થોડાક કલાકો પછી, સતત કામથી કંટાળીને, એ ઓરેલિયાનોની વર્કશોપમાં ગયો અને પૂછ્યું: "આજે કયો વાર છે?"
ઓરેલિયાનોએ કહ્યું કે મંગળવાર હતો. "હું પણ એમ જ વિચારતો હતો," જૉસ આર્કેડિઓ બુએન્ડિઆ બોલ્યો, "પણ પછી અચાનક મને ભાન થયું કે આજે હજુ સોમવાર જ છે, ગઇકાલની જેમ જ. તું આકાશ જો, આ દીવાલો જો, આ ફૂલછોડ જો. આજે પણ સોમવાર જ છે."
એના આવા પાગલપનના આદી થઇ ગયેલા ઓરેલિયાનોએ એની વાતો પર ધ્યાન ના આપ્યું. એના બીજા દિવસે, બુધવારે, જૉસ આર્કેડિઓ બુએન્ડિઆ ફરી વર્કશોપમાં આવ્યો. "આ તો હદ થઇ ગઈ," એ બોલ્યો, "તું આકાશ જો, આ સૂરજને જો, ગઈકાલે હતો એવો જ,ને એના આગળના દિવસે હતો એવો ને એવો જ. આજે પણ સોમવાર જ છે."
- One Hundred Years of Solitude ( Gabriel Garcia Marquez )
*** ***
99 % લોકોનુંય આવું જ હોય છે ને? એમનેય રોજ સોમવાર જ હોય છે! રોજ સવારે ઉઠવાનું, બ્રશ કરવાનું, ન્હાવા-ધોવાનું, જેમ-તેમ બટકું-બટકું ખાઈ લેવાનું અને પછી દોડવાનું કામ કરવા; ત્યાં ગધેડાની જેમ કામ કરવાનું, થાકીને ઠૂસ થઈને ઘેર આવવાનું, પાછું જેમ-તેમ પેટ ભરી લેવાનું, રિમોટ લઈને ચેનલ્સ બદલવાની, અદ્દલ રોજની જ જેમ સેક્સ કરવાનું અને પછી સૂઈ જવાનું. બીજા દિવસે પાછું વહેલા ઉઠવાનું અને એ જ રોજની જેમ દોડવાનું. એમને બસ કેલેન્ડરમાં તારીખો બદલાય છે, પણ જિંદગીમાં બધું એનું એ જ હોય છે!
એમના માટે આકાશ એનું એ જ રહે છે, હવામાન એનું એ જ રહે છે, દિવસો એના એ જ રહે છે. ગયા વર્ષે આ જ તારીખે એ શું કરતાં હતા એ ચેક કરો તો ખબર પડે કે એક વર્ષ પછીય એમનો દિવસ બિલકુલ એવો જ પસાર થાય છે જેવો ગયા વર્ષે થતો હતો. એમનાં સોગિયા ડાચાથી લઈને એમની બૂટ-પૉલિશ કે નેઇલ-પૉલિશ સુધીનું કશું જ બદલાતું નથી. ધોમધખતા તડકામાં, સુસવાટા મારતા શિયાળામાં કે અનરાધાર વરસતા વરસાદમાં એમને નવું કંઈ જ લાગતું નથી. એ તો હજુ ય ઊંધું ઘાલીને ગધ્ધા-વૈતરું કર્યે જ જાય છે. એમને મૌસમની નથી પડી, મિજાજની નથી પડી, પ્રકૃતિ સાથે તો વર્ષોથી છૂટાછેડા લઈ લીધા છે. વર્ષો પછી 'આ જોઈએ છે, પેલું જોઈએ છે'- એવા થોકબંધ જડબેસલાક પ્લાન્સ છે, પણ આ ક્ષણે શું કરવું છે, શું ગમે છે- તો કહેશે કે ખબર નથી. આજુબાજુની દુનિયા બદલાઈ રહી છે, એ જુઓ છો?- તો કહેશે કે ખબર નથી. હોપારા, તો તું જીવે છે કે નહીં?- તો ય કહેશે કે ખબર નથી .
એમને પ્રેમ કોની સાથે છે એ ખબર નથી, પ્રેમ છે કે નહીં એ પણ ખબર નથી. જીવે છે એટલી ખબર પડે તો પણ કેમ જીવે છે એની ખબર નથી. એમને મળવા જાઓ તો કહેશે કે ટાઇમ નથી, પણ ટાઈમ કેમ નથી એ ખબર નથી. આખો દિવસ દોડ-દોડ-દોડ-દોડ! પણ ઊભા રાખીને પૂછો કે ભાઈ કેમ દોડો છો?- તો કહેશે કે એ ખબર નથી!! દિલમાં ઉદભવેલા પ્રશ્નોનાં જવાબો આપવા મન ઉછાળા મારતું હોય ત્યારે એ દુનિયાદારીના તાળાં મારીને ગૂગલ પર જવાબો શોધવા જશે. પંદર-વીસ વર્ષો રોજ એકસરખું મશીન જેવું જીવીને પછી વિચારે ચડશે કે 'સાલું મજા નથી આવતી'! પણ મજા કેમ નથી આવતી એ ખબર નથી!
અને પછી એક દિવસે અચાનક ખબર પડશે કે લો, જિંદગી તો પૂરી થઈ ગઈ. બહુ બધું ઉકાળવાના સપના જોયા હોય, અને પછી ખબર પડે કે બધું બફાયું જ હતું. રોજ કેલેંડરમાં પત્તાં ફેરવ્યા હોય, પણ જિંદગીમાં ક્યાંક અટકી ગયા હોય- કેટલાક પહેલા બ્રેકઅપ પર જ અટકી ગયા હોય, કેટલાક ધંધામાં, કેટલાક બદલો લેવામાં, કેટલાક બદલી ના શકાય એવા ભૂતકાળમાં અને કેટલાક હજુ જેની પ્રસૂતિ જ નથી થઈ એવા ભવિષ્યમાં!
અને જિંદગી છૂટતી રહે છે. પણ એમના વિચારો-પૂર્વગ્રહો-નફરત-માન્યતાઓ-ઘેલછાઓ છૂટતી નથી. અને બસ એ રોજ એનો એ જ દિવસ જીવે છે. વર્ષોથી. વર્ષો સુધી. કેમ કે એમના માટે રોજ સોમવાર જ હોય છે !
તો તમારે આજે સોમવાર છે કે રવિવાર? સોમવાર જ હોય તો તમારે શું કરવાનું એ મને ખબર નથી. પણ રવિવાર હોય અને વીક-એન્ડની પાર્ટી હોય તો કહેજોને જરા ! આપણે આવી જઈશું. હઓ.
No comments:
Post a Comment