Sunday, 20 December 2015

પ્રેરણામૂર્તિને

રિસેસના ટાઈમમાં અમે શાળાના પ્રાર્થના-ખંડમાં લટાર મારી રહ્યા હતા.
 ત્યારે હું ધ ઉંદેલ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. પ્રાર્થના-ખંડની દીવાલો પર કોઈ ચિત્ર-સ્પર્ધામાં સ્પર્ધકોએ દોરેલા ચિત્રો લગાવ્યા હતા. મેં એ જોવાનું ચાલુ કર્યું . કોઈ તેરે નામ જેવા વાળ-વાળો ચહેરો દોરેલો હતો એકમાં. 

"પબ્લિક કેવું-કેવું બીક લાગે એવું દોરે છે" એવું મનમાં વિચારતો હું આગળ બીજા ચિત્ર બાજુ ગયો. ત્યાં પણ એ જ લાંબા વાળ-વાળો ચહેરો. આખી લાઇન જોઈ નાખી. બધે એ જ ચહેરો અલગ અલગ અદામાં. આ શું છે એ ના સમજાયું એટલે નિસર્ગને બૂમ પાડીને બોલાવ્યો. એ અમારું હરતું-ફરતું જનરલ નોલેજ. આખી દુનિયામાં કોણે કોને સળી કરી-થી લઈને કોણ નવું આવ્યું, જૂનું ક્યાં ગયું- બધું નિસર્ગને ખબર હોય. એને બોલાવીને ચિત્રો બતાવ્યા, સહજતાથી આ ચિત્રમાં ભાઈ કોણ છે એમ પૂછ્યું.



અને પછી એમની પહેલી વારની ઓળખાણની શરૂઆત થઈ - " અલા, તું આમને નથી ઓળખતો ? આપણા નવા રાષ્ટ્રપતિ. વૈજ્ઞાનિક છે, મિસાઇલ બનાવી છે, એટલે મિસાઇલ-મેન લખેલું છે આ ચિત્રોમાં. ધ્યાનથી જો તો ખરો. એમની થીમ પર જ ચિત્ર-સ્પર્ધા હતી સ્કૂલમાં, ચોપડીમાંથી અધ્ધર જોવે તો તને ખબર હોય ને !"

અને એ ઠપકા સાથે ઓળખ-વિધિ પૂરી થઈ. પણ એ ચહેરો યાદ રહી ગયો. વાંકડિયા જુલ્ફા-વાળા લાંબા વાળ-વાળો બાળસહજ હાસ્યવાળો ચહેરો ! એ પછી એક દિવસ નોટબૂક્સ લેવા ગયો દુકાનમાં. અને મિસાઇલ-મેન લખેલી નોટબૂક્સ જોઈ ગયો. અલગ-અલગ પોઝમાં અલગ-અલગ ક્વોટ સાથેની નોટબૂક્સ. લઈ જ લીધી. ત્યારથી જ ધીરે-ધીરે એક અલગ પ્રકારનું બોંડિંગ ચાલુ થયું . જેમ-જેમ વર્ષો વીતતા ગયા એમ એ બોંડિંગ પણ મજબૂત થતું ગયું. મને એમનું fascination હતું. એક ના સમજાય કે ના સમજાવી શકાય એવું આકર્ષણ. આજે પણ છે . એ આકર્ષણના લીધે જ એમના વિષે પેપરમાં આવતા કોઈપણ સમાચાર કે લેખ બધું કામ પડતું મૂકીને વાંચી લેતો. મજા આવતી. આઇડોલ કે આદર્શ કે પ્રેરણામૂર્તિ એ બધા શબ્દોનો અર્થ સમજવાનો બાકી હતો એ સમયથી કદાચ મારા અજ્ઞાત મન પર એમનો સિક્કો લાગી ગયો હતો. પછી એક નવી આદત પડી. પેપરમાં ક્યાંય પણ એમનો ફોટો આવે તો કાપી લેવાનો, ને સાચવીને મૂકી દેવાનો. એ રીતના કટિંગ્સનો ઢગલો થયો હતો મારી જોડે. ઢગલામાં એક ફોટો પ્રીતિ ઝિંટાનો, એક એન્જેલિના જોલીનો, અને બાકી બધા જ અબ્દુલ કલામ !

દસમા ધોરણમાં હતો ત્યારે ગુજરાતી વિષયમાં એમની આત્મકથામાંથી એક પાઠ આવતો. એમના ગામ વિષે, એમના પપ્પા વિષે, ગામડાનો છોકરો મોટો થઈને કૈંક કરવાનું સપનું જુએ એ વિષે, અલગ ધર્મના હોવાથી શિક્ષક દ્વારા થયેલા ભેદભાવ અને મિત્રના સમજદાર પિતાએ બાળકોના મનમાં ઝેર ના ફેલાવવા માટે શિક્ષકને આપેલા ઠપકા વિષે, બીજા એક બ્રાહ્મણ શિક્ષક જે એમને વ્હાલથી રાખે છે, પ્રેમનાં બીજ રોપીને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે એ વિષે. અને ગામડામાંથી શહેરમાં આવેલો હું, ખુદને પણ જાણ્યે-અજાણ્યે એ પાઠ સાથે સાંકળતો જતો હતો. એ ક્યાંક દૂર રહીને પણ આ અજાણ્યા શહેરમાં ટકી જવા જાણે પ્રેરણા આપતા હતા. અને હું ટકી ગયો, ટટ્ટાર રહીને.

12th સાયન્સની ફાઇનલ એકઝામને એક-બે મહિનાની વાર હતી, ને મોમીન સર પૂછે છે કે કયો વિષય ચાલુ છે હાલ ? અને હું ખુશ-ખુશ ચહેરે બોલી દઉં છું કે - " આજકાલ Wings of Fire વાંચું છું. મજા આવે છે ! " અને પછી આખા ક્લાસ વચ્ચે મોમીન સરનું ફાયરિંગ થાય છે, ને મારી મજા નીકળે છે-" અમીન, સારી વાત છે. પણ આપણે પહેલા જે વાંચવાનું છે એ વાંચો. પછી 2 મહિનાનું લાંબુ વેકેશન આવે જ છે." અને આ અમીનને મોમીનના એ શબ્દોથી ખોટું લાગી જાય છે. અડધી વાંચેલી એ આત્મ-કથા હું ત્યાં જ છોડી દઉં છું, અને આજે આટલા વર્ષે પણ એ પૂરી નથી કરી. ઘણાં બધાં વેકેશન આવી ગયા છતાં પણ.

અને કોલેજના દિવસોમાં એકવાર એમને મળવા, જોવા માટે છેક નડિયાદ DDIT માં ફોગટ ધક્કો ખાઈને નિરાશ થાઉં છું, ને હવે તો કૈંક બની જઈશ પછી જ મળવા જઈશ એવું મનમાં જ નક્કી કરી લઉં છું. અને એ વાત પણ ભૂલી જાઉં એટલા વર્ષો પછી અચાનક જીગાનો ફોને આવે છે. ગંભીર અવાજે એ ટીવી ચાલુ કરવાનું કહે છે. અને ટીવી ચાલુ કરતાં-વેંત હું ખુરશીમાં જડાઈ જાઉં છું. એમણે આ ધરતીને આખરી અલવિદા કહી દીધી છે. અને અચાનક ધ્રાસ્કો થાય છે કે એક જ તો માણસ હતો જેને મળવાનું સપનું હતું. એ પણ આમ અચાનક...અધવચ્ચે જ ! આંખોમાં ઝળઝળિયા આવી જાય છે. એકસામટું બધું જ- બહુ જ બધું યાદ આવી જાય છે.

અને આજે ગુરુ પૂર્ણિમા છે. જીવિત, જડવત, મૃત , હાલતા-ચાલતા, ટકરાતાં, વાર્તામાં વાંચેલા, ફિલ્મોમાં જોયેલા ચિત્ર-વિચિત્ર પાત્રો, લોકો, માણસો, નિર્જીવ વસ્તુઓ પાસેથી શિખતો રહ્યો છું. પણ કલામ ! આજે પહેલી વાર અહેસાસ થાય છે કે ભલે કોઈ સીધો સંપર્ક નહોતો, કોઈ ઘેર ઉઠવા-બેસવા કે ચા પીવાની ઓળખાણ નહોતી, પણ જે અસર એમણે છોડી છે મારી જિંદગી પર, કદાચ એ મારા ડિસ્ટંટ-ગુરુ હતા. કલામ નામની એક દીવાદાંડી હતી, જેને દૂરથી જોઈને હૈયાને હામ મળ્યા કરતી હતી.

તો એમના જવાથી શું એ દીવાદાંડી ના રહી ? ના.. એ તો ત્યાં જ છે , ત્યાં રહેશે જ. બસ દીવો હોલવાયો છે... અને એ દીવો હવે આપણે પ્રગટાવશું ...ફરીથી. હું, તમે, આપણે સૌ ! મારા-તમારા જેવા કોઈ દીવાદાંડીના ભરોસે દરિયો પાર કરી લેવાની તમન્ના અને તાકાત રાખતા મુસાફિર માટે !
કલામ... સલામ...! આભાર...સાથ આપવા માટે, હાથ આપવા માટે ! ગુરુ-પૂર્ણિમા પર, ગુરુને !
_/\_ _/\_

No comments:

Post a Comment