મેસેજ વાંચીને મારી આંખો ફાટી ગયેલી . એવું વાંચેલું અને સાંભળેલું કે બ્રહ્મજ્ઞાન થાય એટલે દુનિયા બદલાઈ જાય ... પણ મારી દુનિયા તો એના એક જ મેસેજમાં બદલાઈ ગઈ .
આજે રજા હતી , એટલે 9 વાગ્યા સુધી હું પથારીમાં ઘોરતો રહેલો . અને ઊઠીને રોજની આદત મુજબ બ્રશ પહેલાં મોબાઈલ લીધેલો હાથમાં . Whatsapp ખોલ્યું . એનો મેસેજ આવેલો હતો . જો કે એમાં કઈ નવું નહોતું . રોજ સવારે અમે એકબીજાને Good morning Honey એવો મેસેજ કરતાં જ . પણ આજે એનો મેસેજ વાંચીને મારા પર આભ તૂટી પડ્યું . કેમ કે આજે ગૂડ મોર્નિંગ નહોતું લખેલું . એણે લખેલું - " હેય ... તને હજુ કીધું નહીં , પણ હવે રહેવાય એમ નથી . હું લાસ્ટ sunday મળી એને . મહેમાન આવ્યા છે એટલે પછી વાત કરું એવું કહેલું તને ત્યારે એ મને જોવા આવેલો . સારો છોકરો છે . મમ્મી-પપ્પાને બહુ ગમે છે , અને ભાઈ-ભાભીનું પણ બહુ પ્રેશર છે . પેરેંટ્સની ખુશી માટે મેં હા પાડી દીધી છે . આજે એના ઘરના લોકો મને જોવા આવે છે . હવેથી હું તારી સાથે વાત નહીં કરી શકું . આઇ વિલ મિસ યૂ . goodbye ! "
5-6 વાર વાંચી લીધો એનો મેસેજ . હોશ ઊડી ગયા મારા તો . હજુ કાલે રાત્રે તો કેટલી વાતો કરી છે ! એ શાંત હતી , અને ઓછું બોલતી હતી , પણ એના મનમાં આવું બધું ચાલતું હશે એવો તો વિચાર જ નહીં આવેલો . Ohh My God ! પથારી ગોળ ગોળ ફરતી હોય એવું લાગતું હતું . મમ્મી પણ બૂમો પાડીને થાકી કે - " બ્રશ કરતો આવ , ચા ઠંડી થઈ ગઈ ! " પણ મારી તો દુનિયા જ જાણે પથારીમાં સ્થિર થઈ ગઈ . whatsapp પર last seen today at 07:56 બતાવતા હતા , અને હું પણ ગધેડો આજે જ મોડો ઉઠ્યો .
મેં કઈ જ વિચાર્યા વગર એને ફોન જ કરી દીધો . સવાર સવારમાં એનો ટકલું કર્નલ જેવો બાપ કે પેલો મવાલી જેવો એનો મોટો ભાઈ ફોન ઉપાડશે એવું કઈ વિચાર્યા વગર જ . મગજમાં વિચારોનું એટલું વાવંટોળ હતું કે એ વિચાર માટે સમય પણ નહોતો . રોજ એની મને બહુ ગમતી 'તુમસે હી દિન હોતા હૈ ' caller tune આજે મને ગુસ્સો અપાવતી હતી . એ ફોન ઉપાડતી કેમ નથી ? સતત અડધો કલાક સુધી રિંગ મારી , પણ કોઈ જ જવાબ નહીં . ફરી મેં whatsapp ચાલુ કર્યું . મેસેજ ઠોકયે જ રાખ્યા - " baby , what happened ? how ? when ? why ? who is he ? kab hua ye sab ? " આટલા પ્રશ્નો તો મને કોઈએ વાઈવામાં પણ નહોતા પૂછ્યા . એક કલાક સુધી રાહ જોઈ એના online થવાની . આટલી આતુરતા તો ચોમાસા માટે ચાતકને ય નહીં હોય . પણ એ ના જ થઈ online .
હવે ? text message કરું ?? પણ મેસેજ તો ફ્રી નથી . તો શું થયું ? આજે ય મને આવું બધું યાદ આવે ? એ સાચું જ કહે છે કે હું કંજૂસ છું . એટલે જ તો એ છોડી ગઈને ? ફરીથી ઢગલો મેસેજ કર્યા એને . પણ કોઈ જ જવાબ નહીં . જાણે હું કોઈ મશીન જોડે વાતો કરતો હતો . મમ્મીને પણ સમજાતું નહોતું કે રોજ રેગ્યુલર કામ કરતાં આને આજે થયું છે શું ? કેમ બહાવરો ફરે છે ? એણે પૂછ્યું ય ખરું . થોડી તબિયત ખરાબ છે કહીને એને ટાળી દીધી . પણ હવે હું શું કરું ? કાશ આજે કોલેજ ચાલુ હોત , તો બધો ખુલાસો થઈ જાત . આટલી બધી રજાઓ શું કામ આવતી હશે ? ભારતના તહેવારો પ્રત્યે મને તાત્કાલિક નફરત થઈ ગઈ .
ઉચાટમાં જ બપોર થઈ . આજે જમવાનો તો વિચાર જ આવે એમ નહોતો . બાઇક લઈને નીકળ્યો , વિચાર્યું કે એના ઘર બાજુ આંટો મારી આવું . પણ નવરાત્રિ વખતે એની સોસાયટીમાં ચક્કર મારવામાં એના બાપાએ ઝાલીને ઉધડો લીધેલો એ યાદ આવી ગયો . પણ આજે તો છૂટકો જ નહોતો . ધરાર પેઠો એની સોસાયટીમાં , એના ઘરથી દૂર કોઈ જોઈ ના રહે એમ એક જગ્યાએ ઊભો રહ્યો , અને ખાલી ખાલી ફોન કાને ધરીને વાત કરવા લાગ્યો . થોડીવારમાં એનો ભાઈ આવ્યો બહારથી , બાઇક પર સારો એવો સામાન હતો , કઈક તો છે જ આજે . ઘરમાં ય દોડધામ થતી હોય એવું લાગ્યું . થોડી જ વારમાં એક મારુતિ આવી , 5 લોકો ઊતર્યા - પતિ-પત્ની, 2 નાની છોકરીઓ અને એક છોકરો , મારા જેટલો જ . અને મારા ધબકારા જાણે બંધ થઈ ગયા . એણે કીધું એ સાચું જ હતું - આ લોકો એને જોવા જ આવ્યા છે . મારાથી વધુ ના ઊભા રહેવાયું .
ત્યાંથી સીધો પાનના ગલ્લે ગયો , આજે તો મેં પણ પીધી સિગારેટ . પણ કોઈ ફર્ક ના પડ્યો . ઊલટું , ખાંસી ચડી . એક કલાક તો કેજરીવાલ જેવું રહ્યું . આ લોકો સિગારેટ શું કામ પીતા હશે ? ડોબો જ છું ને સાવ ... અહી મારી જિંદગીની વાટ લાગેલી હતી , ને હું લોકોનું ટેન્શન લેતો હતો . ઘરે આવી ગયો , સીધો જ રૂમમાં . મારી બેગ ખોલી અને જીવની જેમ સાચવેલી વસ્તુઓ એક પછી એક બહાર કાઢી . સાથે જોયેલી ફિલ્મ્સની tickets , એના લેટર્સ , એની ડાયરીનું પૂંઠું , એનો પેલો લાંબો નખ , એનો નાનપણનો ફોટો, એની ઓઢણીનો ટુકડો અને બીજી કેટલી બધી વસ્તુઓ ! એક પછી એક જોવામાં અને ફરી બધું યાદ કરવામાં સાંજ પડી ગઈ .
મારે રડવું હતું , ધોધમાર રડવું હતું . પણ આંસુ ય સુકાઈ ગયેલા . મન અને મગજ બંને એકસાથે ભારે થઈ ગયેલા . એ જ પાગલપનની અવસ્થામાં રાત પણ પડી ગઈ . આ બધું અચાનક આ રીતે આટલી ઝડપે ખતમ થશે એવું નહોતું વિચાર્યું . મારાથી આટલું બધું છુપાવવા માટે ગુસ્સો હતો મનમાં , એ ગુસ્સો હું એણે ગિફ્ટ આપેલી એ બૂકના એક એક પત્તાને ફાડીને ડૂચો વાળીને ફેંકવામાં કાઢતો હતો . અચાનક મેસેજ ટોન વાગી . સવારથી ઉઠ્યો ત્યારથી કોઈનો મેસેજ નહોતો વાંચ્યો , કોઈ સાથે વાત પણ નહોતી કરી . બહુ બધા મેસેજ હતા , પણ મૂડ નહોતો જોવાનો . પણ આ તો એના મેસેજની ટોન હતી !
વીજળીક ઝડપે મોબાઈલ હાથમાં લીધો . અધીરાઇમાં 3 વાર તો ખોટો unlock પાસવર્ડ નાખ્યો . પછી જ્યારે લોક ખૂલ્યું કે તરત whatsapp . એ online હતી . ફાઇનલી એ online હતી !! અને એણે 2 જ શબ્દોમાં રિપ્લાઇ આપેલો . પણ એ 2 શબ્દો એણે આજ સુધી મને કહેલાં સૌથી યાદગાર શબ્દો હતા ... હું તાકી-તાકીને જોઈ રહ્યો મોબાઇલના સ્ક્રીનને ... એ શબ્દો ધીમે-ધીમે ઝાંખા થવા લાગ્યા... ગાલ પર ટપ-ટપ આંસુ પડતાં હતાં ... થોડીવારમા એ શબ્દો તદ્દન ઓઝલ થઈ ગયા અને મારી આંખોમાંથી આંસુની ધાર છૂટી . નાના છોકરાની માફક રડતો હતો હું , અને રડતાં રડતાં જ મોબાઇલને મેં છાતી સાથે લગાવી દીધો ... અને એ 2 શબ્દો મારા મગજમાં જડાઈ ગયા : એપ્રિલ ફૂલ !!!
#અસત્ય_ઘટના