Friday, 19 August 2016

રક્ષાબંધન -- વૈભવનો વૈભવ છે આ!

"કેમ હું નહીં? એ વધારે સારી લાગે છે એટલે કે હું મુસ્લિમ છું એટલે?" અને પાંચમા ધોરણમાં ભણતો વૈભવ એનો પ્રશ્ન સાંભળતા-વેંત ચીરેચીરા થઈ જાય છે.
શાળામાં રક્ષાબંધન ઉજવાઇ રહી છે. હું રિચા ભટ્ટ માટે આગળના દિવસે જ એક પેન્સિલ-રબર ગિફ્ટમાં આપવા લાવ્યો છું. પણ પોતાની મરજી મુજબ રાખડી બાંધવાની છૂટ આપવાના બદલે મેડમ લાઇન કરાવે છે. જેના ભાગમાં જે આવે એ છોકરી રાખડી બાંધે. હું લાઈનમાં છું, સામે કોઈ છોકરી છે. રિચા થોડી આગળ છે, એટલે મેડમ જુએ નહીં એમ હું છટકીને રિચાની સામે જઇને ઊભો રહી જાઉં છું. એ જ વખતે આ પ્રશ્ન આવીને વાગે છે મને, છેક અંદર સુધી. હું સ્તબ્ધ થઇને એ પૂછનારને જોઇ રહું છું. પાછો જાઉં છું, એની સામે જઇને ઊભો રહી જાઉં છું. એ છોકરી, કરિશ્મા વ્હોરા, ખુશ-ખુશ થઇને મને રાખડી બાંધે છે. રિચા માટે લાવેલા પેન્સિલ-રબર હું એને આપી દઉં છું. પછી રિચા પણ રાખડી બાંધે છે, 'ને હું એને બીજા દિવસે ગિફ્ટ આપવાનો વાયદો કરું છું. અને એ હસીને કહે છે કે 'ભાઇ, તું કંઇ આપે કે ન આપે, રાખડી તો તને બાંધવાની જ હતી.' અને હજું દરેક રક્ષાબંધન પર પહેલો ફોન કરવાનો સિલસિલો કરિશ્માએ જાળવી રાખ્યો છે, 'ને બીજા દિવસે ફોન કરીને "શરમ કર ભાઈ, રક્ષાબંધન પર પણ મારે તને સામેથી ફોન કરવો પડે છે" એવી મીઠી ફરિયાદ કરવાનું રિચા ભૂલી નથી.
હું દસમા ધોરણમાં છું. ટ્યુશનમાં રક્ષાબંધન છે. હું અને મોહિત કડિયા જોડે બેઠા છીએ. પૂજા દવે મને રાખડી બાંધી રહી છે, 'ને અમારે ધ્યાને આવે છે કે એનાં હાથ ધ્રૂજી રહ્યાં છે. મોહિત એનો ધ્રૂજતો હાથ પકડી લે છે, અને બોલે છે- "ભાઇ છીએ તારા. ડર નહીં. કોઈ બીજાથી પણ ડર લાગે તો અમે બેઠા છીએ." અને પછી એ હાથ ધ્રૂજતો બંધ થઈ જાય છે. અને છેલ્લાં નવ વર્ષથી આ હાથ પર પૂજાની રાખડી ના બંધાઈ હોય એવી એક પણ રક્ષાબંધન હજુ ગઇ નથી.
હું બારમા ધોરણમાં છું. કલાસમાં રક્ષાબંધન ઉજવાઈ રહી છે. પણ હું વર્ગ સુશોભન સ્પર્ધાનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે એ પૂછવા આચાર્યની કેબિનમાં ગયો છું. થોડીવાર પછી હું આવું છું. રાખડીઓ બાંધવાનું લગભગ પૂરું થઈ ગયું છે. મારૂં આ વર્ષ રાખડી વગર જ જવાનું એમ વિચારતો હું ઊભો છું. અને મને આવી ગયેલો જોતાંવેંત દિશા અને પ્રેરણા મને ખખડાવી નાંખે છે. એમનાં ગુસ્સાનું કારણ મને રહી-રહીને સમજાય છે. બીજી બધી છોકરીઓએ જેમને રાખડી બાંધવી હતી એમને બાંધી દીધી, પણ વૈભવ હાજર નહોતો એટલે એ રાહ જોઈને બેસી રહી છે. અને "એમાં શું થઈ ગયું? તમારે તો બીજા જેને રાખડી બાંધવાની હોય એને બાંધી દેવાય ને!" એવી મારી બાઘી દલીલ સામે એમનો સણસણતો જવાબ આવે છે: "કેવી વાત કરે છે! તારા પહેલાં બીજા કોઈને તો નહીં જ બંધાય." અને આંખમાં આવી ગયેલાં ઝળઝળિયાં રોકતો હું ફરી એકવાર ચૂપ થઈ જાઉં છું, હાથ લંબાવી દઉં છું.
ધીરે ધીરે, કંકુનો ચાંલ્લો કરીને એક પછી એક રાખડીઓ બંધાતી જાય છે. અને પછી કપાળ પર ચાંલ્લો કરવા જેટલી જગ્યા નથી રહેતી. દેવી સુથાર રાખડી લઇને આવે છે, અને હું બોલી પડું છું કે "દેવી, હવે ચાંલ્લો કરવા જેટલી જગ્યા નથી રહી. બહુ ફેલાયું છે. તું ખાલી રાખડી બાંધ." એ જવાબમાં હસી જાય છે, "કોણે કહ્યું કે જગ્યા નથી ? આ બધું ખાલી જ તો છે." એવું બોલીને ગાલ પર કંકુનો લિસોટો કરે છે. અને એનાં પછી આવનારી દરેક છોકરી ચહેરા પર જયાં જગ્યા મળે ત્યાં લિસોટા કરે છે, અને વૈભવ રક્ષાબંધનના દિવસેય લાલ રંગથી હોળી રમતો રહે છે.
ત્યાંથી નીકળીને સાંજે ડ્રેસિંગ કરાવવા હૉસ્પિટલ જાઉં છું. કાઉન્ટર પર બેઠેલી છોકરી મારો રંગબેરંગી હાથ જોઇ રહે છે. હજુ તો રક્ષાબંધન બીજા દિવસે છે. હું એનો ભાવ સમજી જાઉં છું, 'ને હસીને કહું છું કે "આ તો આજે સ્કૂલમાં રક્ષાબંધન હતીને એટલે." અને એ દિવસની સત્તરમી રાખડી હૉસ્પિટલમાં બંધાય છે, કોણીની બિલકુલ નીચે. કાઉન્ટર પર બેઠેલી એક અજાણી છોકરી દ્વારા.
કૉલેજનાં પહેલા વર્ષમાં મોટી બહેન રિંકુનાં લગન છે. એને મળવા લોકો આવ્યાં કરે છે. અને એ બોલે છે કે, "મારી બહેનપણીઓ કરતાં વૈભવની બહેનો વધારે આવી છે મળવા." અને માસીની છોકરી એને પૂછી બેસે છે કે "આટલી બધી છોકરીઓ વૈભવને સગા ભાઈ જેવું રાખે તો તને ઈર્ષ્યા નથી આવતી?" એક ક્ષણ પણ રોકાયા વગર એ જવાબ આપે છે: "એમાં ઈર્ષ્યા કેમ થાય? મને તો ગર્વ હોવો જોઈએ ને કે એ મારો સગો ભાઇ છે!" અને બીજા રૂમમાં ચા વહેંચતો હું સાંભળી જાઉં છું, 'ને ભરાઈ આવેલી આંખો કોઈ જોઇ ના જાય એટલે ઘરનાં પગથિયાં ઊતરી જાઉં છું.
'ને, એ જ રિંકુ પછી એક દિવસ પ્રેમથી ધમકાવે છે: "વૈભવ, આટલી બધી બેનો ના હોય . હવે તું કૉલેજમાં આવ્યો. ફ્રેન્ડ્સ બનાવતાં શીખ." અને ત્યારથી હું કોઈને બેન બનાવવાનું બંધ કરી દઉં છું. સામેથી કહી દઉં છું કે મારી આ જન્મની બેનોનો કોટા પૂરો થઈ ગયો છે.  એ વાતને વર્ષો થઈ ગયાં, કૉલેજ પૂરી થઈ ગઇ. અને હમણાં વાત કરતાં કરતાં પ્રિયાંશી એકવાર પૂછી લે છે: "તમે મારાથી ઘણાં મોટાં છો. હું તમને 'ભૈયા' કહું તો ચાલશે?" અને તરત વળતા જવાબમાં "અફકોર્સ. કેમ નહીં?" સાથે વર્ષો પછી એક નાનકડી ડૉક્ટર બેન ઉમેરાય છે મારા એ પરિવારમાં.
અને વળી એક રક્ષાબંધન આવીને દરવાજે દસ્તક દઇ રહી છે. હું સૂનમૂન થઈ ગયો છું. અમૃતા ઉપાધ્યાય નથી આવવાની આ વર્ષે પહેલી રાખડી બાંધવા. એ લગન કરીને ઓસ્ટ્રેલિયા જતી રહી છે. 'ને હું વિચારે ચડ્યો છું કે કાલે સવારે હવે ઘરમાં કોણ મને એમ કહીને ઉઠાડશે કે "જલ્દી ઉઠ, અને તૈયાર થઈ જા, અમૃતા આવતી હશે!" કેટલાં વર્ષો પછી પહેલીવાર રિંકુ એમ નહીં બોલે કે, "અમૃતાને આવવા દો, પછી હું રાખડી બાંધુ છું." પહેલીવાર સમજાય છે કે એ કેટલી દૂર થઈ ગઇ છે…! 
એક પછી એક રક્ષાબંધન સ્મૃતિપટ પર આવીને પોતાની હાજરી પુરાવી રહી છે. યાદ આવીને મનમાં રહી ગયેલી, અહિં શબ્દોમાં ના ઉતરેલી હજુ કેટલી રાખડીઓ છે, કેટલી પ્રેમ-નીતરતી લાગણીઓ ભરાઈ પડી છે! ગળે ડૂમો ભરાયો છે, આંખે ઝાકળ બાઝ્યું છે. વૈભવનો વૈભવ છે આ! હા, આ પ્રેમ, આ વિશ્વાસ, આ સતત મને તરબોળ કરતી રહેલી લાગણીઓ એ ખજાનો છે મારો. એક જીવન આપી શકે એનાં કરતાં વધુ પ્રેમ મળ્યો છે મને. એક માણસ પચાવી શકે એના કરતાં પણ કદાચ વધારે. એટલે જ હૈયામાં ના સમાતા આમ તમારી સામે ખજાનો ખુલ્લો મૂક્યો છે આજે. અને મારાં અને એમનાં- બંને બાજુથી નિરંતર વહેતી રહેલી લાગણીઓનો ધોધ ખાસ તો જવાબ છે એ બધાં ચીબાવલા લોકોને જે એમ કહેતાં ફરે છે કે "લોહીની ભાગીદાર હોય એ જ બેન, બાકી બધાં દંભ કે ગોરખધંધા. આપણે તો આ માનેલા ભાઇ-બેનમાં નથી માનતાં બ્લા બ્લા બ્લા…" રહેવા દો સાહેબ, તમને નહીં સમજાય.. તમે સંબંધોમાં લેબલ શોધવામાં રહી જશો, હું લાગણી જોઈને નિચોવાઈ જઈશ.
હા તો, બસ એટલું જ. મારી બધી બહેનોને, તમારાં આ ભાઈએ આજે યાદ કરી છે. અને હવે આ હાથ તમારી રાખડીઓથી ઉભરાતો ના હોય, એટલે કાંઇ સ્નેહ ઓછો નથી થયો, તમારું મહત્વ ઓછું નથી થયું. સરસ મજાની રસઝરતી જિંદગી જીવું છું, 'ને તમારી ખોબલે-ખોબલે મળેલી, મળતી રહેલી દુઆઓ છે, એ ગાંઠે બાંધીને ચાલુ છું. એટલે જ સ્તો, યે જીંદગી ગુલઝાર હૈ…  
હેપ્પી રક્ષાબંધન… ~--@--~ 

No comments:

Post a Comment