Saturday, 19 April 2014

શું તમે કોઈનો ખુદ પરનો વિશ્વાસ જગાવી શકો છો ?

એક ઘટના યાદ આવે છે .. આમ તો બહુ સામાન્ય કહેવાય એવી જ વાત છે , પણ આવી સામાન્ય લાગતી વાતો જ ક્યારેક અજાણતા કોઇની જિંદગીની દિશા બદલી નાખતી હોય છે . 


નવમા ધોરણનો વર્ગ હતો . અંગ્રેજીનો પીરિયડ ચાલુ હતો . શિક્ષક હતા ચંપાવત સર , અને એમની ભણાવવાની રીત જ એવી કે ક્લાસ એકદમ જીવંત લાગે , જલસો પડી જાય . ચોપડીમાં લખ્યું હોય એ બકી નાખનાર શિક્ષકો કરતાં એ અલગ પડે . એમનો કોઈ અલગ જ અભ્યાસક્રમ ચાલતો હોય . ભણાવતા-ભણાવતા ગતકડા કરવાનો એમને શોખ . વાત આવા જ એક સામાન્ય ગતકડાની . 


એ દિવસે ચંપાવત સર Presence of mind ટોપિક પર કૈક સમજાવતાં અચાનક અટકી ગયા , અને બોલ્યા - " ચાલો એક ગેમ રમીએ . હું ગમે તેને ઊભા કરીને કૈક પૂછીશ , તમારે જવાબ આપવાનો . " કૈક નવી રમત ચાલુ કરી એમ સમજીને વિદ્યાર્થીઓ ખુશ થઈને ચોપડી બંધ કરીને તલ્લીનતાથી સરને જોઈ રહ્યા . આમાં ક્યાં ધાડ મારવાની હતી , જવાબ જ આપવાનો હતો , અને ચંપાવત સર પુસ્તકિયા પ્રશ્નો તો પૂછતા નહીં . એક છોકરાને ઊભો કર્યો , અને પ્રશ્ન પૂછ્યો . ખરેખર તો પ્રશ્ન પૂછ્યો એવું કહેવું વધારે પડતું છે . વિદ્યાર્થીઓ એકબીજા સામે જોઈ રહેલા બાઘાની જેમ , કેમકે સરે કશું બોલ્યા વગર પેલાની સામે ફક્ત હોઠ જ ફફડાવેલા . અને કહ્યું કે મેં પૂછ્યું એનો જવાબ આપ . 


શૂન્યાવકાશ કોને કહેવાય એ કદાચ પહેલીવાર પેલા છોકરાને સમજાયું હશે . પ્રશ્ન જ નથી ખબર તો જવાબ પણ શું દે ? તરત બીજાને ઊભો કર્યો , પરિણામ એ જ . સાહેબે વારેવારે હોઠ ફફડાવીને પ્રશ્ન રિપીટ કર્યો , લિપ-રીડિંગ કઈ બલાનું નામ છે એ ખબર નહોતી એમણે પણ ફફડતા હોઠ પર ધ્યાન કેન્દ્રિત કરીને માથા-પચ્ચીસી કરી જોઈ , પણ કોઈને સમજાયું નહીં . દશેક વિદ્યાર્થીઓને ઊભા કર્યા , અમુકે જવાબ પણ આપ્યા , પણ સર જે પૂછતા હતા એનો એ જવાબ નહોતો . 


બધા માથું ખંજવાળતા હતા એવામાં સર બોલ્યા - " જુઓ હું તમને બતાવું કે જવાબ કેવી રીતે અપાય ! " અને એમણે સ્કૂલમાં અને શહેરમાં નવા આવેલા એક છોકરાને ઊભો કર્યો , એની સામે જોઈને હોઠ ફફડાવ્યા . થોડી સેકંડ્સ તો એ છોકરો કશું યાદ ના આવવાથી ચૂપ રહ્યો ... અને પછી અચાનક એને જવાબ સૂઝયો . એ જવાબ આપતો હતો ત્યારે ચંપાવત સરના ચહેરા પર એક broad smile હતી , કેમકે એ છોકરાએ એમના વિશ્વાસને સાચો ઠેરવ્યો હતો . પ્રફુલ્લિત ચહેરે એ જવાબ આપતા છોકરા સામે આંગળી કરીને એટલું જ બોલ્યા કે - " જુઓ , આને કહેવાય Presence of mind ! " શું જવાબ આપેલો એ છોકરાએ ? actually , જવાબ તો એ છોકરાએ આપેલો જ નહીં ... એણે ય સામે હોઠ જ ફફડાવેલા !! 


આ વાત થયે 9 વર્ષ થઈ ગયા . તમે ધારી જ લીધું હશે એમ , એ છોકરો હું પોતે જ હતો . પણ આ આટલી રામાયણ મારી presence of mind કેટલી સારી કે શાર્પ છે એની કથા કરવા નથી કરી . કેમકે મને તો જવાબ આવડતો જ નહોતો . બીજા બધા મારા મિત્રોની જેમ હું પણ ફફડતા હોઠથી સર શું પૂછવા માગે છે એ ના સમજાતું હોવાથી ડાફોળિયા જ મારતો હતો . છેક મને ઊભો કર્યો ત્યાં સુધી મને નહોતી ખબર કે હું શું બોલીશ (કે નહીં બોલું ) . પણ બરાબર એ જ સમયે પેલા શબ્દો આવ્યા હતા , ઊભો થઈને જવાબ આપીને બેઠો ત્યાં સુધી ફક્ત એ શબ્દો જ મગજમાં ચકરાતા હતા - - " જુઓ હું તમને બતાવું કે જવાબ કેવી રીતે અપાય ! " ત્યાં સુધી મારું મગજ શૂન્યાવકાશની સ્થિતીમાં જ હતું .. અને અચાનક મારા માટે બોલાયેલા એ શબ્દોએ મન અને મગજને વિશ્વાસથી ભરી દીધું . એ શબ્દો બોલાયા પછી હું ખોટો પડીશ , મને નહીં આવડે , બધા હસશે - એવો કોઈ જ વિચાર નહીં આવેલો , કેમકે ફાલતુ વિચારો માટે જગ્યા પણ નહોતી .. બસ , વિશ્વાસ હતો કે હું જે કઈ કરવાનો છું એ સાચું છે ! 


આજે અચાનક આ યાદ આવી ગયું . એક સાવ સામાન્ય ઘટના . એ વિદ્યાર્થીઓ ભૂલી ગયા હશે એ વાત , અને ચમ્પાવત સર પણ . પણ , મારા માટે એ દિવસ, એ ગુરુ અને એ ઘટના યાદગાર છે . કેમકે એ દિવસથી ગામડામાંથી શહેરમાં નવા-નવા આવેલા અને શહેરી સ્માર્ટ કિડ્સ વચ્ચે પોતાને ગામડિયન સમજતા એ છોકરાએ ખુદમાં વિશ્વાસ મૂકવાનું શરૂ કરેલું . અને ચંપાવત સરે વિશ્વાસનું રોપેલું એ બીજ આજે ગુલમહોરની જેમ મહોર્યું છે , એટલે જ જાહેરમાં આ શબ્દો રૂપે બહાર આવે છે . કેમ કે હવે મને બીજા બધા કેટલા સ્માર્ટ છે એની ચિંતા નથી થતી . પોતાના વિચારો જાહેરમાં બેધડક બેઝિઝક મૂકતી વખતે ડર નથી લાગતો કે લોકોને નહીં ગમે , કોઈ શું કહેશે , કોઈ વિરોધ કરશે તો , કેટલું બકવાસ લખે છે, સમાજને સુધારવા બેઠો છે બ્લા બ્લા બ્લા ... કેમકે મનમાં ખુદ પરના અતૂટ વિશ્વાસની અખંડ જ્યોત પ્રગટાવેલી છે વર્ષો પહેલાં !


હું મૂર્તિઓવાળા ભગવાનમાં નથી માની શકતો , એટલે જ લોકો હાલતા-ચાલતા મને નાસ્તિકનું લેબલ ચીપકાવી આપે છે . પણ મને તો મારા ભગવાન આ રીતે જીવતા-જાગતા લોકોમાં જ મળી જાય છે ...ચંપાવત સર-મોમીન સર જેવા ગુરુઓમાં કે પછી જેમની સાથે ખભો મિલાવતાં મારુ મસ્તક ગર્વથી ટટ્ટાર થઈ જાય છે એવા મળેલા દોસ્તોમાં ... તમે જ કહો , પછી મંદિર સુધી લાંબુ કોણ થાય !


અને એટલે જ એ ઘટના યાદગાર છે ... અજાણતા જ ચંપાવત સરે મારી જાત સાથે મારી ઓળખાણ કરાવી દીધેલી . અને એટલે જ હું પણ લોકો પર એમના પોતાના ડરને અતિક્રમીને વિશ્વાસ કરતાં શીખ્યો છું ...કદાચ એને ખુદને ખ્યાલ ના હોય કે એ ચીજ શું છે , કદાચ તમારો એનામાં મૂકેલો ટીપું વિશ્વાસ એક કરમાયેલા ગુલાબને ફરીથી ખીલવી આપે ! You never know !!!

No comments:

Post a Comment