ભરીને ધૂળેટીઓ રમેલી , ગુલાલથી કંઈ કેટલાય ગોરા ચહેરાને ગુલાબી કરેલા , યાર-દોસ્તોને ધૂળમાં રગદોળેલા , કેસૂડાના પાણીથી કેસરિયા ય કરેલા . રહી જતું હોય એમ છાણ-મૂતરની ધૂળેટી ય કરેલી . બપોર સુધીમાં તો હું ઓળખાય એવો ય ના રહેતો , અને પછી મમ્મી ઠીકરું અને સાબુ લઈને ઘસવા મંડી જ પડતી , તે છેક ત્યાં લગી કે મારો મૂળ કલર દેખાતો થાય ત્યારે જ મને છોડતી .

પણ એ વરસે હું ઘરમાં જ પૂરાઈ રહેલો . એમાંય મારા ઘરે કોઈ રંગ લઈને આવી ચડે એવું વિચારી ચોપડી લઈને કાકાના ઘેર જઈને બેસી ગયો . હવે મને ધૂળેટી નથી ગમતી એવું ય નથી. બસ મારે આ વરસે રંગાવું નહોતું . ને રંગાવાનું ગમે પણ ક્યાંથી ? હવે તો હું શહેરમાં આવી ગયેલો , ને પેલા રંગોની દુનિયાના રંગીન દોસ્તારો તો બધા ગામડામાં જ છોડી આવેલો . એ જ પેલું ગામ જ્યાં મારું બાળપણ વીતેલું , ચડ્ડી પહેરીને શાળાએ દોડી જતા ભૂલકામાંથી આ 13-14 વર્ષનો જ્યાં થયો એ જ મારું પેલું ધૂળિયું ગામ .

એ બધી જૂની યાદો હટાવીને મેં ચોપડીમાં ધ્યાન સ્થિર કર્યું . પણ ફિલમની પટ્ટીની જેમ એ બધાં દ્રશ્યો મારી આંખો આગળથી પસાર થતાં હતાં - એક પછી એક ... બપોરે બેની રિસેસનો ઘંટ વાગે એટલે બીજા માળેથી સીધું ખેતરમાં દફ્તર ફેંકીને કૂદીને છૂ થઈ જવાનું, શાળાથી છૂટીને ટ્રિન્ન ટ્રિન્ન ઘંટડી વગાડતાં વગાડતાં સાયકલોની રેસ લગાવવાની, દર શનિવારે બધાએ શાળાની બહાર બેસતા ફેરિયા જોડેથી આંબલી ખાવાની, અને એમાંય વારા રાખવાના અને કોનો વારો આવ્યો એ માટે ઝઘડવાનું....

કંઈક શોરબકોર થયો. મારુ ધ્યાન હટ્યું ચોપડીમાંથી. સોસાયટીના છોકરાઓ ચિચિયારીઓ પાડીને એકબીજાને રંગવા દોડાદોડ કરતા હતા. ચોપડી બંધ કરીને હું પણ જાળીએ ઊભો રહીને જોઈ રહ્યો. એવું કોણે કહ્યું કે મને મન નહોતું થતું રંગાવાનું ? પણ એ રંગવાવાળા હવે ક્યાં હતા ! મારે તો એમના હાથે જ રંગાવું હતું, એમને જ રંગવા હતા. એટલામાં પેલી ટોળકીમાંથી કોઈએ મને જોયો. એણે બીજા બે-ત્રણ જણને કંઈક ગુસપુસ કરી અને સીધા મારી જ બાજુ આવવા લાગ્યા. ઓહ, આ તો મારા જ નવા ક્લાસમાં ભણતા પેલા છોકરાઓ છે , એમની સાથે હું ક્યારેક વાત પણ કરું છું. છોકરાઓ નજીક આવે એ પહેલા તો મેં જાળી બંધ કરી દીધી , અને મૂડ નથી એવું કહી જ દીધું મોઢા પર . થોડીવાર તો કંઈક કારસો કરતાં એ ઊભા રહ્યા ત્યાં જ , પણ હું ય મચક આપું એમ નહોતો. આખરે એ બધાં કંટાળીને પાછા ટોળીમાં ભરીને રમવા લાગ્યા. 

હવે આ લોકો મને નહીં રંગે એવો અહેસાસ થવાથી ફરી હું જાળી આગળ આવીને ઊભો. જોઈ રહ્યો એમને રમતાં . કાળો-લાલ-ગુલાબી-વાદળી...અહા, કેટલા રંગો મિક્સ થઈ ગયેલા એમના ચહેરા પર ! વાળ-કપડાં અને ચહેરો બધું રંગબિરંગી... મારા ગોઠિયા યાદ આવી જવાથી હોય કે બીજા કોઈ કારણથી , પણ મારા ચહેરા પર પણ સ્મિત રમતું થયું . અને એ જ વખતે મારી નજર પડી હમણાં જ ટોળીમાં આવી ભળેલી એક છોકરી પર . એ હાથમાં ગુલાલ લઈને ફરી જ વળી , બધાને રંગી નાખ્યા , ને પોતે પણ રંગાવાની રંગત માણી રહી . એને ઓળખતો હતો હું , પણ એ ય આ લોકો જોડે ધૂળેટી રમવા છેક અહીં આવતી હશે એવું મેં વિચારેલું નહીં . રોજના એના આછા ગુલાબી ગાલ પર આજે ના જાણે કેટલા રંગોના થપેડા થયા હતા ! પણ એને એનું ધ્યાન નહોતું કે પછી એવી પરવા પણ નહોતી. એને તો બસ રંગાવું હતું મન ભરીને .

મસ્તીમાં આગળ આવી જતા એના વાળને ઠીક કરવા એણે ઝટકો મારીને માથું ઊંચક્યું અને એની નજર પડી મારા પર...એક પળ માટે અમારા બંનેની નજરો સ્થિર થઈ. એ સાથે જ મારા શરીરમાંથી રોમાંચની આછી ધ્રૂજારી પસાર થઈ ગઈ. કેમ એ તો મને પણ ના સમજાયું. હું જડ થઈને ઊભો હતો હજુ. છોકરીએ નજર હટાવી , પેલા લોકો જોડે કંઈક વાત કરી અને થોડી જ વારમાં પાછા પેલા ત્રણ-ચાર લોકો મારી જ બાજુ આવવા લાગ્યા . પણ આ વખતે એ છોકરી સૌની આગળ ચાલતી હતી . હું સમજી ગયો કે આ લોકો મને રંગવા માગે છે , એટલે મેં જાળીને આગળો મારી દીધો. એણે મારી મશ્કરી ય કરી કે- " શું કરવા છોકરીઓની જેમ સંતાય છે ?" પણ મને ક્યાં ફરક પડતો હતો ? મારે તો બસ આજે રંગાવું નહોતું .

રંગ કે પાણી ના નાખે એટલે હું જાળીની થોડે પાછળ જઈને ઊભો રહી ગયો. અને એ જ મારી ભૂલ થઈ ગઈ. ક્યારની મારી બાજુમાં ઊભેલી મારા કાકાની છોકરી પેલીની બહેનપણી નીકળી. એણે ફટ દઈને આગળ આવીને આગળો ખોલી નાખ્યો . એ સાથે જ એ ત્રણ-ચાર જણનું ધાડું અંદર ધસી આવ્યું. પણ હું તો એ જાય નાઠો ... આગળો ખૂલ્યો એટલામાં તો હું દોડીને ઘરની પાછળ આવેલા બાથરૂમમાં ભરાઈ ગયેલો .

દોડીને આવતાં પગલાઓનો અવાજ સંભળાયો. થોડીવાર પહેલા ચોકમાં હતો એ બધો શોરબકોર હવે બાથરૂમને કવર કરીને ઊભો હતો. બાથરૂમનો દરવાજો ખખડ્યો, 'થોડો જ રંગીશું , ગાલ પર ગુલાલ જ લગાવશું , બહાર નહીં આવે તો આખી બાલટી જ ઊંધી વાળીશું' એવા અવાજો આવવા લાગ્યા ..પણ હું ના ડગ્યો , કંઈ બોલ્યા વગર ચૂપચાપ બધાં જાય એની રાહ જોઈને ઊભો રહ્યો. શોરબકોર ધીમો પડવા લાગ્યો , અમુક કંટાળીને જતા રહ્યા . પણ હજુ પેલા ત્રણ-ચાર લોકોની ગુસપુસ કાને પડતી હતી . ધીરે ધીરે એ ય બંધ થઈ ગઈ . અને છેલ્લે અકડાઈને - "આ તો બહુ ભાવ ખાય છે"- એવા અવાજો આવ્યા , ને દૂર જતાં પગલાં સંભળાયા .

એ લોકો લગભગ હવે જતા રહ્યા હતા . પણ મને હજુ વિશ્વાસ નહોતો . એટલે જ તો હું બહાર નહોતો નીકળતો. મારી બહેન પણ આવીને કહી ગઈ કે બધાં હવે તો બાજુની સોસાયટીમાં જતા રહ્યા. પણ હું અંદર જ રહ્યો . 5 મિનીટ , 10 મિનીટ , 15 મિનીટ . કોઈ હલચલ નહીં . મને બાથરૂમમાં ભરાયે પણ હવે તો ખાસ્સી ત્રીસેક મિનીટ થવા આવેલી . આટલી વાર તો મને રંગવા એ બેસી ના જ રહી હોય . પાછળની સોસાયટીમાં ટોળીની ચિચિયારીઓ સંભળાઇ . હાશ , એ લોકો જતા રહ્યા . હવે બહાર નીકળવામાં કોઈ વાંધો નથી .

અને મેં હળવેકથી સ્ટોપર ખોલી... દરવાજો મારે ખોલવો ના પડ્યો . વીજળીવેગે દરવાજો ખૂલ્યો , હું બહાર ખેંચાયો અને કોઇની પકડમાં ફસાયો . થોડીવારે મારું મગજ કામ કરતું થયું ત્યારે મને એટલું જ સમજાયું કે મારા પેલા મિત્રોએ મને બાવડેથી મુશ્કેટાટ પકડી રાખેલો હતો , ને એ મારી સામે જ ઊભી રહીને ખડખડાટ હસતી હતી. ઉપરથી નીચે સુધી કાબરચીતરા રંગે રંગાયેલી હોવાથી હસતી વખતે એની શ્વેત દંતપંક્તિઓ ચમકતી હોય એવો આભાસ થતો હતો. પકડમાંથી છૂટવા મેં તરફડિયાં મારી જોયા, પણ પેલા બંને મારા કરતા વધુ મજબૂત હતા . અને, હું ના-ના કરતો રહ્યો અને એ છોકરીએ એના હાથોથી મને રંગી નાખ્યો. ચહેરા પર , માથા પર , કપડાં પર અલગ અલગ રંગના થપેડા કર્યા, અને ખડખડાટ હસ્યા કર્યું .

મેં પણ પ્રતિકાર કરવાનો બંધ કરી દીધો. એના કોમળ હાથોના સ્પર્શથી જ હું તો શાંત થઈ ગયો હતો . અને જેટલી વાર એની હથેળી મને અડે , મારું આખું શરીર આછું-આછું ધ્રૂજી ઊઠતું હતું. મેં આંખો બંધ કરી દીધી, એને રંગવા દીધું . થોડીવારમાં એણે હતા એટલા બધાં રંગ ખાલી કર્યા, મારો ના ઓળખાય એવો ચહેરો જોઈને ફરીથી હસી , કામ પૂરું થયું એવા ભાવથી હાથ ખંખેર્યા અને ચાલવા માંડી . એને તો હજુ મારા જેવા બહુ બધાંને રંગવાના હતા . પણ 'નહીં જ રંગાઉ' એવી જીદ લઈને બેઠેલો હું , હજુ બાથરૂમના દરવાજાની આગળ જ પડ્યો હતો, આંખો બંધ કરીને . મારું રંગાવાનું તો હજુ પૂરું જ નહોતું થયું. ખરેખર તો હવે જ ચાલુ થયું હતું . એ દિવસ પછી હું રોજ એ રીતે આંખો બંધ કરીને મનમાં ને મનમાં રંગાવાનો હતો સ્વપ્ન-પ્રદેશમાં... એ છોકરીની સાથે જ ધૂળેટી રમવાનો હતો રોજ. મને હવે પેલી જૂની ધૂળેટી યાદ નહોતી આવતી , અરે મને હવે જૂનું કંઈ યાદ જ નહોતું આવતું, કેમ કે હું તો રંગાઈ ચૂક્યો હતો , મુગ્ધાવસ્થામાં જ પ્રેમનો પલીતો ચંપાઇ ચૂક્યો હતો...

અને એ બેપરવા અલ્લડ છોકરી એક વળતી નજર પણ નાંખ્યા વગર ચાલતી થઈ... ધૂળેટીના દિવસે એક છોકરાના હૈયામાં હેતની હોળી પ્રગટાવીને !

Friday, 7 March 2014

શું તમે કદી એવી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છો જે તમને પ્રેમ ના કરતું હોય ?

શું તમે કદી એવી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છો જે તમને પ્રેમ ના કરતું હોય ? 


ગઇકાલે જ મને વિચાર આવ્યો કે દુનિયામાં એવા પણ લોકો હશે જ જેમને એકતરફી પ્રેમ એ કઈ બલાનું નામ છે એ નહીં ખબર હોય , એવા પણ લોકો હશે જ જે કદી એવી વ્યક્તિના પ્રેમમાં નહીં પડ્યા હોય જે એમને પ્રેમ ના કરતું હોય . 


મને ખબર છે કે એ સૂર્યગ્રહણ જેવી રેર ઘટના છે , પણ મને લાગે છે કે કેટલાક એવા નસીબદાર હશે જ ; જેમણે એમની highschool sweetheart જોડે જ લગન કર્યા હોય , જેમને પહેલા દાવમાં જ બધું સમુસૂતરું પાર પડ્યું હોય ; કે પછી આત્મવિશ્વાસથી ઊભરાતા હોય એવા , કોકટેલ ફિલ્મના સૈફ અલી ખાન જેવા લોકો જે એમને ગમતા પાત્રની સામે જઈને એક જ ધડાકે પૂછી શકે કે - " તુમ love at first sight મે માનતી હો , યા મે દોબારા ઘૂમ કે આઉ ? " અને એમનો આત્મવિશ્વાસ જોઈને જ એમનું પ્રિયપાત્ર પીગળી જાય , ને પછી ખાધું , પીધું ને રાજ કર્યું ! પણ આવા નસીબદારો સિવાયના આપણે બધા - જે આવા સુખી કપલ્સને જોઈને એમની ઈર્ષ્યા કરી ઊઠતા હોય એવા જ છીએ , પણ હું માનું છું કે આપણે નહીં પણ આ પહેલા-પ્રયત્ને-સફળ લોકોએ કૈંક ગુમાવ્યું છે . જિંદગીમાં દરેકે કમસેકમ એકવાર તો એવી વ્યક્તિના પ્રેમમાં પડવું જ જોઈએ જે એને પ્રેમ ના કરતું હોય ! 


તમને પ્રેમ ના કરતાં હોય એવા લોકો તમને ગમે ત્યાં મળી જ રહેશે . જેમ કે , તાજા તાજા પ્રેમમાં પડેલા કોઈને જ લઈ લો , એ એમના નવા પ્રેમીની આંખોમાં જ એવા ડૂબેલા હોય કે એના  ચહેરા પાછળનું 5 ઇંચ પછીનું પણ નથી જોઈ શકતા , તો એક ખૂણામાં બેસીને ઝૂરતા તમને જુએ એવો તો કોઈ ચાન્સ જ નથી બોસ . અથવા તમને વર્ષોથી ભાઈ કહીને જ બોલાવતી એ છોકરીને પસંદ કરો , જે તમારા વિષે બીજું વિચારે જ નહીં . એક એવો છોકરો પકડો જે આખા ગામની ગોરીઓ જોડે ફ્લર્ટ કરી આવતો હોય ( રામલીલાના રણવીરની જેમ જ સ્તો ! ) , જેને એ જ ના ખબર હોય કે એને સાચે કેવી છોકરી ગમે છે . આવું કોઈ પણ પાત્ર ચાલશે . 


અને આ પાત્ર સામાન્ય અલ્પજીવી આકર્ષણથી થોડું વધારે ખાસ હોવું જોઈએ . એ હસે છે ત્યારે કેટલી ક્યૂટ લાગે છે , કે એ તમને સ્પર્શ કરે ત્યારે થોડીવાર કેવી ઝણઝણાટી થાય છે એનાથી કામ નહીં બને . તમારે તમારા સંપૂર્ણ અસ્તિત્વને ઓગાળીને એને પ્રેમ કરવાનો છે ; સવારે આંખ ઊઘડે ત્યાંથી લઈને રાત્રે પથારીમાં આંખો મીંચીને રજાઈ ઓઢો ત્યાં સુધી - બસ તું હી તું , બસ તું હી તું - થઈ જવું જોઈએ ! એમના કોમળ (કે ઘટ્ટ ભરાવદાર ) અવાજના આરોહ-અવરોહને યાદ કરો , વાત કરતી વખતે થતાં એમના હાથના હલન-ચલનને યાદ કરતાં રહો , જેથી તમે જ્યારે ઊંઘમાં તમારી સ્વપ્ન-નગરીમાં વિહાર કરતાં હો ત્યારે એ તમારી સાથે જ છે એ વાત વાસ્તવિક લાગે . અને પછી સવારે જાગો ત્યારે એ તો ફક્ત એક સ્વપ્નું જ હતું એ યાદ આવતાં દિલના દસ-બાર હજાર ટુકડા થતાં મેહસૂસ કરો . એ જુદાઈની યાતના , એની ના ભૂલાતી યાદોમાં ખુદને ગળાઈ જવા દો , ચળાઈ જવા દો . તમને પ્રેમ ના કરતું હોય એ વ્યક્તિને પ્રેમ કરતા રહેવું એના કરતાં વધુ તીવ્ર બીજું કોઈ દુઃખ નથી હોતું . 


તમે વિચારતા હશો કે આ પાગલ થઈ ગયો છે , એટલે જાણી જોઈને ખાડામાં પડવાની સલાહો આપે છે , એવું પણ લાગે કે મને આવી મજાક કરવામાં ક્રૂર આનંદ આવતો હોય . પણ હે મારા મિત્ર , હું પાગલ નથી ; પોતાને પ્રેમ ના કરતા વ્યક્તિને પ્રેમ કરતા રહેવાથી ધીરે ધીરે કૈક થાય છે એ દરેક વ્યક્તિમાં : they manage to stop being in love ! 


અને દરેક માટે આ સમયગાળો અલગ અલગ હોય છે , પણ દરેકની જિંદગીમાં એક breaking point આવે છે , જ્યારે મન બોલી પડે છે - Enough is enough . બસ બહુ થયું , હવે વધારે નહીં ! એ કદાચ તમે સતત રડીને ગુજારેલી ત્રીજી રાતે થઈ શકે , કે કોઈ બીજા સાથે રહેવા એણે તમને 5મી વાર ના પાડી દીધી એ દિવસે પણ થાય , કે એકલા એકલા પીને અઠવાડિયું દેવદાસ રહ્યા પછીની 8મી રાત્રે પણ એવું થાય . એ પોઈન્ટ આવવા ક્યારેક મહિનાઓ નીકળી જાય , તો ક્યારેક વર્ષો . પણ ત્યાં સુધી પહોચ્યો ત્યારે કૈક થશે તમારી અંદર . 


આટલા સમય ના કહેવાય - ના સહેવાય જેવી પીડા સહન કર્યા પછી તમે એકદમ મજબૂત થઈ જશો અંદરથી , પોતાની જાત વિષે એકદમ ચોક્કસ થઈ જશો . તમને સમજાશે કે બધી જ પીડા ટેમ્પરરી હતી , પરમેનન્ટ નહીં . જિંદગી જીવવા હમેશાં કોઈ કારણ હોય જ છે , ખુદ માટે લડવા-ઝઝૂમવા કે જીતવા હમેશાં કોઈ કારણ હોય જ છે ! 


તમને એ સમજાશે કે માત્ર એ એક વ્યક્તિ તમને પ્રેમ નથી કરતી એનો મતલબ એ નથી કે કોઈ તમને પ્રેમ નથી કરતું . તમને સમજાશે કે પ્રેમ એ મેળામાં રાઈફલમાં ચણોઠી મૂકી ફુગ્ગા ફોડીને જીતી જવાની કોઈ વસ્તુ નથી ; અંધારી રાતે મોનાલિસાનું પેઇન્ટિંગ ચોરી લાવો એમ પ્રેમને ચોરાય નહીં . પ્રેમ કોઈ બીજી વ્યક્તિમાંથી નહિ , પણ તમારી અંદરથી જ આવે છે . તમે સમજશો કે પેલા સુફિયાણા લોકો જે એમ કહેતા હતા કે - “real love comes from within " - એ સાચું જ બોલતા હતા , પણ એ બધું તમારે જાતે જ શીખવાનું હતું . 


આવા એકતરફી પ્રેમમાંથી બહાર આવવું એ વર્ષોથી આંખે બાંધેલો પાટો દૂર કરવા જેવું છે - તમને અચાનક તમારી જિંદગીમાં ઓલરેડી કેટલો પ્રેમ છે એ દેખાશે , અને તમે એ લોકોની સાચી કિમત સમજશો . તમારામાં નમ્રતા આવશે , આભારની લાગણી પ્રગટશે , તમે વધુ સમજદાર થશો . 


અને એકતરફી પ્રેમમાંથી બહાર આવ્યા પછીનો સૌથી બેસ્ટ પાર્ટ - તમને અહેસાસ થશે કે તમારા દિલનો એ ઘા બીજા કોઈએ આવીને સાજો નથી કર્યો , પણ તમે જાતે જ એ કરી શકવા સમર્થ હતા . અને એકવાર તમે તમારી જાત આગળ સાબિત કરી દો કે તમે એ ઘાને રૂઝાવી શકો છો , તો તમને ફરીથી પ્રેમમાં પડવાથી ડર નહિ લાગે ! અને ફરી ફરીને તમે શોધમાં લાગી જશો . 


અને આવા જ કોઈ સમયે કોઈ મળશે તમને , ફરિસ્તાની જેમ , કુદરતી કરિશ્માની જેમ , તમે વર્ષો સુધી કરેલી પ્રેમની પૂજાના બદલામાં , તમારા મનના બગીચાને ગુલશન-ગુલશન કરી દે એવું કોઈ, જેની આંખોની ગહેરાઈમાં તમારા દિલનો દરિયો હિલોળા લેશે  , અને તમને અહેસાસ થશે કે આ અણિશુદ્ધ પ્રેમ એ લાગણીઓની સરટોચ છે , પરમાનંદની પ્રાપ્તિ જેવો ! અને ત્યારે લાગશે કે આ જિંદગી તો પૈસા-વસૂલ છે , બોસ ! 


તો શું તમે કોઈ એવી વ્યક્તિના પ્રેમમાં પડ્યા છો જે તમને પ્રેમ ના કરતું હોય ? 


- Written by - Wes Janisen

 ભાવાનુવાદક - વૈભવ અમીન ( બીજું તો કોણ હોય ?? ) :-P