પાલનપુરથી નીકળ્યો. અમદાવાદ પહોંચવું હતું. બાઇકમાં પેટ્રોલ પુરાવ્યું. પાછળના ટાયરમાં હવા ઓછી હોય એવું લાગતું હતું. પણ પેટ્રોલ-પમ્પ પર હોય છે એ એર-સ્ટેશનમાં હવા ભરવાનું મશીન જ ખરાબ થઈ ગયેલું હતું. 'આગળ જઈને પુરાવી લઈશ' એમ વિચારી બાઇક સ્ટાર્ટ કરી હાઇવે પર લીધી. મારી બાઇક Yamaha FZ. એકવાર ઍક્સેલરેટરનું હેન્ડલ આમળો એટલે ચિત્તો શિકાર પાછળ ભાગતો હોય એવી ઝડપ હોય. અને એ વર્ષોમાં એ ઝૂમ કરીને આજુબાજુની ગાડીઓને ઓવરટેક કરી જવાની કંઈક અલગ જ થ્રિલ આવતી. પાલનપુરથી ઇડર જવા નીકળ્યો હોઉં તો ઇડર પહોંચું ત્યાં સુધીમાં એક પણ વાહન ઓવરટેક કરીને જાય નહિ, એટલી સ્પીડ. 70 kmph ની સ્પીડે વળાંક પર ટર્ન લો તોય FZ રોડને ચોંટીને દોડે, જરાય ફગે નહિ, એટલો વિશ્વાસ.
એ જ બાઇક, એ જ અંદાજમાં, અમદાવાદ બાજુના રસ્તા પર ભાગતી હતી. હવા પુરાવવાની હતી. પણ રસ્તામાં હવા ભરવાનાં સ્ટેશન આવે એ નજરે ચડે એટલામાં તો બાઇક ક્યાંય આગળ નીકળી ગઈ હોય. એટલે હવે નેક્સ્ટ સ્ટેશને પૂરાવીશ એમ મન મનાવીને જવા જ દેતો હતો. હાઇવે પર એક પેટ્રોલ-પમ્પ આવ્યો, એર-સ્ટેશન દેખાયું; બાઇક સમયસર ત્યાં વાળી લીધી. ત્યાં પહોંચ્યો તો ઓપરેટર કહે કે લાઈટ જ નથી, એટલે હવા નહિ ભરાય. અકળાઈને આગળ જવા દીધી. બીજી એક જગ્યાએ ઊભી રાખી તો ઓપરેટર કહે કે ઇન્જેકટરનો નોબ બગડેલો છે. આજે ટાયરના નસીબમાં હવા જ નહિ હોય- એમ વિચારીને હવે અમદાવાદ પહોંચીને જ હવા પુરાવવાનું નક્કી કર્યું. આમેય આ ગડમથલમાં છેક કલોલ તો પાર કરી જ ગયો હતો.
પછી એ ભૂલીને હું મારી ધૂનમાં જ અમદાવાદ પહોંચ્યો. ગીતા મંદિર બસ-સ્ટેન્ડ બાજુ કંઈક કામ હતું એ પતાવ્યું, પછી જેને ત્યાં જવાનું હતું એ મિત્રને ફોન જોડ્યો. એણે મણિનગર બાજુ ક્યાંકનું એનું સરનામું આપ્યું. હવે મૂંઝવણ એ કે રસ્તા મને બાપ-ગોતરમાં યાદ રહે નહિ. એટલે મેપમાં લોકેશન નાખીને ફોન ખિસ્સામાં મૂક્યો. ચાલુ બાઈકે ફોન થોડી-થોડી વારે બહાર કાઢીને જોઈ લેતો કે હું બરાબર રુટ પર છું. ટ્રાફિક બહુ જ વધારે હતો. એક જગ્યાએ ખુલ્લો રોડ મળ્યો એટલે મારી આગળની લાઇન સ્પીડમાં ચાલી. એટલે મેં પણ ઍક્સેલરેટરનું હેન્ડલ ઘુમેડયું. બાઈકે સ્પીડ પકડી. અચાનક કોઈ ચાલુ ટ્રાફિકમાં રોડ ક્રોસ કરવા ગયું. મારી આગળની રિક્ષાએ અચાનક બ્રેક મારી. રિફલેક્સ એક્શન તરીકે મેં પણ બ્રેક મારી. ક્યારેય નહિ ને એ દિવસે મારી પ્રાણપ્યારી બાઈકે મને છેહ દીધો, ભરચક ટ્રાફિકમાં બાઇક સંતુલન ગુમાવીને સ્લિપ થઈ ગઈ. અને હું પડ્યો. મારુ જિન્સનું પેન્ટ ઘૂંટણમાંથી ફાટી ગયું, ઘૂંટણ લોહીલુહાણ. કંઈ સમજી શકું એ પહેલાં અરધી સેકન્ડમાં મારું માથું નીચે ડામરના રોડ પર અથડાયું. જોરથી.
પછી શું થયું? ત્યારે તો મને કંઈ જ ખબર ના પડી કે શું થયું, કેમનું થયું! મારું માથું જ્યાં પડ્યું હતું એની બરોબર બાજુમાંથી લાલ બસનું પાછળનું ટાયર પસાર થતું જોયું. ધબકારા ચૂકી જવાયા. મારા નસીબજોગે મારી પાછળ એકદમ નજીક કોઈ વાહન નહોતું, બાકી મારી પાંસળીઓનો ભૂક્કો બોલી જાત. પણ તો ય મારું માથું તો રોડ પર જોરથી અથડાયું જ હતું; એટલા જોરથી કે જ્યારે થોડી સેકન્ડ પછી મારી સુધબુધ આવી ત્યારે મેં જોયું કે આજુબાજુ ટોળું વળી ગયેલું હતું. ઘસડાઈ જવાથી કોણી અને ઘૂંટણ છોલાઈ ગયેલા હતા. ટોળાને એ નવાઈ હતી કે હું જીવતો કેમનો રહ્યો?
મને પણ સવાલ થયો. પાંચ સેકન્ડ પહેલાં મોત મારા માથે પછડાઈને ગયું. હું જીવતો કેમનો રહ્યો?
કેમ કે, મેં હેલ્મેટ પહેરેલી હતી.
*** *** ***
લગભગ ત્રણ વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. મારી એ જ બાઇક હજુય મારી જોડે છે, અને મારી જીવનરક્ષક એ જ હેલ્મેટ પણ. એ હેલ્મેટ ત્યારે માથા પર ના હોત તો આજે તમે આ વાંચતા ના હોત.
અકસ્માત સમયે હું હાઇવે પર હતો? ના. હું તો અમદાવાદ શહેરમાં હતો. મારી બાઇકની સ્પીડ 70-80 kmph હતી? ના. માંડ 30-40 kmph ની હશે. ભરચક ટ્રાફિકમાં હતો, જ્યાં ચોથો કે પાંચમો ગિયર કરવાની ગુંજાઈશ જ નહોતી. તો શું મારે અકસ્માત ના થયો? થયો જ. તો શું હું શહેરી વિસ્તારમાં છું એટલે બચી જાત? 101% ના જ બચતો. હું મેમોના ડરથી બચ્યો? ના. પોલિસના ડરથી બચ્યો? ના. સરકારના ડરથી બચ્યો? ના.
હું હેલ્મેટ પહેર્યા વગર બાઈક લઈને બહાર ન નીકળવાની મારી ટેવને લીધે બચ્યો. તો સરકારે હવે મને શહેરી વિસ્તારમાં છૂટ આપી તો હું હવે હેલ્મેટ પહેરવાનું બંધ કરી દઈશ? કેમ કરું? નિયમ સરકારનો હશે, માથું તો મારું જ છે ને! સરકારે જે કોઈ કારણથી છૂટ આપી હોય, યમરાજ "સરકારના કાયદામાં છૂટ છે એટલે તમને મારાથી ના ઊઠાવી લેવાય" એવું કહીને તમને રાહત આપવાના હોય, તો તમે જાણો. મારે યમરાજ સાથે ઊઠવા-બેસવાના કે માવો ખાવાના સંબંધો નથી. રાખવા ય નથી. તમે રાખો.
અને જે લોકો સરકારની જાહેરાત પછી ખુશ થાય છે કે મેં તો હેલ્મેટ જ નહોતું ખરીદ્યું, એટલે પૈસા બચી ગયા, એમને મારે એટલું જ કહેવું છે કે, "ખરેખર? બહુ સસ્તું કહેવાય તમારું માથું. બહુ સસ્તું!"