એ વખતે હું કોલેજના પહેલા સેમેસ્ટરની પરીક્ષાઓ આપીને ઘરે આવેલો હતો. પણ પરીક્ષા બહુ સારી ના ગઈ હોવાથી અને બીજા કારણોના લીધે મૂડ ખરાબ રહેતો હતો, ઘરે પણ ગમતું નહોતું. એટલે બીજા જ દિવસે બેગ પેક કરી નજીકના ગામમાં આવેલા માસીના ઘરે જતો રહ્યો. આશય એટલો જ કે ગામડાના કુદરતી વાતાવરણમાં રહીશ, માસિયાઈ ભાઈ-બહેનો સાથે મસ્તી કરીશ, કૂવે જઈશ, ખેતરે જઈશ તો ધીરે ધીરે બધું ભૂલીને નોર્મલ થઈ જઈશ પાછો.
એવા જ એક દિવસની વાત છે . બપોરે એકાદ વાગ્યાનો સમય હશે. માસીએ કહ્યું કે "ભાઈ જમવાનું થઈ ગયું છે, જમી લે હવે". ઘરની બાજુમાં ઓસરી હતી,માસી ત્યાં બેસીને ચૂલા પર મકાઈનાં રોટલા બનાવતાં હતાં. હું પણ તાંસણામાં દાળ ભરીને ત્યાં જ બેઠો, એમની બાજુમાં જ. ઘરની બાજુમાંથી જ રોડ જતો હતો, ત્યાંથી થોડી-થોડી વારે વાહનો પસાર થઈ જતાં હતાં. રોડની સામેની બાજુ એક ખેતર હતું. એ બધાથી બેપરવા હું ચૂપચાપ જમ્યે જતો હતો. માસી ક્યારનાં મારી સામે જોઈ રહ્યાં હતાં એ મારાં ધ્યાનબહાર જ રહ્યું. અચાનક રોટલા ફેરવવા-ઉતારવા રાખેલો ચીપિયો ખખડાવીને મને ઢંઢોળતા હોય એમ બોલ્યા -" ભાઈ, શું થયું છે ? તું કેમ સાવ ગૂમસૂમ રહે છે ? કોલેજમાં ગયા પછી બહુ શાંત થઈ ગયો હોય એમ લાગે છે !"
એમની આવી ટકોરથી અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગ્યો હોય એમ હું વિચાર-પ્રદેશમાંથી બહાર આવ્યો. " કશું નથી થયું,માસી. એ તો અમસ્તું જ !" એમ બોલીને સ્માઇલ કરવાનો પ્રયત્ન પણ કરી જોયો. પણ એ મારાં ચહેરા સામે અવિશ્વાસથી તાકી રહ્યાં હતાં. એમની સામે ના જોઈ શકવાથી કે પછી ગમે તે હોય, પણ મેં નજર ફેરવી લીધી. થોડીવાર રોડ પરથી પસાર થતાં એકલ-દોકલ લોકોને જોઈ રહ્યો. કેવી નિરાંત હતી આમને ! કોઈ વાતની કશી ચિંતા જ નહીં. ક્યાં શહેરની દોડ-ધામમાં ચૂંથાઇ જતી, પ્રદૂષણમાં કરમાઈ જતી, સ્ટ્રેસથી કોરી ખાતી જિંદગી અને ક્યાં આ ગામડાની શુદ્ધ હવામાં કોઈ જ ટેન્શનને નજીક ના આવવા દે એવી નિર્મળ જિંદગી. મારી આંખો બધું જોતી રહી, મન સરખામણી કરતું રહ્યું અને મગજ એ બધાંથી અલિપ્ત થઈને કોઈ બીજા જ પ્રદેશમાં ઘમાસાણમાં પરોવાયેલુ રહ્યું.
એવામાં અચાનક મારી નજર સામેના ખેતરમાં પહોંચી, અટકી . ખેતરના એક ભાગમાં જ્યાં કોઈ વાવણી નહોતી કરી ત્યાં તંબૂ જેવુ કૈંક દેખાયું, 2-3 ઊંટ પણ દેખાયા અને કેટલાક લોકો બેઠા હોય એવું લાગ્યું. નજર એ જ બાજુ રાખીને જમતાં-જમતાં જ પૂછ્યું : "માસી, આ સામેના ખેતરમાં કોણે તંબૂ બાંધ્યા છે ?" માસીએ એમનું કામ ચાલુ રાખતાં કહ્યું- " એ તો વણઝારા છે, કાફલો લઈને પડ્યા છે કેટલાક દિવસથી . આમ રખડતા જ રહેતા હોય, થોડા દિવસોમાં અહિયાંથી નીકળીને બીજે ક્યાંક તંબૂ નાખીને રહેશે ! ઠેકાણા વગરની જ જિંદગી હોય એમની ! "
અચાનક મને એમની વાતમાં રસ પડ્યો , ફટાફટ જમવાનું પતાવીને માસીને " હમણાં આવું છું " કહીને નીકળી પડ્યો . વાડ ઓળંગીને ખેતરમાં પેઠો. ધીરે ધીરે ચાલતો ચાલતો પેલા કાફલા સુધી પહોંચ્યો. 2-3 તંબૂ હતાં, એક તંબૂની બહાર 4-5 લોકો ભેગા મળીને જમવા બેઠા હતાં. વાતોનો દૌર ચાલતો હતો, એમની મને ના સમજાતી ભાષામાં ઠઠ્ઠા-મશ્કરી ચાલતી હતી. મારા આવવાથી એમને કોઈ ફરક પડ્યો હોય એવું લાગ્યું નહીં, એ એમની મસ્તીમાં જ હતાં. હું થોડેક જ દૂર પડેલી ઊંટગાડી પર ચડીને પગ લબડાવતો બેસી ગયો. મારે એમની બોલી સાંભળવી હતી, સમજવી હતી, એમનો પહેરવેશ-રીતભાત-રહેણીકરણી જોવી હતી. એટલે હું બેઠાં-બેઠાં એમની ગતિવિધિઓ જોતો રહ્યો.
અચાનક એ લોકો શું ખાય છે એ જાણવાની ઉત્કંઠા થઈ . તાંસણામાં કશાકમાં રોટલો ચોળીને ખાતાં હતાં, પણ એ દાળ કે શાકમાં ચોળ્યો હોય એવું લાગ્યું નહીં. બાજુમાં માટીના બનાવેલા ચૂલા પર રોટલો શેકાતો તો દેખાયો, પણ શાક કે દાળનું તપેલું ક્યાંય દેખાતું નહોતું. તો પછી આ લોકો રોટલો શેમાં ચોળે છે એ વિચારતો હું બેસી રહ્યો. એટલામાં જુવાન લાગતા એકનું તાંસણું ખાલી થયું, અને એણે બીજીવાર તાંસણામાં રોટલો ચોળવા માંડ્યો. હમણાં એ ક્યાંકથી દાળ કે શાક નાખશે એમ વિચારી હું જોતો રહ્યો. અને એણે જે કર્યું એ જોઈને હું છક જ થઈ ગયો. બાજુમાં પડેલા એક માટીના ઘડા જેવા પાત્રમાંથી એણે પાણી ભર્યું, રોટલો ચોળેલા તાંસણામાં એ પાણી રેડ્યું, અને રોટલો-પાણી ભેગું કરીને લૂગદી જેવુ બનાવીને એણે ખાવાનું ચાલુ કર્યું !!
ડોળા ફાડીને હું દરેકનાં તાંસણા જોઈ રહ્યો હતો, દરેકમાં મને એ જ લૂગદી દેખાઈ. હું થોડીવાર એમના તાંસણા સામે અને થોડીવાર એમના ચહેરા સામે બાઘાની જેમ તાકી રહ્યો હતો. હું જે જોઈ રહ્યો હતો એ હું માની નહોતો શકતો. કોઈ આટલા આનંદથી, ઉમળકાથી આવી રોટલા-પાણીની લૂગદી કેવી રીતે ખાઈ શકે ?? અરે ગળે ઊતરે જ કેવી રીતે ? અને એ પણ આનંદથી, કૈંક બત્રીસ પકવાન ખાતાં હોય એવા ભાવથી ? જિંદગીથી કોઈ જ ફરિયાદ વિના , તકલીફો વિષે જરાય ઊંહકારો કર્યા વગર, કોઈ મહેફિલ હોય એમ કેવી રીતે જીવે છે આ લોકો ?
અને મારાથી વધારે ત્યાં બેસી ના શકાયું. વર્ષોથી કોરીકટ રહેલી આંખોમાં પૂર ઊમટ્યું હતું, હ્રદયમાં કૈંક ઘા પડતાં હોય એવું લાગતું હતું, મગજ સૂન્ન થઈ ગયું હતું. દિલોદિમાગ પર બસ એક સવાલ કોતરાયેલો હતો કે "પણ એ આટલા ખુશ કેમ હતાં ?" એવું નહોતું કે મેં આ પહેલા ગરીબી કદી જોઈ જ નહોતી, પણ અભાવોને અવગણીને જિંદગીને જલસો બનાવી દેનારો નફિકરો મિજાજ જોવાનો એ પહેલો અવસર હતો. એમના ચહેરા પર કોઈ ફરિયાદનો સૂર નહોતો, કોઈ વિષાદ નહોતો, જિંદગીએ એમને કૈંક ઓછું આપીને બીજાને વધારે આપી દીધું એવો ઈર્ષ્યા-ભાવ નહોતો, ઊલટું જિંદગીએ જે આપ્યું છે એની કૃતજ્ઞતા છલકાતી હતી એ ચહેરાઓમાં. પરમાનંદ આનાથી પણ અલગ હોઈ શકે એવું મને ના લાગ્યું એ ઘડીએ. અહેસાસ થયો કે એ બહુ અમીર હતાં, અને હું.... હું ખુદની અમીરીને ઢાંકીને જે નથી એના માટે તલસતો, તડપતો, ફરિયાદો કરતો ગરીબ હતો. ના, મને એમના પર દયા નહોતી આવતી, ખુદ પર આવતી હતી. બધું જ હોવા છતાં જે નથી એને શોધી-શોધીને તડપતા રહેવાના ખુદના સ્વભાવ પર દયા આવતી હતી .
અને બસ, એ ખેતરની એ વાડ કૂદાવીને બહાર નીકળવાની સાથે મેં જાતે ઊભી કરેલી મનની ગરીબીની વાડો પણ કૂદાવી દીધી. ત્યારથી લઈને આજ સુધી જિંદગી અનરાધાર વરસી છે, અને હું ભીંજાતો રહ્યું છું એ જિંદગીના કેફમાં. હવે મારી પાસે કેટલું છે અને શું બાકી છે એની કોઈ ગણતરી નથી, કેમ કે જે છે એનો આનંદ લૂંટી લેવામાંથી, અમૂલ્ય જિંદગીનો લ્હાવો લઈ લેવામાંથી હવે એવું બધું વિચારવાનો સમય નથી ! એ વિચારો જિંદગીને બાંધીને એક દિશામાં ભાન ભૂલીને દોડતાં લોકોને સોંપ્યા, કેમ કે મારુ મન તો ચાલી નીકળ્યું છે, પોતાની ધૂનમાં મસ્ત હોય એવા વણઝારાની જેમ, અનંત આનંદના પ્રદેશમાં...

ગરીબી ના વાડા ,ધર્મ ના વાડા , માનસિકતા ના વાડા
ReplyDeleteજેટલી વાડો તૂટશે એટલો વધુ આનંદ આવશે
Aha!! Wonderful Vaibhav!! Specially i am surprised to note that how maturely you write at a very young age !!
ReplyDeleteThank you. But I am not getting your name by the initials in your profile. May I know your name, please ?
DeleteParth Mehta
DeleteThis comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteI am speechless.why you didn't make career in Gujarati navalkatha writing??
ReplyDeletehaha... sure. atyare to nahi, pan kyarek eno pan samay aavshe.
Deleteજિંદગી અનરાધાર વરસી છે.....Ahhhhaaaaaaa
ReplyDelete