Thursday, 27 February 2014

તારણહાર - A STORY

"તારણહાર"



ચૂંટણી થઈ. નવી સરકાર બની. જૂની સરકાર સામેનો અસંતોષ એટલો તીવ્ર હતો કે પ્રજાએ એમનાં સૂપડાં જ સાફ કરી નાખ્યાં. હવે તો પ્રજા એનો તારણહાર ચૂંટી લાવેલી. એ નવા તારણહારે જ તો એકલાહાથે ચૂંટણી જીતાડેલીને !

તારણહાર. અહા ! શું વ્યક્તિત્વ હતું એનું ? એના તેજાબી ભાષણોથી લોકો મરવા-મારવા તૈયાર થઈ જતાં . સ્ત્રીઓ પાગલ હતી એના મોહમાં. યુવાનોનાં મોબાઇલ-લેપટોપ્સ-કમ્પ્યુટર્સમાંથી સન્ની-કેટરીના-દીપિકાને જાકારો મળી ગ્યો હતો. તારણહારના જ ફોટોસ, વીડિયોઝ, લખાણો અને ભાષણો. જનતાને એનો તારણહાર મળી ગયેલો. આવો તરવરાટ, આવો ઉત્સાહ , આવું મનોબળ- તારણહારે ચેતના પ્રસરાવી દીધેલી જનતામાં, કોઈ જાદૂઈ છડીથી. હવે તો તારણહાર બધું જ સાચવી લેશે, આ ધરતી ફરીથી હરિયાળી થઈ જશે. આ પ્રદેશની રોનક પાછી આવી જશે. ચારેકોર સમૃદ્ધિ જ સમૃદ્ધિ . પ્રજા એના તારણહારની તાજપોશીના આનંદ-ઓચ્છવમાં ગુલતાન હતી.

સત્તા સંભાળતાં જ તારણહારે કામ પણ ચાલું કરી દીધું. આનંદ કરવામાં સમય બરબાદ કરે એ બીજા , તારણહાર નહિ. વીજળીની ઝડપે નિર્ણયો લેવાવા લાગ્યા. વર્ષોની ઊંઘમાંથી જાગેલું વહીવટી-તંત્ર દોડતું થઈ ગયું . બધી જ જગ્યાએ વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા ગુંદરિયા ખુરશી-પૂજકોને હટાવી લેવાયાં . સડસડાટ કાબેલ અને યોગ્ય વહિવટકારો નિમાયા. વર્ષોથી ટેબલો પર ધૂળ ખાતી ફાઈલોમાં જીવ આવ્યો. ઊચ્ચ-શિક્ષિત અને જે-તે ખાતાની જવાબદારી સંભાળવા જેટલાં નિપુણ હોય એમને જ મંત્રી બનાવાયા . પાર્ટીમાં જ ગણગણાટ થયો, પણ કોઈનું કંઈ ચાલે એમ ન્હોતું . પ્રજા તો જોતી જ રહી એમના તારણહારનાં કરતબને.

હવે વારો આવ્યો સરકારી કર્મચારીઓનો . રીતસરની તવાઈ જ આવી એમ સમજોને. એટલી જડબેસલાક વ્યવસ્થા ગોઠવી કે રેઢિયાળ કર્મચારીઓને તો પરસેવો જ છૂટી ગયો. " ગમે ત્યારે આવવું, ગમે ત્યારે જતાં રહેવું , ઈચ્છા ના હોય તો રજા મૂકયા વગર ઘેર જ બેસી રહેવું "- આવાં લોકોને તો સાચે ઘેર જ બેસાડી દીધાં . અત્યાર સુધી " સરકારી નોકરી એટલે સરકારના જમાઈ " કહેનારાંની, આ નવી સરકારી સાસુએ બરાબરની સફાઇ કરી નાખી. ટેબલ નીચેથી " સમજી જાઓને " કહીને પૈસા લેવાથી શું હાલ થાય એ સમજાઇ જવા લાગ્યું. દર મહિને કામનો પ્રોગ્રેસ રિપોર્ટ નીકળવા લાગ્યો . રિપોર્ટનું નામ સાંભળીને જ કર્મચારીઓને દિવસે તારા દેખાવા લાગ્યાં .

પ્રજા પણ કેમની રહી જાય ? દરેક કાયદાનું ચુસ્ત પાલન થવા લાગ્યું . પૈસા દઈને કામ કઢાવી લેવાની સિસ્ટમ બંધ થઈ ગઈ. દરેક જગ્યાએ લાયકાતનું મહત્વ વધી ગયું. ગુણવત્તાનું તો એટલું ધ્યાન રખાતું કે ભેળસેળિયાઓનાં ધંધા-પાણી જ ઠપ થઈ ગયા. કોઇપણ સરકારી માલ-મિલકતને જરાપણ નુકસાન કરનારને આકરો દંડ થતો. કોઇપણ જગ્યાએ લાગવગ માટે " સાહેબ વાત કરવા માંગે છે" કહીને ફોન આપનારનો ફોન અને ડોક્યુમેન્ટ્સ જપ્ત થઈ જતાં. અત્યાર સુધી આ જ રીતે કામ કરાવતી આવેલી જનતાને આ અચરજ થઈ પડ્યું.

રાજ્યમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું, અવ્યવસ્થાને અવકાશ જ ન્હોતો. બધું જ જેમ થવું જોઈએ એમ જ થતું હતું, હોવું જોઈએ એમ જ હતું . ભ્રષ્ટાચારને તો જાણે દેશવટો મળી ગયો હતો, શિસ્ત તો મિલિટરી કરતાં પણ વધારે હતી . ગામ-શહેર-મહાનગરો ચોખ્ખાં રહેતાં હતાં ( રાખવાં પડતાં હતાં ). દલાલી-કટકી-લાગવગશાહી બંધ થઈ ગઈ હતી. બંધારણમાં લખેલાં મૂળભૂત હકો સમાન રીતે દરેકને મળતાં હતાં . પણ દરેકે એ જ રીતે એમની મૂળભૂત ફરજો પૂરી કરવી પડતી હતી, ઈચ્છાએ-અનિચ્છાએ , ગમે કે ના ગમે - એમાંથી કોઈ છટકી નહોતું શકતું .

૨-૩ વર્ષ નીકળી ગયાં . અચાનક એક દિવસ ધારાસભામાં ઊહાપોહ થવા લાગ્યો. સરકાર સામે " અવિશ્વાસનો પ્રસ્તાવ" મૂકાયો હતો. તારણહારની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ !! ખબર નહી કે શું થયું અને કેમનું થયું , પણ તારણહાર ધારાસભામાં વિશ્વાસનો મત હારી ગયા હતા . ફરીથી ચૂંટણી આવી પડી.

ચૂંટણી પતી, ને રિઝલ્ટ્સ પણ આવી ગયાં . પરાજય, ઘોર પરાજય ! તારણહારનો પણ પરાજય, એમના દરેક ઊમેદવારનો પણ પરાજય. અમુકની તો ડિપોઝિટ પણ ડૂલ થઇ- એવો પરાજય ! ફરીથી પેલી જૂની સરકાર આવી - જનતાની , જનતા માટે, જનતા દ્વારા ચાલતી સરકાર . ફરીથી એ જ બધું ધુપ્પલ ચાલવા લાગ્યું, એ જ રફ્તારથી. ફરીથી ગોકળગાયની ગતિએ સરકાર ચાલવા લાગી, પણ જનતા ક્યાં નવરી હતી એ જોવા ? એ તો વોટ આપીને તરત ઊંઘી ગયેલી . એને ઊઠાડવાની હિંમત પણ ક્યાં હતી કોઈનામાં ? તારણહારના હાલ જોયા જ હતાં બધાંએ. બિચારો ! ફેંકાઈ ગયો, ને ખોવાઈ પણ ગયો .

અચાનક એક દિવસ ચાની લારીએ મળ્યો એ મને . હા, તારણહાર જ સ્તો ! હવે એ પહેલાંવાળી છટા નહોતી, બોલવામાં એ ઉત્સાહ નહોતો , એની સ્વપ્નશીલ આંખોમાં દુનિયાદારીના પોપડાં બાઝી ગયેલાં . મારી આંખોમાં કોઈ પ્રશ્ન વાંચીને , ચાની ચુસ્કી લેતાં લેતાં , દૂર કોઈ આકાશમાં જોતો હોય એમ એ બોલ્યો --

" આ પ્રજાનું કંઈ નહિ થાય ! દરેકને વિકાસ કરવો છે, સુખ-સમૃદ્ધિ જોઇએ છે , સુશાસન જોઈએ છે , વ્યવસ્થા જોઈએ છે . પણ એ માટે જાતે કંઈ કરવું નથી. જાતે જરાય ટીચાવું નથી. એક માણસને શોધી કાઢવો છે, એને તારણહાર બનાવી દેવો છે. પોતાની બધી જ આશા-અરમાનોનો ટોપલો એના માથે નાંખી દેવો છે. ને પછી તારણહારને શોધી લાવ્યાં એટલે આપણું કર્તવ્ય પૂરું થઈ ગ્યું એમ વિચારીને પાછું ઊંઘી જવું છે. જે કરવાનું હોય એ બધું તારણહારે જ કરવાનું હોય, અરે એટલા માટે જ તો એ તારણહાર છે . આપણને પણ કામ કરાવે તો એ તારણહાર શેનો ?? મારી સાથે એ જ થયું ને ? દરેકને દૂધથી ભરેલું જળાશય જોઈએ છે, પણ એ માટે ઘરનું એક લોટો દૂધ નાંખવા કોઈ તૈયાર નથી ! સાચું કહું છું - આ લોકોને તારણહાર નહિ, એક બકરો જોઈએ છે, એમના માટે એમના વતી બલિ પર ચડી જાય એવો બકરો ! એ બકરાને પછી એ લોકો "મસીહા" કહે છે . રહેવા દો, ભઇસાબ ! આ દેશનું કંઈ નહિ થાય !! "

એટલું બોલીને એ ચા અડધી મૂકીને, નકારમાં માથું હલાવતો હલાવતો, ચાલતો થયો . હું સુન્ન હતો, એને જતાં જોતો જ રહ્યો . એ દેખાતો બંધ ના થયો ત્યાં સુધી એના શબ્દોનાં પડઘા વાગતા રહ્યા કાનમાં : " આ દેશનું કંઈ નહિ થાય ... કંઈ નહિ થાય ... કંઈ નહિ થાય ... !! "
Vaibhav Amin

દેશભક્તિ અને ડફોળ શૂરવીરો

દેશભક્તિ અને ડફોળ શૂરવીરો



કોઈવાર એવું થાય કે ફેસબુક પર ન્યુઝ ફીડ જોતા હોઈએ , ને અચાનક એક ફોટો આંખે અથડાય . ભારતભૂમિ માટે જીવ દઈ દેનાર કોઈ પનોતા સૈનિકનો ફોટો હોય . તિરંગામાં લપેટેલી લાશ જોઇને હૃદય થોડું ભારે થાય , પણ એની બહાદુરીને મન સલામ ઠોકીને બોલતું હોય કે - "જ્યાં સુધી તમારા જેવા વીર આ ધરતી પર પાકશે , ત્યાં સુધી આ ધરા સાબૂત જ રહેશે , કોઈ પારકો વાળ પણ વાંકો નઈ કરી શકે આ દેશનો ."

પણ ફોટા સાથે લખેલા લખાણ પર નજર પડે પછી : " બોલીવૂડની હિરોઈનનો ફોટો તો ફટાક દઈને લાઈક અને શેર કરો છો . ચાલો આ ફોટાને પણ લાઈક અને શેર કરીને સાબિત કરો કે તમે ગદ્દાર / પાકિસ્તાની / દેશદ્રોહી નથી ."

આટલું વાંચીને પછી મારા મગજનો પારો થર્મોમીટર તોડીને બહાર આવી જાય . હું નામ જોઉં એ મૂકવા વાળાનું , મનમાં ૨-૩ ટનની જોખાવું અને લાઈક કર્યા વગર જ જવા દઉં . આ સાલી જબરી સ્કીમને ! ફોટો હું લાઈક કરી દઉં , એટલે તાત્કાલિક હું દેશભક્ત સાબિત થઇ જાઉં . અને ના લાઈક કરું એટલે દેશદ્રોહી ગદ્દાર ! હાક થૂ , તારી આ માનસિકતાને . સાલા એક દેશભક્તની પવિત્ર લાશ પર આવી લાઈક ઉઘરાવતાં પહેલા પણ શરમ આવવી જોઈએ . ઘેટાં છાપ બુદ્ધુઓ આટલા સસ્તામાં દેશભક્ત સાબિત થઇ જવાતું હોય એટલે લાઈકના ઢગલા ય કરી આપે , ને તારા જેવા નરાધમો એ જોઇને ખુશ થતાં હોય કે - જોયું ? આપણી પોસ્ટ પર કેટલી બધી લાઈક આવી ! ગદ્દાર તો આવી માનસિકતા વાળા તમે છો , જે એક રીતે નેશનલ બ્લેક્મેઇલિન્ગ કરીને લાઇક ભેગી કરવાનો વિકૃત આનંદ ઉઠાવો છો .

એન્ડ બાય ધ વે , મને દેશભક્ત કે ગદ્દારનું સર્ટીફીકેટ ફાડી આપવાવાળો તું કોણ ? મેં તો ' નેશનલ ડીફેન્સ એકેડમી ' ની એન્ટ્રેન્સ એક્ઝામ પણ પાસ કરેલી છે , પણ શારીરિક યોગ્યતામાં ફીટ ના થતાં ઈન્ટરવ્યું ના આપી શક્યો . ઇન્ડિયન નેવીમાં પણ ચશ્માના લીધે ' રીજેક્ટ ' લખીને ફોર્મ પાછું આવ્યું . મતલબ કે દેશના લશ્કરમાં જવાના પૂરતા અને સંનિષ્ઠ પ્રયાસ હું એક કરતાં વધું વખત કરી ચુક્યો છું . ચલ હવે તારું બોલ . શું તું આર્મીનો કમાન્ડર છે ? નથી ? તો કદાચ નેવીનો કેપ્ટન હોઈશ . એ પણ નથી ? તો એટ લિસ્ટ , ઐર ફોર્સના સપોર્ટ સ્ટાફમાં તો હોઈશ ને ? લો , એ ય નથી ? તો શું લૂમ લેવા ગામમાં દેશભક્તિના સર્ટીફીકેટ ફાડવા નીકળ્યો છે ? હવાલદાર જેટલી તો હેસિયત નથી , ને લોકોએ દેશભક્ત સાબિત થવા શું કરવું એની સલાહો આપીશ તું ? બીજી વાર હાક થૂ .

અને , ચલ લશ્કરને છોડ . કદી વેફર , ચિપ્સ કે બિસ્કીટના પેકેટ્સ ખાઈને એના પ્લાસ્ટિક રેપર્સ કચરા ટોપલીમાં ફેંક્યા છે ? કદી ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કર્યા વગર વ્યવસ્થિત રીતે , જરૂર વગર હોર્ન માર્યા વગર ગાડી ચલાવી છે ? કદી પોતાની નાતના ગુંડાને મત આપી આવ્યા વગર , જે ખરેખર લાયક છે એવા ઉમેદવારને મત આપ્યો છે ? સરકારી માલિકીની વસ્તુઓને પોતાના બાપની જાગીર સમજીને બગાડ્યા વગર એનો ઉપયોગ કર્યો છે ? પોતાના વિચાર સાથે સહમત હોય એ સમજદાર , બાકી બધા ડફોળ એવું મનમાં રાખ્યા વગર દરેકની વાત સાંભળી છે ? જો તું આ બધું નથી કરતો , તો પહેલો ગદ્દાર અને દેશદ્રોહી તો તું પોતે જ છે . તો તારા આ દેશભક્તિના સર્ટીફીકેટ તારા ઘરમાં જ રાખ . શિયાળો છે , સવારે ચૂલો સળગાવવા કામ લાગશે .

અને હા , ત્રીજી વાર હાક થૂ !!!

તલાટી - 5300 ફિક્સ

તલાટી - 5300 ફિક્સ 



આજે ગુજરાતના લાખો યુવાનો તલાટીની પરીક્ષા આપવાના છે . સૌને All the best . પણ એમાંથી ઘણાં મિત્રોને મેં એક સવાલ પૂછ્યો - " અરે ભાઈ , પાંચ વર્ષ સુધી 5300 ફિક્સ પગારમાં ઘર કેવી રીતે ચાલે ? " 

જવાબ સાંભળીને ઝટકો લાગ્યો . ( આમ તો આપણી પ્રજાને જોઈને ના લાગવો જોઈએ .. પણ , લાગ્યો ! ) મોટાભાગના મિત્રોએ મારો પ્રશ્ન વાહિયાત હોય એમ ખડખડાટ હસીને જવાબ આપ્યો કે - " અલ્યા ગાંડા .. તલાટી બની ગ્યા , તો પછી પગારની જરૂર જ ક્યાં છે ? "

લો બોલો . આ સાંભળીને હસવું કે પછી આ દેશની દયા ખાવી એ નથી સમજાતું . અને આ જવાબ કોઈ જમાનાના ખાધેલ અઠંગ રાજકારણીનો નથી , દેશનું જે ભવિષ્ય છે , જેના ઉપર દેશની આવતીકાલ કેવી હશે એનો આધાર છે એવા નવયુવાનોનો છે . અને આ જ નવયુવાનો સિસ્ટમ બદલી નાખવાની વાતો કરતાં હશે , રાજકારણીઓ દેશને કેવો અને કેટલો લૂંટે છે એની ચર્ચા કરતાં હશે , સરકારી કચેરીઓમાં જવાનું થાય તો કર્મચારીઓ મફતનો પગાર લે છે , બધા જ કામચોર છે એવો બળાપો ઠાલવતાં હશે .

અરે પૂરો હક છે તમને વિરોધ કરવાનો . દેશમાં જે ખરાબ અને ખોટું થઈ રહ્યું હોય એનો જોરશોરથી વિરોધ કરવો જ કરવો . પણ , જ્યારે આપણે ખુદ એ સિસ્ટમનો એક ભાગ બનવા જઈ રહ્યા હોય ત્યારે આપણી ફરજ અને જવાબદારી બને છે કે આપણે સિસ્ટમના એ સડાને આગળ ના વધારીએ . બધાં લાંચ લે જ છે , આખી દુનિયા એવું કરે છે , મારા એકલાથી શું ફરક પડી જવાનો છે એવી ખોખલી દલીલો કરવી નહિ . કેમ કે તમે જ્યારે રિસીવિંગ એન્ડ પર હતા ત્યારે આ જ સિસ્ટમના દરેક ખાઈબદેલા અને જનતાને ફોલી ખાનારા દરેકને તમે મનભરીને ટન ટનની જોખાવી જ છે . એટલે જ્યારે હવે તમે serving end પર હો ત્યારે તમારે તમારી ભૂતકાળની હાલાકી અને અમલદારો-કર્મચારીઓની તુમાખી પર તમે ઠાલવેલ બળાપો યાદ કરીને એ પ્રતિજ્ઞા લેવાની છે કે - હું તો આવું નહિ જ કરું . મારી ફરજને , મારા દેશબંધુઓને અને મારા દેશ પ્રત્યેના કર્તવ્યને હમેશા વફાદાર રહીશ . " સુપર પાવર ઈન્ડિયા" નું જે સ્વપ્ન અમે યુવાનોએ સાથે મળીને જોયું છે એના મહાયજ્ઞમાં હું મારી પ્રામાણિકતાની નાની આહુતિ આપતો રહીશ . ભલે કોઈ જુએ-ના જુએ , ગણે-ના ગણે , પ્રશંસા કરે કે વિરોધ કરે , વેદિયો કહે . અને આવું હું દેશભક્તિના સર્ટિફિકેટ માટે નહિ , પણ જે સિસ્ટમનો શિકાર હું બનતો રહ્યો છું , એ શિકાર મારા બીજા દેશવાસીઓ ના બને એટલા માટે કરીશ ! "

યુવાનો , તમે તૈયાર છો ભારતને સુપર પાવર બનાવવા ? શું સપનું જોયું છે કદી સ્વસ્થ સ્વચ્છ સુંદર ભારતનું ? તો બસ , એ ના પૂછો કે લોકોએ શું કર્યું , એ ના જુઓ કે બીજા શું કરે છે . તમે પોતાનું વિચારો , સ્વાર્થી બનો - દેશ માટે . બીજા બધાં ગ્યા તેલ લેવા , હું તો મારુ કામ પ્રમાણિકતાથી જ કરીશ . હા , આના માટે જિગર જોઈએ , જુસ્સો જોઈએ , દેશ માટે દિવાનગી જોઈએ . બહુ જ હિમ્મતનું કામ છે , એટલે તો જેટલા બહાદુર છે , ટક્કર લઈ શકે એવા બહાદુર લોકો એમના માટે જ આ પોસ્ટ છે . કાયરોએ બધાં કરે છે એટ્લે હું કરું છું એવી બાયલાછાપ દલીલો કરતાં રહેવું .

જય હિન્દ ! જય ભારત ! 

તો આવ - POEM



મનગમતી દુનિયા બનાવી છે મેં મારી ,
તારાથી ય ખુદાને ના છેતરાય તો આવ ;

છું ખુલ્લો ખુદા સામે , તો લોકની શું શરમ ,
ઘમંડને કદ પ્રમાણે વેતરાય તો આવ .

ધૂણી અલખની ધખાવી છે મેં તો , 
ફકીરીમાં મન તારું ય જોતરાય તો આવ ;

આ બુલંદ ઇમારત મેં જાતે ચણી છે ,
એમાં સપનાનું વન તારું ય કોતરાય તો આવ .

બેફિકરીનો કસુંબો એવો ઘોળ્યો છે મેં તો ,
ખુદની ધૂનમાં જ મગન રહેવાય તો આવ ;

જાતના ખોવાયાની શોધ મેં છે આદરી ,
રૂંવે રૂંવે લાગશે અગન, સહેવાય તો આવ .

વર્ષોથી જગાડું છું , તો ય હજુ લથડે છે ,
તારો ય અંતરાત્મા હવે જાગે તો આવ ;

અરીસાની સામે જ તાકયાં છે તીર મેં ,
આરપાર વીંધાઈને તને વાગે તો આવ .

- વૈભવ અમીન

THE ROAD TO NOWHERE

વિકાસગાથા



એ એના ખેતર સામે તાકી રહ્યો હતો, સવાર સવારમાં. એની લાચાર નજરોમાં વંચાતું હતું કે જો પાકને પાણી નહિ મળે થોડા દિવસોમાં, તો સમજો કે બધો પાક નિષ્ફળ. ગામ તો એના ઘર અને ખેતરથી કંઇક ૨-૩ કિલોમીટર જેવું દૂર હતું , અને એનો કૂવો પણ મરમ્મતના અભાવે બંધ પડ્યો હતો . ૧૫-૨૦ હજાર સહેજે જોઈએ ચાલુ કરવા માટે. આ વખતે વરસાદ પણ જોઈએ એવો પડ્યો નહિ.

આ વિચારીને એ એના નસીબને કોસતો હતો , ત્યાં જ ધૂળ ઊડાડતો ત્રણ-ચાર ગાડીઓનો કાફલો આવીને ઊભો રહ્યો. સરકારી સાહેબો જેવા લાગતા ચાર-પાંચ લોકો, ને ૧૦-૧૫ કારીગરો. એકના હાથમાં કંઇક કાગળો હતા, સીધો લઇને એના પાસે જ આવીને નામ-ઠામ પૂછીને પાછો એક ઊપરી જેવા લાગતા સાહેબ પાસે જઈને- " હા, આ જ છે. અહિં જ બનાવવાનો છે." એવું બોલ્યો.

થોડી જ વારમાં બધા કારીગરો મેજરટેપ અને બીજાં સાધનો લઇને મંડી પડ્યા, એક માણસ નકશો લઈને આવી ગયો. એમની વાતો પરથી ખબર પડી કે એના ઘરને ગામના મુખ્ય રસ્તા સાથે જોડતો રોડ બની રહ્યો હતો. "આદિજાતિ કલ્યાણ યોજના" હેઠળ સરકારે રોડ બનાવવા કરોડોની ગ્રાન્ટ મંજૂર કરેલી, એમાં ટાર્ગેટ પૂરો ના થતાં એકાદ કરોડ રૂપિયા આ રોડ માટે પણ ફાળવી દીધા. જિલ્લામાં સારી એવી વસ્તી અને નહિવત વિકાસ ધરાવતી આદિવાસીઓની એક કોમ હતી,જેમાંથી આ ગામમાં તો એનું એકલાનું જ ઘર હતું.

અચાનક એના મનમાં ઝબકારો થયો. રોડ બનાવવાની શું જરૂર હતી ? કાચો રસ્તો તો છે જ. સરકાર ખોટા પૈસા બગાડે છે. એના કરતાં કૂવો ઠીક કરી આપે તો કેવું ? પહોંચી ગ્યો પેલા સાહેબ પાસે . બે હાથ જોડીને કાકલૂદીના સ્વરે બોલ્યો- " માઈ-બાપ. મારઅ આ રોડની કૉય જરૂર નહિ. ઈના કરતોં મારા આ સેતરમોં ટેપુંય પૉણી નહિ . તાણઅ સાયેબ , સરકારમોં અરજી કરીન જો આ રોડની બદલઅ થોરા પૈસા મલી જોય, તો મોટી મેરબૉની તમારી. મું મારો કૂવો હમો કરાય લે. મારો પાચ બચી જહે, અનઅ થોરું દેવું ઓસું થહે. મારઅ ઈની વધાર જરૂર સ , હમજો... "

પેલા સાહેબ કંઈક બોલ્યા અંગ્રેજીમાં . એક કારીગર આગળ આવ્યો, અને એને હડસેલો માર્યો - " તારે શેની જરૂર છે અને શેની નથી એ બધું અમારા સાહેબને ખબર છે. એક ચોપડી તો ભણ્યો નથી, અને તું અમારા લંડનમાં ભણેલા સાહેબને સમજાવીશ ? પાડ માન સાહેબનો કે તને રોડ બનાવી આપે છે. "

એ કંઇ ના બોલ્યો. એક બાજુ ઊભો રહી ગયો. આંખોમાં ઝળઝળિયાં સાથે કારીગરોની ધમાલ જોતો રહ્યો. કંઇક સૂચના આપીને પેલા સાહેબ જતા રહ્યા. બીજા દિવસથી કામ પણ ચાલુ. દસ દિવસમાં તો રોડ બની ગયો. ચકચકાટ. એન્જીનિયરો અને કારીગરોએ રોડ આગળ ઊભા રહીને ફોટા ય પડાવ્યા.પણ કોઇ પૂછવા ય ના આવ્યું કે એને રોડ કેવો લાગ્યો. કામ પતાવીને બધી પલટન રવાના થઈ ગઈ.

બીજા વર્ષનો જાન્યુઆરી આવી ગયો. ગયા વર્ષે સરકારે કરેલાં વિકાસનાં કામોની " વિકાસગાથા " પ્રગટ થઈ. મફતમાં બધે વહેંચાઇ, ખૂબ પબ્લિસિટી થઈ. એમાં ચાર પાનાં ભરીને કેવી રીતે સરકારે છેક છેવાડાનાં એક આદિવાસીના વિકાસ માટે રોડ બનાવી આપ્યો એનો રિપોર્ટ હતો. સાથે એમની ટીમના ફોટો પણ હતા. હા, રિપોર્ટમાં ક્યાંય ઊલ્લેખ નહોતો કે - એ દરેક સાહેબનાં ઘરે સરસ મજાનું ફર્નિચર આવી ગયું કે કારીગરોના ઘરોને ચકાચક પ્લાસ્ટિક પેઇન્ટ થઈ ગયું.  એ બધું પણ એ રોડની જ દેન હતી.પણ રિપોર્ટમાં તો આવું ના જ લખાયને ?

બીજો પણ એક ઊલ્લેખ નહોતો રિપોર્ટમાં--- કે એ રોડ હવે કોઈ ઊપયોગમાં નથી લેતું . કેમ કે બે જ મહિના પછી પાક નિષ્ફળ જતાં દેવામાં ડૂબેલા એ ગમાર આદિવાસીએ આત્મહત્યા કરી લીધેલી. અને લેણદારોના ત્રાસથી એની પત્ની અને બે બાળકોએ પણ કૂવામાં ઝંપલાવી દીધું . હા, એ જ પેલા કૂવામાં, જેની મરમ્મત કરાવવા માટે એમની પાસે પૈસા ન્હોતા.


જે હોય એ, સરકારને તો બહુ પ્રશંસા મળી . એણે તો છેક છેવાડાનાં માણસનું પણ કેટલું બધું ધ્યાન રાખ્યું હતું ! માણસને વધારે શાની જરૂર છે એની ખબર તો સરકાર અને અમલદારોને જ પડે ને ! પણ આ બધું પેલા એક્કેય ચોપડી ના ભણેલાં ગમારને કોણ સમજાવે ! 

કોઇક દિવસ આવું ય થાય...!!

કોઇક દિવસ આવું ય થાય...!!



જાનની લકઝરીમાંથી ઊતર્યા . તરસ લાગી હતી જોરદાર , અમને બંનેને- મને અને યશને. ઊતારો હતો ત્યાં વરરાજા માટે ઘોડો તૈયાર જ હતો. ત્યાંથી લગનની ચોરી સુધી જવા માટે ડીજેની વ્યવસ્થા હતી. જાનૈયા જોડાઇ ગયા નાચવામાં . પણ અમને તો તરસ લાગેલી , એટલે નજર ફેરવી પાણીનું કાઉન્ટર શોધવા . થોડેક જ દૂર જમણવારનો મંડપ હતો. સીધા જ મંડપની પાછળ પાણી હતું ત્યાં જઇને પાણી પીધું.
સરસ મજાની રસોઇની સુગંધ આવતી હતી, એટલે અચાનક ભૂખ લાગી ગઈ. લોકો ભલે નાચે, આપણે તો પહેલાં પેટપૂજા. અમારા જેવા બીજા ચાર-પાંચ પેટપૂજારીઓને બોલાવ્યા, ને બૅક સાઇડથી એન્ટ્રી મારી. ડીશ લઇને ઝાપટવાનું ચાલુ કરી જ દીધું . અડધું પત્યું પછી યાદ આવ્યું કે સુપ પીવાનો તો રહી જ ગયો. જઈને સુપ પી આવ્યા . ઓહ , ચાઇનીઝ પણ છે. પિત્ઝા પણ છે. મઝા આવી ગઈ . પણ સાલુ હજુ જાનૈયામાંથી કોઇ જમવા કેમ ના આવ્યું ? બહુ નાચ્યા આ લોકો. નાચવા દો. આપણે તો પહેલાં જમવું, ને પછી ભમવું .

જમવાનું લગભગ પૂરૂ થવા આવ્યું . એટલામાં જમણવારમાં હલચલ શરૂ થઇ. લો, કન્યા જમવા આવી . જોઈ તો લઇએ ભાભી કેવાં છે ! પાછળ જ વરરાજા પણ આવ્યાં . મેં અને યશે વરરાજાને જોયા, પછી એકબીજા સામે જોયું. કંઈ જ બોલ્યા વગર અમે બહાર જઈને ડીશ મૂકી, પાણી પીધું અને મંડપના મેઇન ગેટ આગળ આવ્યા . લગનનું પોસ્ટર જોયું - મેહુલ વેડ્સ દર્શના...

 ઓત્તારી !! આ મેહુલ કોણ છે ?? અમે તો ડૉક્ટર રોહિતની જાનમાં આવ્યા હતા. થોડે દૂર નજર પડી. ત્યાં બીજો એક મંડપ હતો . ઓહ્હ.. હવે ખબર પડી કે જમવામાં અમારા જાનૈયા કેમ નહોતા દેખાતા . એ તો બધા અહીં હતા. અમારે જમવામાં રોંગ નંબર લાગી ગયો !!! ખોટી જગ્યા એ જમી આવેલા અમે. પણ હવે શું ? કોઇને કંઈ કીધા વગર મનમાં ને મનમાં મલકાતા મલકાતા ભળી ગ્યા બધાની સાથે.


આજે તો ૬ ઈડિયટ્સ બાકાયદા ઇજ્જતથી બીજે જમી આવ્યા, ને કોઇ વાઇરસને ખબર પણ ના પડી. કોઈએ પૂછ્યું ય નઈ કે- ચાંલ્લો કોણ તમારો કાકો કરશે ?? હરિ હરિ !!! 

View-point : part 2

દ્રષ્ટિકોણ પાર્ટ 2

લગભગ ચારેક વર્ષ પહેલાં મારી પાસે યો-બાઈક હતી ત્યારની વાત છે . એક દિવસ સવાર સવારમાં બસ-સ્ટૅન્ડ બાજુ જવાનું થયું . ગાડી બહાર કાઢીને સાફ કરી અને લઈને નીકળ્યો .

થોડે જ આગળ ગયો હોઇશ , અને એક બાઇક આવી સામેથી . બાઈકની હેડ્લાઈટ ચાલુ જોઈને હું ડિલાઈટેડ થઈ ગયો . મને આ એક બહુ સારી ( એટલે કે ખરાબ ) આદત છે કે જેવી કોઈની હેડલાઈટ ચાલુ જોઉં, એટલે ખુશ થઈને જમણા હાથને ઊંચો કરીને પાંચ આંગળા ખુલ્લા કરીને કાંડુ બન્ને બાજુ 30-30 ડિગ્રી ફેરવીને ઈશારો કરું કે લાઈટ ચાલુ છે . એ ભાઈને પણ મેં એમ જ કર્યું , માથું હકારમાં નમાવી લાઇટ બંધ કરીને સ્માઈલ આપીને એ નીકળી ગયા. મફતમાં જ આપવાની હતી એટલે મેં પણ સ્માઈલ આપી .

થોડે આગળ જતાં બીજી એક બાઈક આવી સામેથી , આમની ય હેડલાઈટ ઓન હતી . આ લોકો સવારમાં ઊઠીને એમનેમ હાલી જ નીકળતા હશે ? જોવું તો પડે ને , ખોટી શું કામ બત્તી બગાડવી ? આવું વિચારતાં ફરી હાથ ઊંચો કરીને મેં ઇશારો કર્યો , પણ મારી સામે જોયા છતાં જાણે મારું અસ્તિત્વ જ ના હોય એમ ગણકાર્યા વગર એ નીકળી ગયા . હું મનમાં જ બોલ્યો - " ભાઈની સવારની ચામાં કોઈકે દિવેલ નાખી દીધું લાગે છે , ફાયદાની વાતમાં ય રસ નથી . ગુજરાતનું નામ બોળ્યું. " અને હું આગળ વધ્યો .

જરાક જ આગળ જતાં ફરી એક બાઇકસવાર મળ્યો જેની ગાડીની હેડલાઈટ ઓન હતી . લાસ્ટ ટાઈમ થયેલું અવગણનાનું અપમાન હું ભૂલી ગયો . એમ કાંઈ ફરજથી થોડું ચૂકાય ? રસ્તો ભૂલેલા મુસાફિરને સાચા રસ્તાનું જ્ઞાન કરાવવું એ તો આપણી ફરજ છે એમ સમજી મેં ફરી હાથ ઊંચો કરીને ઈશારો કર્યો . પેલા ભાઇએ એકદમ વિચિત્ર લૂક આપ્યો , પોતાની હેડલાઈટ બંધ કરી અને કટાક્ષમાં હસતો હોય એમ ભેદી સ્મિત આપીને જતો રહ્યો .

હવે લગભગ હું પહોંચવા આવ્યો . એટલામાં સામેથી સાઈકલ પર રમરમાટ એક નાનો છોકરો આવતો હતો . મારી થોડે નજીક આવીને એણે સાઈકલ ધીમી કરી , હાથ ઊંચો કર્યો અને 30-30 ડિગ્રીએ ઘૂમાવ્યો . તરત મારી નજર ગાડીના ઇંડિકેટર કંટ્રોલ બાર પર ગઈ . અને , ઓત્ત્તારી .... મારી ગાડીની જ હેડલાઈટ ઓન હતી !! હું ક્યારનો લોકોને બતાવતો હતો , પણ એક નાનું છોકરું મને આંગળી ( સોરી, આંગળા ) કરી ગયો . હવે પેલા ભાઈના ભેદી સ્મિતનું રહસ્ય સમજ્યો .

ત્યારથી લઈને આજસુધી જ્યારે બીજાની હેડલાઈટ ઓન દેખાય એટલે મારી નજર પહેલાં મારી ગાડીની ઈંડિકેટર કંટ્રોલ-પેનલ પર જ જાય . છોકરો એટલો તો સુધર્યો ખરો !
*** ***

આ વાત આપણને બધાંને લાગુ પડે છે , બધી જગ્યાએ . બીજા કોઈની નાનકડી ભૂલમાં ય ફટ્ટ દઈને આંગળી કરવાનું ના ભૂલતા આપણે પોતે પોતાની વાત આવે ત્યારે ગમે એટલી પોલમપોલ ચલાવી લઈએ છીએ . બીજા કોઈની ભૂલોને ગાઈ-વગાડીને દુનિયાને બતાવતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આ જ રીતે આપણી કોઈ ખામી સરાજાહેર બતાવવામાં આવે ત્યારે આપણને ય બહુ વસમું પડે છે !



ચાલો એક હાથવગો મુદ્દો જ લઈએ . રેસિઝમ . જન્મની જાતિ , પ્રદેશ કે ભાષાના આધારે ભેદભાવ . આપણે અંગ્રેજો-અમેરિકનો કે યુરોપિયંસને કાળા-ધોળાના ભેદભાવ માટે ડફણાં મારશું , વિશ્વબંધુત્વની દુહાઈઓ દઈશું , અમે અશ્વેત છીએ એટલે અમને તમારાથી નીચા ના ગણવા એવી સલાહો દઈશું . અને પછી ઔકાત પર આવી જઈશું - કોઈ નોર્થ-ઈસ્ટ ( આસામ, અરુણાચલ વગેરે) નો ભારતીય દેખાય એટલે - " ચીના / ચાઈનીઝ જેવો લાગે છે " એવું કહીશું , અને જાણે એ કોઇ અલગ પ્રજાતિનું પ્રાણી ભૂલું પડ્યું હોય એમ ટીકી-ટીકીને જોઇ રહેશું . " We are also Indians " એવું એમણે કહેવું પડે , યાદ કરાવતાં રહેવું પડે એ જ શરમની વાત નથી ?

પછી આવશે હિંદુ-સંસ્ક્રૃતિના બની બેઠેલા રખેવાળો . 5-5 મીટર ઊંચા કૂદકા મારીને કહેશે કે - " મુસ્લિમો પોતાને ભારતિય માનતા નથી , એમણે બધાએ આ દેશ છોડીને પાકિસ્તાન જતા રહેવું જોઇએ ! " અરે ભાઈ , આ દેશની જમીન તારા બાપાએ સરકારને 99 વરસના ભાડા-પટ્ટે આપેલી ? તું નક્કી કરીશ કે અહિં કોણ રહેશે અને કોણ નહિં રહે ?? ભાઈ તને કમળો થયો હોય તો ઈલાજ કરાવ , બાકી મને હજુય યાદ છે કે ભારત 20-20 World-Cup & World-Cup 2011 જીતેલું ત્યારે સૌથી પહેલાં અને સૌથી વધારે ફટાકડા મારા ઘરની સામેના કસ્બામાં ફુટેલા . તારી પાસે દેશભક્તિ માપવાનું કોઈ મીટર છે ? નથી ને ? તો આ સંસ્કૃતિ બચાવવાના નામે જે ઝાડા કરે છે એ બંધ કર , પ્લીઝ ! હિંદુ સંસ્કૃતિને તારા જેવા ફેનેટિક્સથી વધારે ખતરો છે !

અને પછી , આપણે બધા ... પ્રદેશપ્રેમી પ્રજા . ગુજરાતીઓ તો ખાલી ખમણ ને ઢોકળાંમાં જ સમજે . ખીખીખી . સાઉથ ઇંડિયંસ તો કેવી પ્રજા ? ગંધાતા રહે અને બોલે એટલે - યેન્ન્કુડમ વેલ્લ્કુલમ ઇલ્લે ઇલ્લે . ખીખીખી . પંજાબીઓ તો આમ , બંગાળીઓ તો તેમ . ખીખીખી . લો જુઓ, આ રહી આપણી વિશ્વબંધુત્વની ભાવના ! જે લોકો પોતાના દેશવાસીઓને એમની જીવનશૈલીના તફાવતને લીધે આદરથી નથી સ્વીકારી શકતા , એ આપણે આખી દુનિયાને મફ્ફતની સલાહો છૂટ્ટી મારીએ છીએ !

આવું તો ઘણું જોવા મળશે , મેં તો ખાલી હાઈલાઈટ્સ જ આપી છે ! પણ દુનિયાને સુધારવાનો રસ્તો આપણા ઘરથી જ શરુ થાય છે એવું નથી લાગતું તમને ??



Wednesday, 26 February 2014

GANDHI NEHRU FAMILY, SHAKESPEARE AND ROCKET-SCIENCE




ગાંધી-નહેરૂ પરિવાર , શેક્સપિઅર અને રૉકેટ સાયન્સ

કન્ફ્યુઝ થઈ ગ્યા ભાઈ ? કે આપણા આ લોકતાંત્રિક રાજવી પરિવારને મહાન નાટ્યકાર સાથે અને રૉકેટ સાયન્સ સાથે શું લેવા-દેવા હોય ? બતાતા હુ, બતાતા હુ... શાંતિ તો રાખો.

એ પહેલાં એક બીજી વાત કહી દઉં ... આપણી ગુજરાત સરકારના કેટલાક અવોર્ડ્સના નામ છે -
વિજ્ઞાન - વિક્રમ સારાભાઈ અવોર્ડ
શિક્ષણ - મગનભાઈ દેસાઈ અવોર્ડ
લોકકલા - ઝવેરચંદ મેઘાણી અવોર્ડ
રમતગમત - અંબુભાઈ પુરાણી અવોર્ડ
લલિતકલા - રવિશંકર રાવળ અવોર્ડ
સાહિત્ય - નરસિંહ મહેતા અવોર્ડ

વાંચી લીધા ને ? ના વાંચ્યા હોય તો એકવાર વાંચી લો, પ્લીઝ. હં... ચલો હવે શેક્સપિઅરને ફરી યાદ કરી લઈએ . શેક્સપિઅર સાહેબનું સૌથી ફેમસ ક્વૉટ કયું ? આમાં કાંઈ રૉકેટ સાયન્સ નથી. સિમ્પલ છે - WHAT IS THERE IN A NAME ? ( नाम में क्या रक्खा है ! ) યાદ આવી ગયું ને ? સરસ... ચલો હવે બતાવું કે આનો જવાબ આપણા લાડકા નહેરૂ-ગાંધી પરિવારે કેવી રીતે આપ્યો !

ટીવીમાં આવતી એક નવી જાહેરાત તો જોઈ જ હશે , નામ છે - રાજીવ ગાંધી આવાસ યોજના. વેઈટ.. આના પહેલાની એક યોજનાનું નામ હતું - ઈંદીરા ગાંધી આવાસ યોજના. શું આ બંને ભારતના કોઈ વર્લ્ડ-ફેમસ આર્કિટેક્ટ્સ છે ? આપણા એક રમતગમતના અવોર્ડનું નામ - રાજીવ ગાંધી ખેલરત્ન અવોર્ડ. શું રાજીવ ભારતના કોઈ વર્લ્ડક્લાસ એથ્લિટ હતા ?? બે વિમા યોજનાઓ- ૧. રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના અને ૨. રાજીવ ગાંધી શિલ્પી સ્વાસ્થ્ય યોજના... શું રાજીવ ગાંધી L.I.C. ના પહેલા કરોડપતિ વિમા-એજન્ટ હતા ? Again , IT'S NO ROCKET SCIENCE . એ આમાંથી કંઈ જ ન્હોતા. રાઈટ ?

કેન્દ્રની સ્કૉલરશીપની એક યોજના છે - RAJIV GANDHI National Fellowship Scheme for SCHEDULED CASTE AND SCHEDULED TRIBES . અલ્યા આમાં રાજીવ ગાંધી ક્યાંથી આવ્યા ભાઈ ? જ્યોતિબા ફૂલે, ડૉ. આંબેડકર અને પેરિયાર જેવા લોકોએ પછાત અને વંચિતોના અધિકારો માટે પોતાની આખી જિંદગી ઘસી નાંખી અને તમે યોજનાને નામ રાજીવનું આપી દીધું ? કાલ ઊઠીને તમે તો પછાતો માટેની કોઈ યોજનાનું નામ રાહુલ ગાંધી પરથી રાખી દેશો ...કેમ કે એ તો દલિતોના ઘેર જઈને રોટલા ય ખાઈ આવ્યો છે. નો રૉકેટ સાયન્સ , હેં ને ?

તમને લાગતું હોય કે એમાં શું થઈ ગયું , અમુક યોજના કે સંસ્થાઓના નામ હોય પણ ખરા , એમાં બૂમાબૂમ કરવાની ક્યાં આવે છે - તો શાંતિ રાખો અને નીચેની માહિતી વાંચો. તમારે જાણવું છે ટોટલ કેટલી યોજનાઓ, સંસ્થાઓ, રોડ-જગ્યાઓની પાછળ આ ૩ વ્યક્તિઓના નામ છે ? ટોટલ ૪૫૦... ફરી વાંચી લો... કેટલી ? ચારસો ને પચાસ... કોના નામ પાછળ ? રાજીવ, નહેરૂ અને ઈંદીરા... જેનું વર્ગીકરણ આ રીતે થાય - (અગેઈન, નો રોકેટ સાયન્સ , હોં ! સોનિયાબેનના સોગન !! )

Central government programmes and projects - 12
State govt programmes - 52
Universities and Educational institutes - 98
Ports and Airports - 6
Award, scholarship and Fellowships - 66
Sports tournaments, trophies, stadium- 47
National Park and Sanctuaries - 15
Hospitals and Medical institutions -39
National scientific and research institutes- 37
Roads, buildings and places - 74 વગેરે વગેરે...

અબ ઝટકા લગા, બંધુ ? શું આ બધા પાછળ ખર્ચાતા અબજો રૂપિયા આ લોકો એમના ઘરની તિજોરીમાંથી આપે છે ? શું ભારત દેશની સંપતિ એમના બાપની જાગીર છે ? આ તો વ્યવસ્થિત રીતે ચાલતું એક મહાષડયંત્ર છે ! સામાન્ય માણસને સ્પર્શતી હોય એવી દરેક યોજનાનું નામ આ ત્રણના નામ પરથી જ છે - ગર્ભાવસ્થા, શિશુ ઉછેર , શિક્ષણ, ફૂડ , રોજગારી, બેરોજગારી , લગ્ન, ગરીબી. અપંગતા , પીવાનું પાણી, વીજળી - તમે ખાલી નામ આપો ને એ એમના નામની યોજના સાથે હાજર થઈ જશે. અત્યાર સુધી IIM પોતે બ્રાન્ડ હતી. હવે નવી IIM નું નામ છે - Rajiv Gandhi Indian Institute of Management , Shilong. વેલકમ ટુ બ્રાન્ડ રાજીવ એન્ડ ફૅમિલી.

આને હવે શું કહેવું ? આ પરિવારભક્તિ નથી ? શું આપણને આઝાદી આ ૩ એ અપાવેલી ? તો ગાંધીજી, સુભાષ, સરદાર , ભગતસિંહ, સાવરકર , તિલક ને બીજા બધા માંખો મારતા હતા ?? એમના નામ સાંભળ્યા તમે કોઈ દિવસ કેન્દ્રની કોઈ પણ યોજનાઓમાં ? કેમ આવું ? ભારતમાં જે થાય અને થયું એ બધું નહેરૂ, ઈંદિરા અને રાજીવે જ કર્યું ? બાકી બધા તો મંજીરા જ વગાડે છે એવું તમે માનો છો ?? ( આ લોકો તો માને જ છે !)

હે ભોળા ભટાક મૂરખના પેટના ભારતીય નાગરિક, તું આ બધું જુએ છે ને ? જુએ છે તો સમજે છે કે નહિ ? આપણે લોકશાહી દેશ છીએ એવું ભણ્યો હતો સમાજવિધ્યામાં ? તો આ રાજાઓ ક્યાંથી ફૂટી નીકળ્યા એ ના વિચાર્યું તેં ? મહેનત તું કરે, કાળી મજૂરી તું કરે, સરકારને પૈસા તું આપે, તારા જ એ પૈસાની નવી યોજનાઓ બહાર પડે - ને એમાં નામ આવે ૩ --- નહેરૂ, ઈંદિરા અને રાજીવ ફલાણું ઢીંકણું યોજના . તેં કોઈ દિવસ પૂછ્યું નહિ કે આવું કેમ ? ખબર ન્હોતી ? લે, હવે તો ખબર પડીને ? શું કરીશ હવે ? હું કહું

ઈટ્સ અગેઈન , નો રૉકેટ સાયન્સ...!! ચલ, આજથી તું ય ગાંધી-પ્રતિજ્ઞા લે - " કાગડાં કૂતરાંના વંશજો ભલે ચૂંટાઈ આવતા, પણ પંજા આગળ તો અંગૂઠો નહિ જ મારું, નહિ જ મારું, નહિ જ મારું . નહિ તો પછી... હો રહા ભારત નિર્માણ !!!




Tuesday, 25 February 2014

DIVDO - A POEM

દીવડો




ચાલ એક દીવડો પેટાવીએ ,
નવા આ વર્ષમાં કો'કનો શું આશરો,
ખુદ ઝઝુમીને ખુદાને ઝમીર બતાવીએ ,
ચાલ એક દીવડો પેટાવીએ .

પારકી આશમાં નીકળ્યાં છે વર્ષો,
હજુ સમયની બરબાદી કાં કરશો,
મહેનતનાં ચલણી સિક્કા વટાવીએ,
ચાલ એક દીવડો પેટાવીએ .

મારો-કાપોમાં આયખું આ વીત્યું,
કોણ શું હાર્યું, ને કોણ શું જીત્યું.
બસ હવે થોડી માનવતા જતાવીએ,
ચાલ એક દીવડો પેટાવીએ .

પ્રેમે પાંગરવા માંગી ક્યાં મંજૂરી ,
ગામથી ડરવાની એવી શું મજબૂરી ?
ઝાઝી આ નફરતના કિસ્સા પતાવીએ,
ચાલ એક દીવડો પેટાવીએ .

મનને મારીને જિંદગી વિતાવી, હવે વધી ચાર રાતો,
માન-અપમાન, કેવાં લોક, ને કેવી એમની આ વાતો.
ના ના, હવે દિલને વધુ ના સતાવીએ,
ચાલને એક દીવડો પેટાવીએ !

- વૈભવ અમીન

NO TO RESERVATION , YES TO EQUALITY

અનામતની અકળામણ




અનામત ... ના હોવી જોઇએ ... 1001 % ના જ હોવી જોઇએ . આ દેશનાં જો ટુકડા કરવા માટે સૌથી મોટું કોઇ કારણ હોય તો એ આ અનામત જ છે . સમ્પૂર્ણ સહમત . પણ અનામતને નાબૂદ કરતાં પહેલાં બીજું પણ કેટ્લુંક નાબૂદ કરવું પડશે આપણે.

1 - શાળામાં તો આપણે બધાં ભણ્યા જ છીએ. એના રજિસ્ટરમાં જ્ઞાતિ પછી પેટાજ્ઞાતિ એવી કોલમ હોય છે , એને કેન્સલ કરો પહેલાં . મારો અંગત અભિપ્રાય છે કે ઘણાંબધા ભેદભાવયુક્ત વ્યવહારો આ રજિસ્ટર્સથી શરૂ થાય છે. સરકારને એની ઘણી યોજનાઓનો લાભ વંચિતોને મળે એટલે આ બધું જાણવું જરૂરી છે - એવી બધી દલીલો સાથે સંમત, પણ એનાં ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે થાય છે . બોલો , આપણે કરશું આ કૅન્સલ ?

૨ - કોઇ અજાણ્યું માણસ ઘરે આવે ( આપણા કોઇ મિત્રનો દોસ્ત, આપણા પુત્ર કે પુત્રીનો/ની મિત્ર કે કોઇપણ ) , ત્યારે એને બીજો જ પ્રશ્ન કરીએ કે - " તમે નાતે કેવા ?? " ચાલો, આજથી જ આ બંધ કરી દો . અલ્યા એ ABCD કે XYZ કોઇપણ નાતનો હોય, શું ફરક પડે છે ? અને પેલો/પેલી જવાબ આપે એટલે મનમાં ને મનમાં આપણે ઊંચનીચની સરખામણી કરી જ લેતાં હોઇએ છીએ . આ સડો છે , માનસિક સડો. જો અનામત એ દેશને લાગેલું કૅન્સર હોય , તો આ આપણું માનસિક કૅન્સર છે, જેને સમાનતાની મોટી મોટી ગુલબાંગો હાંક્યા પછી ય આપણે મિટાવી નથી જ શક્યા . બોલો , કરશું આ બંધ ??

૩ - અમુકવાર અમુક લોકોને નામ પૂછીને સંતોષ ના થાય , એટલે પૂછી લે - " અને આપની સરનેમ શું ? " જ્યારે કોઇ ડોક્યુમેન્ટેશન કે એવાં કોઇ જરૂરી કામ માટે પૂછાય તો તરત જવાબ આપી દઇએ. પણ જ્યારે પૂછનારનો આશય ખબર હોય ત્યારે ઈચ્છા થાય કે મિડલ ફિંગર બતાવું... એટલે જ નિમ્ન વર્ગનાં ગણાતાં લોકોને મારી વિનંતી છે કે તમારા સંતાનોની અટક ઊચ્ચ વર્ગનાં ગણાતાં લોકોની હોય એવી જ રાખો. હા, એનાથી તમે આપોઆપ ઊચ્ચ વર્ગમાં નહિ જ આવી જાઓ . કેમ કે એ માટે તો તનતોડ મહેનત જ કરવાની હોય, સફેદો મારી દેવાથી કાગડો હંસ ના થાય . પણ આવું કરવાથી જે લોકો હજુ ય માનસિક કૅન્સરથી વધુ પડતાં પીડિત છે એવાં લોકોની કનડગતથી બચીને રહેશો .

તો હા, શું આપણે જરૂર વગર સરનેમ પૂછવાની બંધ કરશું ?

૪ - ભારતીય સમાજો હવે સુધર્યાં છે, લવમેરેજ પ્રત્યે મા-બાપની સૂગ ઘટી છે . ક્યારેક તો મા-બાપ સામેથી જ સંતાનને છૂટ આપતાં હોય કે તને ગમે એ લાવજે ઘેર. BUT WAIT... સાથે એક શરત પણ હોય કે - " આપણી જ નાતનું હોવું જોઈએ . ઊંચી નાતનું હોય, તો વાંધો નથી હજુ. પણ નીચી નાતનું તો નહિ જ નહિ ! " વાહ રે વાહ ... કારણ શું ? એક તો પોતાનો માનસિક સડો. અને અમુક કેસમાં સમાજ અને લોકો શું કહેશે એનો ડર !

તો બોલો, ABCD પછાત/દલિત/આદિવાસી કોમની કોઈ છોકરીને તમારી પુત્રવધુ/પત્ની બનાવવા અથવા તમારી લાડકવાયી પુત્રીને XYZ નીચી કોમના કોઈ સંસ્કારી છોકરા સાથે પરણાવવાની તમારી પોતાની માનસિક તૈયારી છે ખરી ?? અને એવું કરનાર કોઈને મ્હેણાંટોણાં નહિ મારવા જેટલો સમાનતાનો ભાવ તમારા સમાજમાં છે ?? જો હોય, તો અનામત કાલથી જ કૅન્સલ !

૫ - જો તમે કહેવાતાં ઊચ્ચ વર્ણનાં છો , અને તમારી પડોશમાં નીચી કહેવાતી કોમનો કોઈ પરમેનન્ટ રહેવા આવે તો તમને અણગમો થશે ? દિલ પર હાથ રાખીને પોતાની જાતને જ જવાબ દેજો . જાણવું જરૂરી છે , કેમ કે અમારા ઈડરમાં ઊચ્ચ વર્ગનાં લોકોની કોઈ સોસાયટીમાં એકાદ પણ જો નિમ્ન વર્ગનો કોઈ વ્યક્તિ ઘર ખરીદીને રહેવા આવે , તો અભડાઈ જતાં મહાશયો માર્કેટ પ્રાઈસ કરતાં અડધી કિંમતે ઘર વેચીને જતાં રહે એવાં કિસ્સા ઘણી બધી સોસાયટીમાં બને છે ! શું આ છે આપણી સમાનતા ??

ઈડરમાં જ એક નવું બિલ્ડીંગ કોમ્પ્લેક્ષ બને છે , જેને ફ્લૅટ બૂક કરાવવો હોય એ કરાવી શકે. પણ એમાં ઈડરનાં જ કોઈ સુખી હોય એવાં SC ( Scheduled Caste ) વ્યક્તિને ફ્લૅટ બૂક નથી કરી આપતાં . કારણ કંઈક એવું આપે છે કે - " એમને જો બૂક કરી આપીએ , તો બાકીના લોકો ફ્લૅટ લેવા જલ્દી તૈયાર નથી થતા, અને ફ્લૅટનાં ભાવ ડાઉન થઈ જાય છે ! " લો બોલો !
તમારી આજુબાજુ પણ નજર કરી લેવી , સમાનતાની વાતો કરતાં આપણાં લોકોની અસલિયત દેખાઈ આવશે . હિંદુઓ સંગઠિત કેમ નથી એનાં કારણો આમ જ ક્યાંક આવા ભેદભાવોમાં રસ્તે રઝળતાં મળી આવશે ઢગલાબંધ !

ના, આ અનામતની કોઈ વકીલાત નથી. હું સમજું છું કે અનામત એ ખૂણીએ વળગાડેલો ગોળ છે . દેશને હજારો ટુકડાઓમાં વહેંચી દેનાર કરવત છે એ . અનામત ના જ હોવી જોઈએ . પણ એ માટે નાગરિકોમાં માનસિક સજ્જતા જોઇએ . સમાનતા એ મોઢેથી ફક્ત બોલવાની જ નહિ, છેક હ્રદયનાં છેવાડા સુધી પહોંચેલી એક ભાવના હોવી જોઈએ . અત્યારે આપણે એ માટે તૈયાર હોય એવું મને તો નથી લાગતું  .


પણ... ... ઊંડે ઊંડે મને એવી આશા છે કે એવો દિવસ પણ આવશે ... ચોક્કસ આવશે ! માનસિક અસ્પૃશ્યતાની દિવાલો ઠેકીને ખભેખભા મિલાવીને કામ કરતી આ નવી પેઢી લાવશે એ દિવસ ! બસ, એ દિવસથી અનામત કૅન્સલ ..

A STORY OF MADNESS



ગાંડું કોણ ? હું , તમે કે આપણે ?

           ચલો , હું તમને એક વાર્તા કહું. એક શક્તિશાળી જાદુગર , એક આખા રાજ્યને તહેસ-નહેસ કરવા માંગતો હતો . એટલે એણે રાજ્યના રહેવાસીઓ જ્યાંથી પાણી પીતા એ કૂવામાં એક જાદૂઇ દવા મેળવી દીધી . જે પણ એ દવાવાળું પાણી પીવે એ ગાંડું થઇ જાય .
                
              બીજા દિવસે સવારે , રાજ્યની બધી જનતાએ કૂવામાંથી પાણી પીધું, અને બધા લોકો ગાંડા થઈ ગયા . બાકી રહ્યો ફક્ત એક પરિવાર , રાજા અને એમનો પરિવાર . કેમ કે એમના માટે એક કૂવો અલગ હતો , જે જાદૂગરના જાણબહાર રહેવાથી ઝેરમુક્ત રહી ગયો હતો . લોકોની દશા જોઈને રાજાને ચિંતા થઈ . એટલે એણે નિયામક સુરક્ષા અને જાહેર સ્વાસ્થ્ય માટે રાજ-હુકમ બહાર પાડ્યા . જો કે , રાજ્યની પોલિસ અને અમલદારોએ પણ પેલા કૂવામાંથી જ પાણી પીધું હતું , એટલે એમણે વિચાર્યું કે રાજાના નિર્ણયો હાસ્યાસ્પદ છે , એટલે એમણે કોઈપણ પગલાં ના લેવાનું નક્કી કર્યું .
             
             જ્યારે રાજ્યનાં રહેવાસીઓએ આ ફતવા સાંભળ્યા ત્યારે એ બધા સમજી ગયા કે રાજા ગાંડો થઈ ગયો છે , એટલે જ હવે આવા વાહિયાત હુકમો આપી રહ્યો છે . પ્રજાજનોએ કિલ્લા પર કૂચ કરી અને રાજાને પદત્યાગ કરવા જણાવ્યું .

                નિરાશ થયેલા રાજાએ સત્તા પરથી ઊતરી જવાની તૈયારી કરી લીધી , પણ રાણીએ એને રોક્યો , અને કહ્યું : " ચાલો આપણે પણ જઈને જાહેર કૂવામાંથી પાણી પી લઈએ . પછી બધું પહેલા જેવું જ થઈ જશે . "

                પછી એમણે એ જ કર્યું : રાજા અને રાણીએ પાગલપનનું પાણી પી લીધું અને તરત એ પણ નિરર્થક વાતો કરવા લાગ્યા . એ જોઈને પ્રજાજનોને પસ્તાવો થયો ; હવે રાજા આટલું ડહાપણ બતાવે છે , તો કેમ એને જ રાજ્યાની સત્તા પર ચાલુ ના રાખવો જોઈએ ?

                અને પછી , એ રાજ્ય ફરીથી શાંતિથી રહેવા લાગ્યું . અલબત્ત , એના રહેવાસીઓ એમનાં પાડોશી રાજ્યોનાં લોકો કરતાં તદ્દન અલગ રીતે વર્તતા હતા . અને , રાજાએ જીવ્યો ત્યાં સુધી આરામથી રાજ કર્યું .

#Veronika_Decides_To_Die (#Paulo_Coelho )
અનુવાદક : બીજું કોણ હોય ? ( એટલે મેં કર્યો એમ !! )


બાય ધ વે , આપણી આજુબાજુ પણ આવું જ ચાલતું હોય એવું તમને નથી લાગતું ?? કે પછી તમે પણ એ જ કૂવાનું પાણી પી લીધું છે ?

VALENTINE'S POST



( DATE - FEB 13, 2014 )

એય ... ક્યાં ભાગી ? ઊભી તો રહે , સાંભળતી જા ...

                શું કીધેલું તે ? બધા છોકરાઓ સરખા હોય છે એમ જ ને ? ચલ તો આજે તો આર યા પાર ... કહી જ દેવું છે . સાંભળ . હા, અમે બધા છોકરાઓ સરખા જ હોઇએ છીએ . પણ ... ...

                ભલે અમે છોકરાઓ રસ્તે જતી-આવતી દરેક છોકરીને ટીકી-ટીકીને જોતા હોઇશું , ભલે કોઈ રોમિયોની બાઈક પર બેઠેલી કૉલેજ કન્યાને જોઈને ઇર્ષાથી બળીને કમેંટ્સ કરતા હોઇશું ; ભલે કોઈ સુંદર કન્યાને મોબાઈલ પર વાતો કરતી જોઈને આ કોયલ કયા કાગડાની જોડે માળો ગૂંથતી હશે એની કલ્પના કરતા હોઇશું ; ભલે કોઈપણ છોકરીની એક જ સ્માઈલ પર ફિદા થઈને ઊંધેકાંધ એના પ્રેમના ખાડામાં ધફ્ફાખ દઈને પડી જતા હોઇશું , ભલે અમે દરેક છોકરીને એના દેખાવ પરથી જ રેટિંગ આપતા હોઇશું ;  ભલે અમે આજે આ , કાલે પેલી, ને પરમ દિવસે ઓલી એમ " ડાલ ડાલ પે ભ્રમર જાલ " ની માફક યુનિનોરના સિમકાર્ડ્ની જેમ ગમતી છોકરીઓનું લિસ્ટ બદલતા હોઇશું ..... ભલે અમે આ બધું જ કરતા હોઇશું એટલે બધા જ છોકરા સરખા - એવી નેગેટિવ ઈમેજ ધરાવતા હોઇશું ....

                પણ , અમે આ સિવાય પણ સરખા છીએ એક વાતમાં .... હા , અમારી પોઝિટિવ ઈમેજ પણ છે , જે કદી તમારી સામે આવતી નથી , ને અમે આવા પણ છીએ એવું અમે તમને બતાવી નથી શકતા ....

                 શું તમને ખબર છે કે અમારા દિલમાં તો કોઈ એક જ હોય છે , જે ભલે બીજા કોઈને ગમતી હોય કે ના ગમતી હોય , પણ અમારા માટે તો આ દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ કહો કે સૌથી સુંદર ઘટના- બધું એ જ હોય છે . ભલે એ થોડી બુદ્ધુ હોય , ભલે થોડાંક નખરાં કરતી હોય , પણ એની એક સ્માઈલમાં જ અમે એની લાખ ગુસ્તાખી માફ કરી દઈએ છીએ ! અરે એના વિષે જો કોઇ એક શબ્દ પણ ખરાબ બોલી જાય , તો અમે અમારા બાપની મિલ્કત લૂંટાઈ જતી હોય એવા ખુન્નસથી વિરોધ કરીએ છીએ .

                ભલે એ કોઈ બીજા માટે સેલિબ્રિટી ના હોય , પણ અમે તો એને એક નજર જોવા માટે પણ ધોમધખતા તડકામાં કે ભર વરસાદમાં બેસી રહીએ છીએ કલાકો સુધી ... ભલે એ આવે, જાય , ને એક વાર અમારી સામે નજર પણ ના કરે !  સૌથી પહેલાં લેસન લખી નાખ્યાં પછીય અમે ભાઇબંધને એમ કહી દઈએ કે -" હજુ તો મેં લખ્યું જ નથી.."  કેમ કે પેલી એકને નોટ્બૂક આપવાનો વાયદો થઈ ગ્યો હોય છે આંખો-આંખોમાં ! અરે એના માટે પઝેસિવ તો એટલા કે બીજો કોઇ જો એનું નામ પણ બોલે તો તરત એને રોકીને - " હોપારા, ભાભી બોલ ! " એમ ધમકાવી પણ દઈએ ... આમ તો આખા ગામમાં બહાદુરી બતાવતા ફરતા હોઈએ અમે , પણ એ એક જ જો સામે આવી જાય તો વાઈવા કરતાં વધારે લોચા અમે એની સામે મારી દઈએ .

                હા, અમે બધા છોકરાઓ સરખા જ હોઈએ છીએ ... પણ એ કોઈ એક હોય છે અમારા દરેકની જિંદગીમાં , જે મગજના મિજાગરાને બંધ કરી દઈને દિલના દરવાજા ખોલી નાખતી હોય છે...દસ્તક દીધા વગર જ ! "હું સોગંદમાં માનતો નથી " - એવું બોલ્યા પછી પણ એના નામની ખોટી સોગંદ ખાવા અમે તૈયાર નથી થતા . હા , બેફિકરીમાં અઘોરી બાવાને ય આંટી જઈએ એવા અમને સૌથી વધુ ફિકર એની રહેતી હોય છે . એ ફિકરના લીધે જ હૈયું જેના જાપમાં ગુલતાન હોય એનું નામ કદી અમે હોઠ પર નથી આવવા દેતા ! કહીં ઈસ જાલિમ જમાને કી ઊસે નજર ના લગ જાય !

                હા, તું સાચુ જ બોલી ...અમે બધા છોકરા સરખા જ છીએ .... કેમ કે અમને ખાલી પ્રેમ કરતાં જ આવડે છે , કહેતાં કે બતાવતાં નથી આવડતું ! શીખવું પણ નથી ... કેમ કે અમે આ રીતે જ પ્રેમ કરતા આવ્યા છીએ , આ રીતે જ પ્રેમ કરતા રહીશું . તારી અવગણનાની તો હવે આદત પડી ગઈ છે ... એમાંય સાલુ હવે તો મજા આવે છે !

                ચલ હવે , તારે જવું હોય તો જા ! મારે તો બસ આટલું જ કહેવું હતું ... અને મારા જેવા તમારી ડિક્શનરીના દરેક " નાલાયક છોકરા " તરફથી એડ્વાન્સમાં Happy Valentine's Day !!! તમારી સામે તાકી રહેનારી એ નજરની સામે ય આંખોની આરપાર નજર કરી જોજો કોઈકવાર , તમારી એકલતાની ઓટને પૂરી દેવા માટે ક્યાંક કોઈ ભરતી હિલોળા લેતી મળી આવે કદાચ !!

*** *** ***

આમ જુઓ તો આ મેહ્ફિલ તારા નામની જ છે ;
ને આમ જુઓ તો કમી પણ એક તારી જ !
- વૈભવ અમીન 

પાનની પિચકારી

પાનની પિચકારી 

ચારેક વર્ષ પહેલાં મામાના ઘેર જવા જીપમાં બેઠો. વચ્ચેની સીટમાં મારી બાજુમાં બે કૉલેજ કન્યા બેઠેલી. હંમેશાની જેમ જીપ હકડેઠઠ ભરેલી હતી.


થોડી જ વારમાં લગભગ ૪૦ વર્ષની ઉંમરના એક કાકા આવીને મને કહે કે-" અંદર ખસ, પાન ખાધું છે એટલે મારે થૂંકવા બહારની બાજુ બેસવું પડશે." અકળાઇને પેલી બંને છોકરીઓ વધારે અંદર ખસી, ને જેમતેમ કરીને અમે ૩ બેઠા, કેમ કે પેલા બે જેટલી જગ્યા કાકાએ એકલાએ જ રોકેલી.

બેસતા-વેંત કાકા બોલ્યા -"આ મારા હારા જીપવાળા, ઘેટા-બકરાની જેમ માણસોને ભરે છે. એના કરતાં પાંજરાપોળની જ ગાડી ચલાવતા હોય તો
!" આટલું બોલીને કાકાએ પાનની પિચકારી મારી. ડ્રાઇવરે કાકાની સામે આછા ગુસ્સાવાળી નજર ફેંકીને ગાડી ચાલુ કરી. ગાડીએ સ્પીડ પકડી અને સાથે કાકાની જીભે પણ સ્પીડ પકડી -- "સાલુ આ દેશમાં કોઇને સેન્સ જ નથી. જુઓને આ જીપવાળા. ૧૫-૨૦ જણને ઠુસાડે અને પોલીસ પણ હપ્તો મળી જાય એટલે આંખો બંધ કરી લે. આ ટ્રાફિક પોલીસને પગાર આપવાના બદલે સરકારે પોલીસ જોડેથી જ હપ્તો ઊઘરાવવો જોઇએ!" ફરી કાકાએ બોલવામાં વિરામ લીધો અને રોડ પર એક પિચકારી મારી. 

રસ્તામાં ખાડો આવતાં ગાડી ધીમી પડી એટલે ફરી શરુ- "આ તો કંઈ રોડ છે? આટલા ખાડા? સાલા આ રોડ બનાવ્યો એ કૉન્ટ્રાક્ટરને કૂલે ડામર ચોપડવો જોઇએ. મારા બેટા એનેય ખબર પડે કે રોડ કેવો હોય!" એટલું બોલીને રોડ પર ફરી એક પિચકારી મારી. હું હજુ ચૂપચાપ બેઠો હતો, કાકાની કચકચથી ગાડીમાં બધા કંટાળ્યા હતા. કાકાનું મોં પાનથી ભરેલું હતું, એટલે એ બોલે એટલે મારા પર પણ થૂંક ઊડતું હતું.


" ઝૂઉઉઉઉઉમમમ!!! " ફુલ સ્પીડે અમારી જીપને મારા જેવા એક છોકરાની બાઇકે ઓવરટેઈક કરી. પત્યું. કાકાની ટેપરેકોર્ડર પાછી ચાલું - "આ આજકાલનાં છોકરાંવ. જુઓ તો ખરા ભઇસા'બ. જોન અબ્રાહમની ઓલાદો બધી! નાલાયકોને ૨૫ વર્ષ ના થાય ત્યાં સુધી લાઇસન્સ જ ના આપવું જોઈએ સરકારે. રોડ કંઇ એના બાપનો બગીચો નથી. અને બાપાએ જ બાઈક બાંધી આપવી પડે, ચાલીસની ઉપર દોડે જ નહીં, હરામખોરો.
" અને રોડ પર પિચકારી મારવા કાકાએ ફરી વિરામ લીધો.


કાકા ગાળ બોલ્યા એટલે બંને છોકરીઓએ ઇઅરફોન ભરાવી લીધા. કાકાની કથા હજુ ચાલુ જ હતી- રિક્ષાવાળા, લારીવાળા, બસ-ડ્રાઇવરો, જમીનના દલાલો, કોન્ટ્રાક્ટરો - કાકા રોડ પર પિચકારી માર્યે જતા હતા, ને હાથમાં આવે એ દરેકને ઝપટતા જતા હતા. ઇઅરફોન એ કેટલી ક્રાંતિકારી શોધ છે એ હવે સમજાયું મને, અને આજે જ હું કેમ ભૂલી ગયો એ વાતે ખુદને ગાળો પણ દઈ દીધી. 

ત્યાં જ અચાનક જોરથી જીપને બ્રેક વાગી. જોયું તો એક બાઈકવાળાએ જીપ અટકાવવાના ઇરાદે બાઇક ઊભી કરી દીધેલી . જીપ-ડ્રાઇવર કંઇ બોલે એ પહેલાં જ ઝનૂન અને ઝડપથી એ અમારી બાજુ જ આવ્યો. કાકા પાસે આવીને ફેંટ પકડીને કાકાને નીચે ખેંચ્યા. કાકા કે બીજુ કોઇ કંઇ બોલે કે સમજે એ પહેલાં જ જોરથી અવાજ આવ્યો
- "સટ્ટાક!!!!!" અને એ સાથે જ કાકાના મોંમાં હતું એ બધું ય બહાર આવી ગયું. 

વધારે કંઇ જ બોલ્યા વગર એ ભાઇ રિટર્ન થયા, બાઇકને કીક મારી, ને રવાના થઇ ગયા. એ વળ્યા ત્યારે જ ખ્યાલ આવી ગયેલો બધાંને કે કાકાના ગાલ લાલ કેમ થયા. પેલા ભાઇના નવાનક્કોર શર્ટ પર કાકાની પિચકારીએ ધૂળેટી કરેલી. કાકા કદાચ ભૂલી ગયેલા કે રોડ પર એમના સિવાય પણ બીજા આવતાં-જતાં હોય, રોડ કંઇ એમના બાપનો બગીચો ન'તો. ચૂપચાપ કાકા બેસી ગયા જીપમાં, ડ્રાઇવરે જીપ દોડાવી . કાકા સામે જોઇશ તો ખડખડાટ હસી પડીશ એવા ડરથી હું છોકરીઓ બાજુ જોતો હતો, ને એ બંને પણ ત્રાંસી આંખે કાકાને જોઇને મરક મરક હસતી હતી એકબીજા સામે.


 ને કાકા? જવા દો ને ભઇસા'બ, વડાલી સ્ટેશન આવ્યું એવું સૌથી પહેલા ઊતરીને ક્યારે પૈસા આપ્યા ને ક્યાં રફુચક્કર થઇ ગયા
 એ જ ખબર ના પડી કોઇને!