Tuesday, 25 February 2014

પાનની પિચકારી

પાનની પિચકારી 

ચારેક વર્ષ પહેલાં મામાના ઘેર જવા જીપમાં બેઠો. વચ્ચેની સીટમાં મારી બાજુમાં બે કૉલેજ કન્યા બેઠેલી. હંમેશાની જેમ જીપ હકડેઠઠ ભરેલી હતી.


થોડી જ વારમાં લગભગ ૪૦ વર્ષની ઉંમરના એક કાકા આવીને મને કહે કે-" અંદર ખસ, પાન ખાધું છે એટલે મારે થૂંકવા બહારની બાજુ બેસવું પડશે." અકળાઇને પેલી બંને છોકરીઓ વધારે અંદર ખસી, ને જેમતેમ કરીને અમે ૩ બેઠા, કેમ કે પેલા બે જેટલી જગ્યા કાકાએ એકલાએ જ રોકેલી.

બેસતા-વેંત કાકા બોલ્યા -"આ મારા હારા જીપવાળા, ઘેટા-બકરાની જેમ માણસોને ભરે છે. એના કરતાં પાંજરાપોળની જ ગાડી ચલાવતા હોય તો
!" આટલું બોલીને કાકાએ પાનની પિચકારી મારી. ડ્રાઇવરે કાકાની સામે આછા ગુસ્સાવાળી નજર ફેંકીને ગાડી ચાલુ કરી. ગાડીએ સ્પીડ પકડી અને સાથે કાકાની જીભે પણ સ્પીડ પકડી -- "સાલુ આ દેશમાં કોઇને સેન્સ જ નથી. જુઓને આ જીપવાળા. ૧૫-૨૦ જણને ઠુસાડે અને પોલીસ પણ હપ્તો મળી જાય એટલે આંખો બંધ કરી લે. આ ટ્રાફિક પોલીસને પગાર આપવાના બદલે સરકારે પોલીસ જોડેથી જ હપ્તો ઊઘરાવવો જોઇએ!" ફરી કાકાએ બોલવામાં વિરામ લીધો અને રોડ પર એક પિચકારી મારી. 

રસ્તામાં ખાડો આવતાં ગાડી ધીમી પડી એટલે ફરી શરુ- "આ તો કંઈ રોડ છે? આટલા ખાડા? સાલા આ રોડ બનાવ્યો એ કૉન્ટ્રાક્ટરને કૂલે ડામર ચોપડવો જોઇએ. મારા બેટા એનેય ખબર પડે કે રોડ કેવો હોય!" એટલું બોલીને રોડ પર ફરી એક પિચકારી મારી. હું હજુ ચૂપચાપ બેઠો હતો, કાકાની કચકચથી ગાડીમાં બધા કંટાળ્યા હતા. કાકાનું મોં પાનથી ભરેલું હતું, એટલે એ બોલે એટલે મારા પર પણ થૂંક ઊડતું હતું.


" ઝૂઉઉઉઉઉમમમ!!! " ફુલ સ્પીડે અમારી જીપને મારા જેવા એક છોકરાની બાઇકે ઓવરટેઈક કરી. પત્યું. કાકાની ટેપરેકોર્ડર પાછી ચાલું - "આ આજકાલનાં છોકરાંવ. જુઓ તો ખરા ભઇસા'બ. જોન અબ્રાહમની ઓલાદો બધી! નાલાયકોને ૨૫ વર્ષ ના થાય ત્યાં સુધી લાઇસન્સ જ ના આપવું જોઈએ સરકારે. રોડ કંઇ એના બાપનો બગીચો નથી. અને બાપાએ જ બાઈક બાંધી આપવી પડે, ચાલીસની ઉપર દોડે જ નહીં, હરામખોરો.
" અને રોડ પર પિચકારી મારવા કાકાએ ફરી વિરામ લીધો.


કાકા ગાળ બોલ્યા એટલે બંને છોકરીઓએ ઇઅરફોન ભરાવી લીધા. કાકાની કથા હજુ ચાલુ જ હતી- રિક્ષાવાળા, લારીવાળા, બસ-ડ્રાઇવરો, જમીનના દલાલો, કોન્ટ્રાક્ટરો - કાકા રોડ પર પિચકારી માર્યે જતા હતા, ને હાથમાં આવે એ દરેકને ઝપટતા જતા હતા. ઇઅરફોન એ કેટલી ક્રાંતિકારી શોધ છે એ હવે સમજાયું મને, અને આજે જ હું કેમ ભૂલી ગયો એ વાતે ખુદને ગાળો પણ દઈ દીધી. 

ત્યાં જ અચાનક જોરથી જીપને બ્રેક વાગી. જોયું તો એક બાઈકવાળાએ જીપ અટકાવવાના ઇરાદે બાઇક ઊભી કરી દીધેલી . જીપ-ડ્રાઇવર કંઇ બોલે એ પહેલાં જ ઝનૂન અને ઝડપથી એ અમારી બાજુ જ આવ્યો. કાકા પાસે આવીને ફેંટ પકડીને કાકાને નીચે ખેંચ્યા. કાકા કે બીજુ કોઇ કંઇ બોલે કે સમજે એ પહેલાં જ જોરથી અવાજ આવ્યો
- "સટ્ટાક!!!!!" અને એ સાથે જ કાકાના મોંમાં હતું એ બધું ય બહાર આવી ગયું. 

વધારે કંઇ જ બોલ્યા વગર એ ભાઇ રિટર્ન થયા, બાઇકને કીક મારી, ને રવાના થઇ ગયા. એ વળ્યા ત્યારે જ ખ્યાલ આવી ગયેલો બધાંને કે કાકાના ગાલ લાલ કેમ થયા. પેલા ભાઇના નવાનક્કોર શર્ટ પર કાકાની પિચકારીએ ધૂળેટી કરેલી. કાકા કદાચ ભૂલી ગયેલા કે રોડ પર એમના સિવાય પણ બીજા આવતાં-જતાં હોય, રોડ કંઇ એમના બાપનો બગીચો ન'તો. ચૂપચાપ કાકા બેસી ગયા જીપમાં, ડ્રાઇવરે જીપ દોડાવી . કાકા સામે જોઇશ તો ખડખડાટ હસી પડીશ એવા ડરથી હું છોકરીઓ બાજુ જોતો હતો, ને એ બંને પણ ત્રાંસી આંખે કાકાને જોઇને મરક મરક હસતી હતી એકબીજા સામે.


 ને કાકા? જવા દો ને ભઇસા'બ, વડાલી સ્ટેશન આવ્યું એવું સૌથી પહેલા ઊતરીને ક્યારે પૈસા આપ્યા ને ક્યાં રફુચક્કર થઇ ગયા
 એ જ ખબર ના પડી કોઇને!

No comments:

Post a Comment