( DATE - FEB 13, 2014 )
એય ... ક્યાં ભાગી ? ઊભી તો
રહે , સાંભળતી જા ...
શું કીધેલું
તે ? બધા છોકરાઓ સરખા હોય છે એમ જ ને ?
ચલ તો આજે તો આર યા પાર ... કહી જ દેવું છે . સાંભળ . હા, અમે બધા છોકરાઓ સરખા જ હોઇએ છીએ . પણ ... ...
ભલે અમે
છોકરાઓ રસ્તે જતી-આવતી દરેક છોકરીને ટીકી-ટીકીને જોતા હોઇશું , ભલે
કોઈ રોમિયોની બાઈક પર બેઠેલી કૉલેજ કન્યાને જોઈને ઇર્ષાથી બળીને કમેંટ્સ કરતા હોઇશું
; ભલે કોઈ સુંદર કન્યાને મોબાઈલ પર વાતો કરતી જોઈને આ કોયલ કયા
કાગડાની જોડે માળો ગૂંથતી હશે એની કલ્પના કરતા હોઇશું ; ભલે કોઈપણ
છોકરીની એક જ સ્માઈલ પર ફિદા થઈને ઊંધેકાંધ એના પ્રેમના ખાડામાં ધફ્ફાખ દઈને પડી જતા
હોઇશું , ભલે અમે દરેક છોકરીને એના દેખાવ પરથી જ રેટિંગ આપતા
હોઇશું ; ભલે અમે આજે
આ , કાલે પેલી, ને પરમ દિવસે ઓલી એમ " ડાલ ડાલ પે ભ્રમર જાલ " ની માફક યુનિનોરના સિમકાર્ડ્ની
જેમ ગમતી છોકરીઓનું લિસ્ટ બદલતા હોઇશું ..... ભલે અમે આ બધું
જ કરતા હોઇશું એટલે બધા જ છોકરા સરખા - એવી નેગેટિવ ઈમેજ ધરાવતા
હોઇશું ....
પણ , અમે
આ સિવાય પણ સરખા છીએ એક વાતમાં .... હા , અમારી પોઝિટિવ ઈમેજ પણ છે , જે કદી તમારી સામે આવતી
નથી , ને અમે આવા પણ છીએ એવું અમે તમને બતાવી નથી શકતા ....
શું તમને ખબર છે કે અમારા દિલમાં તો કોઈ એક જ હોય
છે , જે ભલે બીજા કોઈને ગમતી હોય કે ના ગમતી હોય , પણ અમારા માટે તો આ દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ કહો કે સૌથી સુંદર ઘટના- બધું એ જ હોય છે . ભલે એ થોડી બુદ્ધુ હોય , ભલે થોડાંક નખરાં કરતી હોય , પણ એની એક સ્માઈલમાં જ
અમે એની લાખ ગુસ્તાખી માફ કરી દઈએ છીએ ! અરે એના વિષે જો કોઇ
એક શબ્દ પણ ખરાબ બોલી જાય , તો અમે અમારા બાપની મિલ્કત લૂંટાઈ
જતી હોય એવા ખુન્નસથી વિરોધ કરીએ છીએ .
ભલે એ
કોઈ બીજા માટે સેલિબ્રિટી ના હોય , પણ અમે તો એને એક નજર જોવા માટે પણ ધોમધખતા
તડકામાં કે ભર વરસાદમાં બેસી રહીએ છીએ કલાકો સુધી ... ભલે એ આવે,
જાય , ને એક વાર અમારી સામે નજર પણ ના કરે ! સૌથી પહેલાં લેસન લખી નાખ્યાં પછીય
અમે ભાઇબંધને એમ કહી દઈએ કે -" હજુ તો મેં લખ્યું જ નથી.." કેમ કે પેલી એકને નોટ્બૂક આપવાનો
વાયદો થઈ ગ્યો હોય છે આંખો-આંખોમાં ! અરે એના માટે પઝેસિવ તો
એટલા કે બીજો કોઇ જો એનું નામ પણ બોલે તો તરત એને રોકીને - " હોપારા, ભાભી બોલ ! " એમ
ધમકાવી પણ દઈએ ... આમ તો આખા ગામમાં બહાદુરી બતાવતા ફરતા હોઈએ
અમે , પણ એ એક જ જો સામે આવી જાય તો વાઈવા કરતાં વધારે લોચા અમે
એની સામે મારી દઈએ .
હા, અમે
બધા છોકરાઓ સરખા જ હોઈએ છીએ ... પણ એ કોઈ એક હોય છે અમારા દરેકની જિંદગીમાં
, જે મગજના મિજાગરાને બંધ કરી દઈને દિલના દરવાજા ખોલી નાખતી હોય
છે...દસ્તક દીધા વગર જ ! "હું સોગંદમાં માનતો નથી " - એવું બોલ્યા પછી પણ એના નામની ખોટી સોગંદ ખાવા અમે તૈયાર નથી થતા . હા , બેફિકરીમાં અઘોરી બાવાને ય આંટી જઈએ એવા અમને સૌથી
વધુ ફિકર એની રહેતી હોય છે . એ ફિકરના લીધે જ હૈયું જેના જાપમાં
ગુલતાન હોય એનું નામ કદી અમે હોઠ પર નથી આવવા દેતા ! કહીં ઈસ
જાલિમ જમાને કી ઊસે નજર ના લગ જાય !
હા, તું
સાચુ જ બોલી ...અમે બધા છોકરા સરખા જ છીએ .... કેમ કે અમને
ખાલી પ્રેમ કરતાં જ આવડે છે , કહેતાં કે બતાવતાં નથી આવડતું ! શીખવું પણ નથી ... કેમ કે અમે આ રીતે જ પ્રેમ કરતા આવ્યા
છીએ , આ રીતે જ પ્રેમ કરતા રહીશું . તારી
અવગણનાની તો હવે આદત પડી ગઈ છે ... એમાંય સાલુ હવે તો મજા આવે
છે !
ચલ હવે
, તારે જવું હોય તો જા ! મારે તો બસ આટલું જ કહેવું હતું
... અને મારા જેવા તમારી ડિક્શનરીના દરેક " નાલાયક છોકરા " તરફથી એડ્વાન્સમાં Happy
Valentine's Day !!! તમારી સામે તાકી રહેનારી એ નજરની સામે ય આંખોની
આરપાર નજર કરી જોજો કોઈકવાર , તમારી એકલતાની ઓટને પૂરી દેવા માટે
ક્યાંક કોઈ ભરતી હિલોળા લેતી મળી આવે કદાચ !!
*** *** ***
આમ જુઓ તો આ મેહ્ફિલ તારા નામની જ છે ;
ને આમ જુઓ તો કમી પણ એક તારી જ !
- વૈભવ અમીન


No comments:
Post a Comment