ફરીવાર અમારે બંનેને ઝઘડો થઈ ગયો. મારે અને મારા ભાઈને. એને મેં કેટલી વાર ના પાડી છે કે મારી વસ્તુઓને નહીં અડવાનું, પણ સુધરે એ બીજા ! મારી બધી જ વસ્તુઓ મને પૂછ્યા વગર અડશે . અરે અડે એનો ય વાંધો નથી, પણ અડીને એ અટકે જ ક્યાં છે ? મારુ ફેસ-વોશ, મારી ઘડિયાળ, મારુ ડિઓ, મારુ લેપટોપ. મારી જે કોઈ વસ્તુ એ વાપરી શકે એ બધી જ . આજે પેલા રોહનના લગનમાં પહેરવા હું મસ્ત જીન્સ લાવેલો, અને એ મારો બેલ્ટ પહેરીને જતો રહ્યો. પછી મારી 28ની કમરમાં 30 નું પેન્ટ થયું નહીં, તો મારે ફરી જૂનું જીન્સ પહેરીને જવું પડ્યું. લગન પતાવીને રાત્રે ઘેર આવ્યો ત્યારથી અમારું યુદ્ધ ચાલુ થઈ ગયું .
અને મમ્મી કહે કે એને ધમકાવ નહીં, નાનો ભાઈ છે એટલે તારી વસ્તુઓ વાપરે પણ ખરો. પણ આજે મારો ગુસ્સો ઓછો થતો જ નથી. એ ચૂપચાપ કશું જ ના બન્યું હોય એમ ખૂણામાં ભરાઈ ગયો. મમ્મી એની પગાર વગરની સરકારી વકીલ બનીને એને બચાવવા આવી ગઈ. મમ્મી દર વખતે આવું કરે છે, એના લાડલાનો તો કોઈ દિવસ વાંક હોય જ નહીં. વળી કહે છે કે ' ધીમે બોલ, સામેવાળા માસી રાત્રે 10 વાગ્યે આપણા ઘરમાં શેની ધમાલ છે એ જોવા એમના ઘરની બારીઓ ખોલી દીધી છે, હવે કાલે સોસાયટીમાં મીઠું-મરચું ભભરાવીને બધે વાતો કરશે.' પણ એમાં હું શું કરું ? પેલો મને પૂછ્યા વગર મારો બેલ્ટ પહેરી ગ્યો, એને તો કોઈ કઈ કહેતું જ નથી !
મારો ફોન વાગ્યો. એટલે મમ્મીને એમ કે હવે વાત આગળ નહીં વધે. એ એના રૂમમાં ગઈ. કિશનનો ફોન હતો. એને ગધેડાને અત્યારે યાદ આવ્યું કે એ લગનમાં ચાંલ્લો કરવાનું ભૂલી ગયો છે. તો હવે એમાં હું શું કરું ? હું તો માણસ છું કે વોડાફોનનું હેલ્પ-સેન્ટર ? જેમ-તેમ વાત કરીને ફોન કટ કરી નાખ્યો. અત્યારે મારૂ મગજ બહુ તપેલું છે, એ મને પૂછ્યા વગર મારી વસ્તુને અડે જ શું કામ ?
ગુસ્સામાં જ ધ્યાન આવ્યું કે ખિસ્સામાં રાખેલો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો છે. Normal પ્રોફાઇલ પર રાખેલો ફોન વાઇબ્રેટ થાય એનો મતલબ કે એનો ફોન આવે છે. અત્યારે સાડા દશ વાગે શું હશે આ છોકરીને ? એને કેટલી વાર કહ્યું છે કે 9 વાગ્યા પછી ફોન નહીં કરવાનો ! 3 missed calls . ક્યારની ય ફોન કરતી હશે . ફોન લઈને ચૂપચાપ હું ટોઇલેટમાં ઘૂસી ગયો . ઘરમાં તો ફોન ઉપાડવાનો સવાલ જ નથી, મારી મા મને જ ઉપાડી લે આખો .
*** ***
" શું છે ? "
" કઈ યાદ આવે છે ? "
" તને રાત્રે 11 વાગ્યે શું યાદ આવે છે ? ઊંઘી જા ને છાનીમાની ! "
" કેટલો અકડુ છે તું ! જા, નથી વાત કરવી . "
" અરે. સૉરી બાબા . બોલ ને, શું છે આજે ?"
" ડોબા, આજે આપણી પહેલી એનિવર્સરી છે. પ્રપોઝ કર્યું એ દિવસ ! "
" ઓહ . એક વર્ષ થઈ ગયું ? હજુ તો હું ગાલથી આગળ જ નથી વધ્યો . "
"હા હવે, બવ ડાહ્યો ! તારીખ તો યાદ રહેતી નથી, બસ આગળ વધવાનું જ યાદ રહે છે. આખો દિવસ રાહ જોઈ કે હમણાં તું ફોન કરીશ. પણ સાહેબને અમારા માટે ટાઈમ જ નથી. જા, નથી બોલવું તારી જોડે !"
" યાદ જ હતું, લગનમાં ગયો હતો !"
" વોટએવર ! મમ્મી જાગી ગઈ . મૂકું ફોન . બબાય . લવ યૂ !"
***
ધડ દઈને મેં ટોઇલેટનો દરવાજો ખોલ્યો, ને બહાર જ મમ્મીને જોઈને ત્યાં જ જડ થઈ ગયો. અચાનક મારા ધબકારા વધવા લાગ્યા. ચૂપચાપ ઘરમાં આવ્યો, ને પાછળ પાછળ જ મમ્મી આવી. " કોનો ફોન હતો ?" - લેડી શેરલોક હોમ્સએ ફાયરિંગ ચાલુ કર્યું . ફોન ટેબલ પર મૂકીને હું પાણી પીવા ગયો. મને એમ કે પાછો આવીશ ત્યાં સુધીમાં એ ભૂલી જશે . જેવો પાછો આવ્યો કે જોયું તો ભાઈ મારો ફોન લઈને બેસી ગયેલો. હમણાં જ તો મેં આને પ્રવચન આપ્યું કે મારી વસ્તુઓને હાથ લગાડવાનો નહીં . આ સમજતો કેમ નથી ?
" ફોન કોનો હતો એ કહ્યું નહીં ! "
" દોસ્તાર હતો, મમ્મી . "
" એવો કેવો દોસ્તાર જેની જોડે વાત કરવા ટોઇલેટમાં જવું પડે ?"
" મમ્મી , તું તારું મગજ ચલાવવાનું બંધ કર, યાર ! અંદર ગયો ત્યારે જ ફોન આવે તો હું શું કરું ?"
અચાનક મમ્મીએ ભાઈના હાથમાંથી ફોન લઈ લીધો . ફોન લગાવીને કાને ધર્યો . એ આવું કરશે એ તો મેં વિચારેલું જ નહીં . એને ફોનમાં બહુ ગતાગમ પડતી નહીં, પણ એક દિવસ ઉત્સાહમાં મેં એને છેલ્લા આવેલા/કરેલા ફોન પર ફરી ફોન કરવો હોય, તો બે વખત લીલી સ્વિચ દબાવવી એવું શિખવાડેલું . અત્યારે અફસોસ થતો હતો કે એ જ લીલી સ્વિચ આજે મારી લાલ સ્વિચ દબાવી દેશે ! મારા વાળમાંથી નીકળીને પરસેવો ગાલ પર થઈને સરકતો હતો. મગજ બહેર મારી જવાની તૈયારીમાં હતું . હમણાં સામેથી પેલીનું "હલ્લો" આવે એ સાથે જ અહીં મારુ હલ્લા-બોલ થઈ જવાનું હતું !
" હેલો !" સામેથી ફોન ઉપડવાનો અવાજ સાંભળીને મમ્મી બોલી. બસ, હવે મને બેહોશ થવામાં 2-5 સેકંડ્સની જ વાર હતી . હું દીવાલે ટેકો લઈને ઊભો રહી ગયો . ના ફોન લગાવને- એટલું કહેવાની પણ હિમ્મત નહોતી રહી .
" હેલો . હા કોણ ? કિશન ? ઓહ . એટલે થોડીવાર પહેલાં તે ફોન કરેલો ? ઠીક. અરે કઈ નહીં . બસ, એ તો એમ જ. સારું બેટા, આવજે. "
અને મમ્મીએ ફોન મૂકી દીધો. મારી સામે તીર માર્યું - " તો પહેલા ભસ્યો કેમ નહીં કે કિશનનો ફોન હતો ? " હું મનમાં જ બોલ્યો કે- 'પણ કિશનનો ફોન હતો જ નહીં, તો કેવી રીતે ભસું ?' શું થયું એ મને પણ સમજાયું નહીં . હું બચી કેમનો ગયો ? ફોન એને લાગવાના બદલે કિશનને કેમ લાગ્યો ?
બબૂચકની જેમ હું જોઈ રહ્યો હતો. જે થયું એ માની ન્હોતો શકતો. ત્યારે જ મારી નજર ભાઈ પર પડી . એણે મમ્મી જોઈ ના જાય એ રીતે મારી સામે જોઈને આંખ મિચકારી. એની આંખોમાં તોફાન નાચતું હતું. અને તરત મારા ડિમ-લાઇટ જેવા મગજમાં વીજળી જેવો પ્રકાશ થયો. મમ્મીએ એના હાથમાંથી ફોન લીધો હતો !
અને મેં નક્કી કર્યું કે આજ પછી ક્યારેય એના પર એ વાતે ગુસ્સે નહીં થાઉં કે તું મને પૂછ્યા વગર મારી વસ્તુઓ કેમ અડે છે ! ના, ક્યારેય નહીં !
#અસત્ય_ઘટના