Friday, 5 February 2016

પૅકિંગ

હું પૅકિંગ કરતો હતો. વલ્લભ વિદ્યાનગરની બીવીએમ કોલેજની વિંધ્ય હોસ્ટેલની 10 નંબરની એ રૂમમાં હું એકલો જ હતો. લગભગ આખી હોસ્ટેલ સૂમસામ હતી. યુનિવર્સિટિ એક્ઝામ્સ પૂરી થઈ હતી. બીજા બધાં તો 2-3 દિવસ પહેલાં જ ઘરે જવા નીકળી ગયેલા. અમે બે-ત્રણ મિકેનિકલ-વાળા જ હતા. બીજા બધાને 5-6 વિષયો અને અમારે સાત! એન્જીનિયરીંગમાં  સૌથી કમનસીબ પ્રજાતિ આ મિકેનિકલની હોય. રેગ્યુલર દિવસોમાં પણ બીજા બધાં પત્તાં ટીચતા હોય, લેપટોપમાં મૂવી જોતાં હોય કે ગર્લફ્રેંડ જોડે ગુટર-ગુ કરતાં હોય ત્યારે મિકેનિકલ-વાળો બંદો એક ખૂણામાં ટેબલ પર લાંબી-પહોળી ડ્રૉઇંગ-શીટ ફેલાવીને ઊંધો પડ્યો હોય. જોડે રોલર, રૂલર, જાતજાતની પેન્સિલ્સ, ઇરેઝર ને શસ્ત્ર-સરંજામ પાથરેલો હોય. આડો-ઊભો-ઊંધો-સીધો થઈને ડિઝાઇન્સ દોરે જતો હોય. મગજ ચકરાવે ચડાવે એવા નટ-બોલ્ટ દોરવામાં એના આંટા ઢીલા થઈ ગયા હોય!


બસ એ જ કંટાળાના ભાવ સાથે હું પૅકિંગ કર્યે જતો હતો. ઘરે જવાની જલ્દી હતી. એક વાગ્યાની આણંદ-અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવે ચૂકી જાઉં તો સીધી સવા બે વાગ્યે બીજી બસ હતી. સાડા બાર તો થઈ જ ગયા હતા. છેલ્લા અઠવાડિયાના ધોયા વગરનાં કપડાં, પસ્તીવાળાને ત્યાંથી સેકંડમાં લીધેલી નોવેલ્સ, મોલમાંથી વિન્ડો-શોપિંગ કરવાના બહાને થઈ ગયેલી થોડી-ઘણી ખરીદી.. બધું યાદ કરી-કરીને મૂકયે જતો હતો. મમ્મીએ યાદ કરીને ચાદર અને નહાવાનો ટોવેલ લઈ આવવાનું કહ્યું હતું. એ ધોતી વખતે દર વખતે એ કહેતી કે સોસાયટીમાં કોઈને તારી ચાદર અને ટોવેલ બતાવ્યો હોય તો શરમ આવે એટલો મેલો કરી લાવે છે. અને હું વિચારતો કે મમ્મીને હોસ્ટેલના બીજા લોકોના ટોવેલ અને ચાદર બતાવવી જોઈએ, તો કદાચ એની શરમ જતી રહેશે.


ધીરે-ધીરે થેલામાં બધું ભરાતું જતું હતું. કશું રહી નથી જતુંને એમ વિચારી કબાટ ચેક કર્યું, ટેબલના ડ્રૉઅર જોઈ લીધા. જે-તે કચરપટ્ટી હતી. એક સસ્તા થિએટરની લાલ કલરની મૂવી ટિકિટનો ઢગલો હતો. ટિકિટ રેટ હતો 16 રૂપિયા. મિડલ-ક્લાસના છોકરાઓને હોસ્ટેલમાં મિનિમમ ખર્ચે મેક્સિમમ મજા કરતાં આવડી જતું હોય છે, શીખી લેવું પડતું હોય છે. ઘડિયાળ-બેલ્ટ ને બીજી જરૂરી વસ્તુઓ લઈને નાખી થેલામાં. કોલેજ-બેગ તો ઓલરેડી ફુલ-પૅક થઈ ગયેલી. થેલો ય હવે તો અદનાન સામીના પેટની યાદ અપાવતો હતો. ઉઠાવી જોયો. ૧૨;૪૦ થઈ ગઈ હતી, હજુ થેલો ઉઠાવીને ચાલતા નાના બજાર જવાનું હતું, અને ત્યાંથી રિક્ષામાં બસ-સ્ટેન્ડ પહોંચવાનું હતું.


રૂમને તાળું મારતાં પહેલાં એક વાર અંદર નજર કરી લીધી. બધું જ અસ્ત-વ્યસ્ત હતું. રૂમ કબાડીખાના જેવી લાગતી હતી, દરેક હોસ્ટેલની દરેક રૂમ એવી જ લાગતી હોય છે. હોસ્ટેલ-લાઈફમાં અપવાદો નથી હોતા. તાળું માર્યું. નીકળ્યો. હોસ્ટેલની બિલકુલ સામે જ આર્કિટૈક્ચર કોલેજ છે. વિદ્યાનગરના સૌથી હાઇ-ફાઈ સ્ટુડન્ટ્સ આ કોલેજમાં હશે. બોલ્ડ-બિન્ધાસ્ત-મોડર્ન. રસ્તાની એક બાજુ વિદ્યાનગરની શાન જેવી એ કોલેજ હતી, અને એની બિલકુલ સામે અમારી હોસ્ટેલ- ગુજરાતની સૌથી જૂની ઈજનેરી કોલેજની સૌથી જૂની હોસ્ટેલ! જિંદગીમાં ય વિરોધાભાસો સામસામે કે સાથે-સાથે જ ચાલતાં હોય છે...


હું નાના બજાર બાજુ ચાલતો હતો, બાજુમાંથી આર્કિટૈક્ચરની સુંદર છોકરીઓ પસાર થતી હતી. ઉતાવળ હતી, પણ નજર નાખવામાં કદી કોઈને મોડુ થયાનું સાંભળ્યુ નથી. સુંદરતાને તમે ઇગ્નોર કેવી રીતે કરી શકો! અને હું ચાલ્યો જતો હતો. ન્યૂ હોસ્ટેલના ખાંચે પહોંચ્યો ને તરત પગ અટકી ગયા. ચાર્જર. મે ચાર્જર નહોતું લીધું. એ સોકેટમાં જ ભરાવેલું રહી ગયું હતું. યાદ કેમ ના આવ્યું? હજુ 100 મીટર પણ દૂર નહોતો ગયો. પંદર જ મિનિટમાં બસ-સ્ટેન્ડ પહોંચવાનું હતું. આ વજનદાર થેલો લઈને પાછું જવામાં વાર થઈ જાય. હાલ દરેક સેકંડની કિંમત હતી.


સામે જ આર્કિટૈક્ચરની પાંચ-છ છોકરીઓ બાંકડા પર બેસીને ટોળટપ્પાં કરતી હતી. એક સેકંડમાં નિર્ણય લીધો. એમની પાસે પહોંચ્યો, થેલો મૂક્યો, " બે મિનિટમાં આવ્યો " એટલું જ કહીને દોટ લગાવી રૂમ બાજુ... બસ એક ચાર્જર લઈને આવી જવાનું હતું.. દોડ્યો .


અને દસ મીટર પણ નહીં ગયો હોય 'ને છોકરીઓની ચીસો સંભળાઈ. હાલ પાછળ જોવાનો સમય નહોતો.. પણ ચીસો અટકી નહીં. દોડતાં જ પાછળ જોવાઈ ગયું, 'ને ત્યાં જ પગ અટકી ગયા. મારી સામે જોઈને જ ચીસો પાડતી હતી. બે-ત્રણ સેકન્ડ કશું સમજાયું નહીં. ગભરાયેલો તરત પાછળ ફર્યો. એમની નજીક પહોંચું એ પહેલાં બીજા દસ-બાર છોકરા અને આજુ-બાજુની લારીવાળા આવી ગયા હતા. ટોળું થવા લાગ્યું હતું. ગુજરાતમાં સૌથી ઝડપી ટોળું વિદ્યાનગરમાં થાય છે!


મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. કોઈને નહોતું સમજાતું. સિગારેટ ફૂંકતો એક છોકરો આગળ આવ્યો, છોકરીઓને પૂછ્યું કે શું થયું .
એક છોકરીએ રડવા જેવા અવાજે મારી સામે આંગળી કરી, બોલી - " પેલો છોકરો...પેલો છોકરો...પેલો છોકરો... "
એ આગળ કશું બોલતી નહોતી.. મારા ધબકારા ગાડીના એંજિનની ઝડપે ચાલવા લાગ્યા હતા. બધી છોકરીઓ ડઘાયેલી લાગતી હતી, પણ એમના કરતાં હું વધારે ડઘાયેલો હતો .

પેલા છોકરાએ આગળ પૂછ્યું :
"હા, પેલો છોકરો...પણ પેલો છોકરો શું ?"
મારી આજુ-બાજુ ત્રણ-ચાર જણા આવી ગયા હતા..બસ હવે માર પડવાની તૈયારી હતી. છોકરીને પ્રપોઝ કર્યા પછી છોકરો જે વ્યગ્રતાથી છોકરીના જવાબની રાહ જુએ એના કરતાં ય વધારે ઉશ્કેરાટ અને વ્યગ્રતાથી હું પેલી છોકરીના જવાબની રાહ જોઈ રહ્યો હતો.

પણ એ ના બોલી..હીબકે ચડી... બીજી રડતી છોકરી બોલી :
" આ છોકરો છે ને.. હમણાં... આ બેગ... આ બેગ... અહી મૂકીને ભાગ્યો...! "
બાજુમાંથી આવેલા લારીવાળાએ પૂછ્યું : " હા, તો ?? "
રડતાં રડતાં જ જવાબ આવ્યો :
" તો અમને...અમને એમ... અમને એમ લાગ્યું કે બેગમાં બોમ્બ છે!!! "

અને, મેં કપાળ કૂટ્યું !

( સત્ય-ઘટના )

No comments:

Post a Comment